ઘણીવાર તમે ફિલ્મોમાં અને સીરિયલમાં સાંભળતા હશો – બી ઓનેસ્ટ વિથ યોરસેલ્ફ – એટલે કે તમારી જાત સાથે પ્રામાણિક રહો. શું અર્થ થાય આ શબ્દસમૂહનો? પોતાની જાત સાથે પ્રામાણિક રહેવું એટલે શું? અઘરો શબ્દસમૂહ નથી. સમજી શકાય તેવી વાત છે કે પોતાની જાતને ન છેતરવી, પોતાની સાથે સચ્ચાઈ સ્વીકારવી વગેરે – પરંતુ વાસ્તવમાં આ શબ્દસમૂહ બહુ ગહન અર્થ ધરાવે છે અને આ પ્રમાણિકતાના અનેક પાસા હોય છે જેને આપણે જાણતા પણ નથી અને તેનો અમલ પણ કરતા નથી. પરિણામે મોટા ભાગના લોકો પોતાની સાથે પ્રામાણિક હોતા નથી. આજે આ શબ્દસમૂહને વધારે ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ.

પોતાની ભાવનાઓને સમજવી અને સ્વીકારવી: જ્યાં સુધી વ્યક્તિ પોતાના ઇમોશન્સને ન ઓળખે, તેમને ન સમજે ત્યાં સુધી તે પોતાની જાત સાથે પ્રામાણિક રહ્યો ન કહેવાય. મોટાભાગના લોકો પોતાના ઇમોશન્સને ઓળખાતા નથી. અથવા તો તેમને દબાવતા હોય છે. કોઈ કામથી ખુશ ન હોઈએ, પોતાના જીવનસાથીની કોઈ આદત કે વર્તનથી આપણને માઠું લાગતું હોય, પરંતુ તેને અવગણીને બધું જ નોર્મલ હોય તેવું વર્તન આપણે કરીએ છીએ. ક્યારેક કોઈને નારાજ ન કરવા માટે અથવા તો ક્યારેક નાહકના વાદવિવાદ ન થાય તે માટે આપણે પોતાની ભાવનાઓને અવગણી દેતા હોઈએ છીએ.

પોતાના સ્વમાનને સાચવવું: જ્યાં સુધી વ્યક્તિ પોતાનું સ્વમાન ન જાળવે, તેની ઈજ્જત ન કરે, તેની કદર ન કરે ત્યાં સુધી તે કેવી રીતે પોતાની સાથે પ્રામાણિક રહ્યો કહેવાય? પરંતુ વારેવારે આપણે પોતાના સ્વમાનને ઠેસ પહોંચાડીને પણ સામાજિક કે પારિવારિક કાર્યોમાં ભાગ લેતા હોઈએ છીએ. કોઈ સંબંધ ખરાબ ન થાય તેવા ડરથી આપણે પોતાના સ્વમાનને કોરે મૂકી દઈએ છીએ. પરંતુ આ રીતે પોતાનું સ્વમાન બાજુ પર મૂકીને સંબંધ સાચવી પણ લઈએ તો પણ આપણે પોતાની જાતને સંપૂર્ણપણે ઈજ્જત આપી શકતા નથી. તે સંબંધમાં એક ઈંટ ઓછી હોય તેવું લાગ્યા કરે છે. કારણ કે તેમાં આપણું સ્વમાન ખોરવાયું હોય છે.

પોતાના મનની વાત કહેવાની હિમ્મત રાખવી: જયારે આપણા મનમાં કોઈ વાત વારેવારે આવતી હોય, કોઈ પ્રકારની લાગણીઓનો વમળ ઉઠતો હોય ત્યારે આપણે તેને વ્યક્ત કરવી જોઈએ. જો પોતાની લાગણીને દબાવી રાખીએ, પોતાની ફીલિંગ્સને વ્યક્ત ન કરીએ તો આપણે અંદરથી ગૂંગળાય કરીયે છીએ. તે આપણી માનસિક તંદુરસ્તી માટે યોગ્ય નથી. અને આવું કરવાથી આપણે પોતાની જાત સાથે પ્રામાણિક રહી શકતા નથી. ઘણીવાર લોકો પોતાની લાગણીઓને દબાવી રાખીને આખું જીવન દુઃખમાં વિતાવે છે, મનમાં વિષાદ રાખીને જીવે છે. તેવું ન થાય એટલા માટે પણ પ્રામાણિકતાથી પોતાની લાગણી વ્યક્તિ કરી દેવી આવશ્યક છે.

પોતાના ભય અને નબળાઈઓ સ્વીકારો: ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હોય છે જેના મનમાં કોઈ છુપા ભય ન હોય, જેની કોઈ નબળાઈઓ ના હોય. પરંતુ પોતાના ભય અને નબળાઈને સ્વીકારનાર લોકો બહુ ઓછા હોય છે. પોતાની અંદર એવું બધું દબાવી રાખીને તેઓ ઘણીવાર અંદરને અંદર ગૂંગળાય છે. પોતાની જાતને રિબાવે છે. અને ઉપરથી પોતાનો ચેહરો હસતો રાખે છે. પરંતુ તેવું કરવાથી તેઓ વાસ્તવમાં પોતાની જાત સાથેની પ્રામાણિકતા ગુમાવે છે. પોતાની સાથે જ જાણે તેઓ એક છલ-કપટ કરી રહ્યા હોય તેવી સ્થિતિ ઉભી થાય છે. પરંતુ જે વ્યક્તિ એકવખત પોતાની અંદર રહેલા ભય અને નબળાઈને સ્વીકારી લે, લોકોની સમક્ષ નીડરતાથી તેમને છતાં કરી જાણે ખુબ સારું જીવન જીવી શકે છે.

મોટાભાગે લોકોને એવું લાગે છે કે પોતે પ્રામાણિક થઈને, પોતાના મનમાં આવતા વિચારો વ્યક્ત કરશે, પોતાની લાગણી અંગે વાતચીત કરશે, પોતાના મનમાં ઉઠતા ભય કે ક્રોધ જેવા ભાવો લોકોને બતાવશે તો પોતે નબળા ગણાશે. પોતાના સંબંધ બગડશે. પોતે ઉભી કરેલી શાખ અને છબી ખોરવાશે. આવા ડરને કારણે જ લોકો ઘણીવાર પોતાની લાગણીઓને, પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા યોગ્ય ગણતા નથી. પરિણામે તેઓ પોતાની જાત સાથે પ્રામાણિક રહેતા નથી.