કેન્યામાં અનેક સંગઠનો છે જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સંવર્ધન અને પ્રસાર કરવામાં સક્રિય છે. આ સંગઠનો પૈકી કેટલાય ધાર્મિક અને સામાજિક સંગઠનો પણ છે. BAPS સંસ્થાનું ભારતની બહાર પ્રથમ મંદિર નૈરોબીમાં બનેલું અને અત્યારે પણ તે અતિસુંદર અને ભવ્ય મંદિર BAPS નું આફ્રિકાનું હેડક્વાર્ટર છે. અહીં હજારો સત્સંગીઓ દર્શને આવે છે અને રવિસભાનો લાભ લે છે. ૧૭ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન પ્રમુખસ્વામી મહારાજની ૧૦૦મી જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી. આ ભવ્ય ઉત્સવ માટે જમહુરિ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ૧૦ એકરમાં ભવ્ય સ્વામિનારાયણ નગરની સ્થાપના કરવામાં આવી હતી. આટલી મોટી વ્યવસ્થા કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ રોજ મુલાકાત લેતા હતા તેમના માટે બાજુમાં સિટી પ્રાઈમરી સ્કૂલના ૧૦ એકરમાં ગ્રાઉન્ડમાં પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવેલી. આ સંપૂર્ણ સુવિધા તૈયાર કરવા માટે ૧૫૭૫ કાર્યકરો જોડાયા હતા જેમાં ૭૮૩ પુરુષો અને ૭૯૨ મહિલાઓ હતી. તેમણે ૩૮ વિભાગો રચીને અલગ અલગ ફરજો બજાવી હતી. સંપૂર્ણ મહોત્સવનું આયોજન નૈરોબી સ્થિત પૂ. પ્રિયવ્રતસ્વામી અને પૂ. અમૃતસ્વરૂપદાસ સ્વામીના માર્ગદર્શનમાં થયું હતું.

શનિવારે ૧૭મી સપ્ટેમ્બરે સવારે મહાપુજા બાદ ઉપસ્થિત સ્વામી અને મહાનુભાવો દ્વારા સ્વામિનારાયણ નગરનું ઉદ્ઘાટન થયું અને સંપૂર્ણ નગર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું. ૯ દિવસના આ મહોત્સવમાં ૮૦ હજારથી વધારે લોકોએ સ્વામિનારાયણ નગરની મુલાકાત લીધી અને અલગ અલગ કાર્યક્રમોનો આનંદ માણ્યો. તેઓએ પ્રમુખ સ્વામી મહારાજના જીવનને પ્રસ્તુત કરતા પ્રદર્શનની મુલાકાત પણ લીધી અને તેમાંથી પ્રેરણા ગ્રહણ કરી. મુલાકાતીઓમાં કેન્યાભરની ૬૭ જેટલી શાળાઓમાંથી ૧૦ હજારથી વધારે વિદ્યાર્થીઓ પણ શામેલ હતા. નગરમાં પ્રવેશવા માટે સુંદર અને ભવ્ય મયુરદ્વાર તૈયાર કરાયેલું હતું અને ત્યારબાદ નગરની બરાબર મધ્યમાં પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય અને મનમોહક મૂર્તિ બનાવાયેલી હતી જ્યાં રોજ સાંજે હજારો લોકો આરતીમાં જોડાતા અને ત્યારબાદ સ્ટેજ પર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું જેમાં કીર્તન ભક્તિ, પારંપરિક નૃત્ય, નાટક અને સંગીત જેવા કાર્યક્રમો હતા. આ મહોત્સવમાંથી પ્રેરણા લઈને મુલાકાતીઓએ ૧૦૦૦ વૃક્ષો વાવવાની અને ૫૬૫ પાઈન્ટ રક્તદાન કરવાની જાહેરાત કરી હતી.

આ મહોત્સવ કેન્યામાં ઉજવાયેલ એક ખુબ ભવ્ય અને પ્રેરણાદાયી પ્રસંગ હતો જેમાં ન માત્ર ભારતીયમૂળના લોકો પરંતુ કેન્યાના સ્થાનિક લોકો ઉપરાંત બીજા દેશોના લોકોએ પણ ભાગ લીધેલો. સ્થાનિક સરકારના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા અને તેઓએ પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને BAPS ની પ્રવૃતિઓને પ્રેરણાસ્પદ ગણાવી હતી. કેટલાય યુવાઓ વ્યસનમુક્તિ અને પારિવારિક તેમજ સામાજિક ઉત્થાન માટે કાર્ય કરવા તત્પર બન્યા હતા. સામાજિકક્ષેત્રમાં સક્રિય સંગઠનોએ આ કાર્યક્રમમાંથી પ્રેરણા લઈને પોતે પણ એ પ્રકારની પ્રવૃતિઓ આદરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

શતાબ્દી મહોત્સવની સમાપ્તિ બાદ પૂ. મહામહોપાધ્યાય સાધુ ભદ્રેસદાસની ઉપસ્થિતિમાં મંદિરમાં BAPS સ્વામિનારાયણ સંશોધન સંસ્થાની સ્થાપના પણ કરવામાં આવી જેનું સોફ્ટ લોન્ચિંગ કરવા પૂ. મહંત સ્વામી મહારાજ ભારતથી ઓનલાઇન જોડાયા હતા. આ સંસ્થા સાથે કાર્ય કરવા કેન્યાની ચાર યુનિવર્સીટીએ તાત્પર્ય દર્શાવ્યું હતું અને તેના ઉચ્ચ પ્રતિનિધિઓ સોફ્ટ લોન્ચમાં હાજર રહ્યા હતા. આ સંસ્થા દ્વારા સંસ્કૃત ભાષા શીખવવા આવશે, વેદિક સાહિત્યનો અભ્યાસ અને સંશોધન કરવામાં આવશે અને સનાતન હિન્દૂ ધર્મના મૂલ્યો અને પરંપરાઓ અંગે માહિતી અને જાગૃતિ ફેલાવવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવશે જેનાથી સમાજમાં શાંતિ, સૌહાર્દ અને સંવાદિતા જળવાઈ રહે.

કેન્યામાં વસતા ભારતીય સમુદાયના લોકો સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં ખુબ સક્રિય રહે છે અને હંમેશા જોશથી ભાગીદારી નોંધાવે છે. તેને કારણે અહીં એકપછી એક કોઈને કોઈ ભવ્ય કાર્યક્રમોનું આયોજન થતું જ રહે છે પરંતુ આ બધા પ્રસંગોમાં BAPS નૈરોબી દ્વારા આયોજિત આ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ શિરોમણી બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આટલા ભવ્ય અને સુંદર કાર્યક્રમનું આયોજન કરવા માટે સ્વામિનારાયણ સંસ્થા નૈરોબીની ખુબ પ્રસંશા થઇ રહી છે અને તેના માટે લોકોના આદર અને સમ્માન અનેકગણા વધી ગયા છે.

Don’t miss new articles