ફિલ્મ અને નાટક માટે નાયક પ્રધાન કથા લખવા એક ખુબ ઉપયોગી પદ્ધતિ છે જેને હીરોની સફર તરીકે ઓળખાય છે. આ પદ્ધતિ અનુસાર હીરો એટલે કે નાયકની સફરને જ કથાનો મુખ્ય આધાર બનાવવામાં આવે છે. કેટલીય ફિલ્મો અને નવલકથાઓ આવી કથા ધરાવે છે. નાયક બનવા માટે, હીરો બનવા માટે વાર્તાના પાત્રને બહાદુર કે પ્રતિભાશાળી હોવું આવશ્યક નથી. તેને કહાનીની શરૂઆતમાં તો ખુબ જ સામાન્ય, નજર અંદાજ કરી શકાય તેવી ભીરુ વ્યક્તિ તરીકે જ ચીતરવામાં આવે છે. ત્યાર બાદ તેની સામે એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે તેને કોઈ પડકારનો સામનો કરવો પડે છે. સ્વભાવે ભીરુ એ અતિ સામાન્ય વ્યક્તિ એ ચુનૌતીનો સ્વીકાર કરવા તૈયાર થતી નથી પરંતુ ત્યારે એવી કોઈ સ્થિતિ ઉભી થાય છે કે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી જેથી કરીને તેને એ પડકાર ઝીલવો પડે છે. આખરે તે અનેક કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને વિજયી બને છે અને નાયક તરીકે પ્રસ્થાપિત થાય છે.
આવી નાયકની સફર માત્ર વાર્તામાં જ નહિ પરંતુ વાસ્તવિક જીવનમાં પણ આકાર લેતી હોય છે. શક્ય છે કે તમે પણ આવી કોઈ નાની મોટી નાયકની સફર ખેડી હોય કે પછી કોઈને એવી સ્થિતિમાંથી પસાર થતા જોયા હોય. આ વાત કરવાનું તાત્પર્ય એ છે કે એ સ્પાઇડરમેન હોય કે પછી કુલીનો અમિતાભ બચ્ચન, બધા જ નાયક ને જીવનમાં ઝીરોમાંથી હીરો બનવાની એક તક તો મળતી જ હોય છે, જે વ્યક્તિ એ સોનેરી દૈવયોગને આવકારીને પોતાની છુપી શક્તિઓને નિખારી જાણે તે સૌની અપેક્ષા કરતા પણ આગળ નીકળી જાય છે અને જે તેમાં છુપાયેલી તકલીફોને જોઈને મોં ફેરવી લે તે ત્યાંની ત્યાં જ રહે છે. આપણા સમાજમાં આપણે ઠોઠ નિશાળિયાઓને ઊંચી પડાવી પર પહોંચતા જોઈએ છીએ. દશમાં ધોરણમાં બબ્બે વરસ કરનારને કરોડોની કંપની ચલાવતા જોઈએ છીએ અને ધારી ન હોય તેવી ઝળહળતી સફળતાનાં શિખરો પાર કરતા પણ જોઈએ છીએ. આયરન મેન, રોકી, હેરી પોટર વગેરે ફિલ્મો પણ આ સંકલ્પના આધારિત છે.
વાત એ છે કે શું તમને તક મળે ત્યારે તમે આવી સફર ખેડવા તૈયાર છો? તમે પોતે ગમે તેટલા સામાન્ય કક્ષાના વ્યક્તિ હોય, કોઈ ખાસ કૌશલ કે પ્રતિભા ન ધરાવતા હોય પરંતુ જો જીવનમાં પડકાર આવે, ચુનૌતી આવે તો પરિસ્થિતિનો સામનો કરીને એક નવી મંઝિલ સુધી પહોંચવા માટે તમારી માનસિક તૈયારી છે? તમારા પણ કિસ્સા કોઈને માટે પ્રેરણાદાયી બની શકે છે તેમાં કોઈ શક નથી પરંતુ તેના માટે આવશ્યકતા છે માત્ર હિમ્મત કરવાની અને સાતત્યથી એ પથ પર આગળ વધવાની. મહાત્મા ગાંધીનું તો આખું જીવન જ આ પદ્ધતિનું સાક્ષી છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જીવન સફર પણ જમીનથી ઉઠીને ઊંચાઈ આંબવાનું દ્રષ્ટાંત છે. તેવા તો કેટલાય ઉદાહરણ આપી શકાય પરંતુ તેવા ઉદાહરણરૂપ એ જ વ્યક્તિ બની શકે કે જેમનામાં એ આખી સફર ખેડવાની, તેમાં આવતી તકલીફો ઉઠાવવાની તૈયારી હોય, હિમ્મત હોય અને સાતત્ય જાળવવાની ધગસ હોય.
અલબત્ત, એકવાત કહી શકાય કે દરેક હીરો માટે, પ્રત્યેક નાયક માટે કોઈને કોઈ ગુરુ, મેન્ટર કે માર્ગદર્શક જરૂર હોય છે જે તેને આ કપરા ચઢાણ દરમિયાન સતત પ્રેરણા અને સલાહ આપે છે. પરંતુ યાદ રહે કે કોઈની પ્રેરણા અને સૂચન છતાંય મહેનત તો વ્યક્તિએ પોતે જ કરવી પડે છે, આવનારી સ્થિતિનો સામનો તો તેને જાતે જ કરવો પડે છે. તેમાં ચૂક થઇ શક્તિ નથી. તેમાં કોઈ રીતે બાંધછોડ થઇ શકે નહિ. આવી હીરોની સફર ખેડવાની હિમ્મત અને તૈયારી હોય તો આવનારી કોઈ તક ઝડપી લેજો અને પોતાની મર્યાદાઓની ચિંતા કર્યા વિના યા હોમ કરીને કૂદી પડજો. તમારા પણ કિસ્સા લોકો વાગોળશે.