ગુજરાતી સિનેમાનો નવો વળાંક- હેલ્લારો

ગુજરાતી ફિલ્મોએ નવો વળાંક લીધો છે અને તેમાં એક પરિપક્વતા આવી ગઈ જણાય છે. છેલ્લો દિવસ, રેવા, ચાલ જીવી લઈએ અને હવે હેલ્લારો. આમ તો બીજી પણ સારી ફિલ્મો બની છે પણ કેટલીક સૌથી વધારે વખણાયેલી આ ફિલ્મોએ ગુજરાતી દર્શકને ગૌરવાન્વિત કર્યો છે. પોતાની માતૃભાષાનું સિનેમા પણ ઉત્તમ સ્તરની ફિલ્મો બનાવે તેવું કોણ ન ઈચ્છે? હિન્દી ફિલ્મો જોવા ટેવાયેલા દર્શકો ગુજરાતી ફિલ્મો નહિ જુએ તેવું વિચારીને કદાચ શહેરી અને ઉચ્ચ શિક્ષિત દર્શક સુધી પહોંચવાનો પ્રયત્ન જ ગુજરાતી સિનેમાએ માંડી વાળ્યો હતો. ફિલ્મોના વિષયોને અને તેની અપીલને માત્ર ગ્રામ્ય વિસ્તાર સુધી સીમિત રાખવાનો ઉદેશ્ય હોય તેવી રીતે આપણું ઢોલીવુડ કામ કરતુ હતું. એક જમાનો હતો જયારે નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, સ્નેહલતા વગેરે કલાકારોની ફિલ્મો ધૂમ મચાવતી. પણ તે સમય ગયા પછી લગભગ દુષ્કાળની સ્થિતિ આવી હોય તેમ રણમાં એકલ દોકલ વીરલો દેખાઈ આવતો. ઘણા સમય પછી ફરીથી બાગ ખીલ્યો હોય તેવું લાગે છે.

હવે તો હેલ્લારોએ રાષ્ટ્રીય પુરષ્કાર જીત્યો છે. ‘ચાલ જીવી લઈએ’ જોવા લોકોએ લાઈન લગાવેલી. ‘છેલ્લો divas’ દર્શકોમાં ખુબ લોકપ્રિય થયેલી અને તેણે કેટલાક એવા પાત્રો આપ્યા છે કે જે તેમના કેરેક્ટર સાથે સમાનાર્થી બની જશે. રેવાને ફિલ્મને પણ ખુબ પ્રસંશા મળેલી અને તેનો વિષય હૃદયસ્પર્શી હતો. આ બધી જ ઉપલબ્ધી સિનેમા સર્જકોની છે. તેમની હિમ્મતને દાદ દેવી ઘટે. તેઓએ પાઇરેસી પર પણ રોક લગાવવા મહેનત કરી છે. તેટલી જ શાબાશી દર્શકોને આપવી પડે. ઘરે પાઈરેટેડ સીડીમાં ફિલ્મ જોવાને બદલે મોટી સંખ્યામાં સિનેમાગૃહોમાં જઈને પરિવાર સાથે આવી ફિલ્મોનો આનંદ માણવા જઈ, ફિલ્મ નિર્માતા અને તેમની ટીમને વધારે સાહસ કરવા પ્રોત્સાહિત કરવા માટે.

હેલ્લારો લંડનમાં આવી ગઈ છે. આ સપ્તાહે તેનો શો જોયો. ફિલ્મ તો ખરેખર જ જોરદાર બની છે. કચ્છનું વાતાવરણ અને ત્યાંની ૭૦ના દર્શકની સ્થિતિને લઈને બનાવેલી આ ફિલ્મ આજના સંદર્ભમાં એક ઐતિહાસિક પીરીઅડ ડ્રામા છે. આ સમયની સામાજિક સ્થિતિને દર્શાવતા મંજરી અને મૂળજીના પાત્રો શાનદાર બન્યા છે. મુખીનો રુઆબ અને ભગલાની ચાલાકી પણ ફિલ્મને ઓપ આપે છે. અભિષેક શાહનું પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પુરસ્ક્રુત બન્યું. શ્રદ્ધા ડાંગર (મંજરી), જયેશ મોરે (મુળજી), મૌલિક નાયક (ભગલો) તથા શૈલેષ પ્રજાપતિ (મુખી) ના અભિનયને પણ વખાણવા પડે તેવા છે. આમ તો ફિલ્મમાં નાયિકાઓ મુખ્ય ભૂમિકા ભજવે છે અને તેમની પુરુષો દ્વારા પ્રસ્થાપિત માન્યતાઓ સામે લડાઈ છે. સમયે સમયે લોકોમાં કેવી માન્યતાઓ ફેલાયેલી હતી અને સ્ત્રીઓનું સ્થાન સમાજમાં કેટલું આધીન હતું તેનો ચિતાર આ ફિલ્મ આપે છે.

યુકેમાં આ ફિલ્મને દર્શકોએ વધાવી અને પસંદ કરી છે તે બાબતથી પણ નિર્માતા, નિર્દેશક અને કલાકારોને પ્રોત્સાહન મળશે તે નિશ્ચિત છે.