અહીં લોકડાઉન ખુલી રહ્યું છે. ૪થી જુલાઈથી લોકડાઉનના નિયમોમાં વધારે છૂટછાટ મળવાની છે. રેસ્ટોરન્ટ, પબ્સ, સિનેમા અને બાર્બરશોપ વગેરે પણ ૪થી જુલાઈથી ખુલવા માંડશે. ૨ મીટર સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનો નિયમ થોડો હળવો કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. લોકો રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કરી શકશે કે વાળંદ પાસે વાળ કપાવવા જઈ શકશે. જો કે આ કઈ જ અનિયંત્રિત રીતે નહિ થાય. કેટલીક ગાઇડલાઇન્સ આપવામાં આવી છે અને તેને આધીન રહીને આ પ્રકારના બિઝનેસ ચાલુ થઇ શકશે.
સરકારે આપેલી સૂચના પ્રમાણે માર્યાદિત સંખ્યામાં ગ્રાહકોને પ્રવેશ આપવો. લાઈન લગાવીને લોકો ઉભા ન રહે કે વેઇટિંગમાં ન રહે એટલા માટે પહેલા બુકીંગ કરવું, ટાઈમ સ્લોટ આપવા અને બેઠકમાં પણ સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ જાળવવું. બાર્બર શોપમાં પણ ખુબ કાળજી રાખવી પડશે કેમ કે ત્યાં તો એક જ ખુરસી પર લોકોએ વારાફરતી બેસવાનું હોય છે. તેવી જ રીતે સિનેમા ખુલશે તો ત્યાં પણ ખતરો તો રહેશે. અત્યારે રાહતની વાત એ છે કે યુકેમાં રોજ એક હજારથી પણ ઓછા કેસ આવે છે જયારે લંડનમાં તો કેસ માત્ર બે આંકડામાં જ પહોંચી ગયા છે. આટલા મોટા શહેરમાં સો કરતા પણ ઓછા કેસ હોય તે સારી વાત કહેવાય.
ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. બ્રિટિશ સમર આમ તો આકરો નથી હોતો પરંતુ ક્લાઈમેટ ચેન્જની અસર કહો કે અહીં પણ ૩૦ ડિગ્રીથી વધારે તાપમાન થવા માંડ્યું છે. લાંબા દિવસો છે એટલે લોકો સાંજે અને સવારે પાર્કમાં નીકળે છે. વીકેન્ડમાં પરિવાર સાથે ફરવા જાય છે અને સનલાઇટનો આનંદ ઉઠાવે છે. કંટ્રીસાઇડમાં, શહેરની બહાર, કેટલાય રમણીય સ્થળો છે જ્યાં કિલ્લાઓ, જૂની ઇમારતો, બાગબગીચાઓ અને મ્યુઝિયમ છે. આ સ્થળો હવે લોકો માટે ખુલવા માંડ્યા છે. જો કે તેમાં પણ પહેલાથી બુકીંગ કરાવીને જવાનું, જેથી તેઓ માર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપી શકે. ભીડભાડ ન થાય, સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ જળવાય તેનું ધ્યાન રખાય છે.
યુકે સરકારે બહારથી આવતા લોકો માટે ફરજીયાત ક્વારન્ટાઇન કરવાનો નિયમ બહાર પાડ્યો અને જે તેનું ઉલ્લંઘન કરે તેને એક હજાર પાઉન્ડનો દંડ રાખવામાં આવ્યો છે. તેની સામે બ્રિટિશ એરવેઝ અને બીજી કેટલીક એરલાઇન્સે કોર્ટમાં પિટિશન કરી છે કે આવા નિયમથી ઉડ્ડયન ઇન્ડસ્ટ્રીને નુકશાન થશે. આમેય ઉડ્ડયન ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગની કંપનીઓ નુકશાની ભોગવી રહી છે અને કેટલીક તો બંધ થવાના આરે છે. મોટા ભાગની હોટેલ્સ પણ નુકશાન ભોગવી રહી છે અને રેસ્ટોરન્ટને અસહ્ય ફટકો પડયો છે. આવા સમયે યુકે ગવર્નમેન્ટની કેટલીક સહાય યોજનાઓ લાભકારી બની છે. નાના ઉદ્યોગોને ધિરાણની સહાય આપવામાં આવી જેના માટે એક વર્ષ સુધી પૂરું વ્યાજ સરકાર આપશે. તેમના કર્મચારીઓની જરૂર ન હોય તો તેમને ફર્લો કરી શકે – એટલે કે રજા પર મોકલી શકે. તેમનો ૮૦% પગાર, મહત્તમ લગભગ અઢી હજાર પાઉન્ડ સુધી, ચાલુ રહે અને તે સરકાર આપે તેવી જોગવાઈ થઇ છે. ભાડા પર લીધેલી પ્રોપર્ટી અંગે પણ સરકારે ઘણી મદદ કરી છે.
૪થી જુલાઈથી નવી ગાઇડલાઇન્સ આવે ત્યાં સુધી તો ‘છ લોકોથી વધારે નહિ, બે મીટરથી ઓછું નહિ’ નો નિયમ ચાલ્યા કરશે. એટલે કે કોઈ પણ સંજોગોમાં ૬ થી વધારે લોકોએ એકઠા થવું નહિ અને હંમેશા બે મીટરનું અંતર જાળવી રાખવું. નવી રસી અને દવાઓ શોધાઈ તેની રાહ જોવાઈ રહી છે. કેટલાય નવા સંશોધનો સામે આવ્યા છે અને તેના અંગે ટ્રાયલ ચાલુ છે. પરંતુ એકેય રસી હજુ સુધી સંપૂર્ણપણે માન્યતાપ્રાપ્ત કરી શકી નથી. યાદ રાખવું જોઈએ કે દવામાં અને રસીમાં ફરક છે. બીમાર પડતા અટકાવે તે રસી અને બીમાર થઈએ તો બચાવે તે દવા. આપણે ઈલાજ કોરોનાનો શોધવાનો છે, તેની બીમારીનો નહિ. એટલે રસી મેળવી જરૂરી છે. નહીંતર હંમેશા આપણામાં ડર રહેશે કે ક્યાંક કોરોના તો નહિ થઇ જાય ને!