યુકેમાં ૭૫% પુખ્ત વયની વ્યક્તિઓનું રસીકરણ થઇ ગયું છે અને તેમને એક ડોઝ મળી ગયો છે. લગભગ ૫૦% લોકોને તો બંને ડોઝ મળી ગયા છે અને રસીકરણની પ્રક્રિયા પૂર જોશમાં ચાલુ છે. ૨૧મી જૂનથી યુકેમાં સંપૂર્ણ અનલોક થવાનું છે, એટલે કે બધી જ છેલ્લી-છેલ્લી બચેલી પાબંદીઓ પણ હટાવવાની છે. અત્યારે સિનેમા, દુકાનો અને રેસ્ટોરન્ટ તો ખુલી જ ગયા છે. હવે માત્ર લગ્ન સમારંભ, મોટા મેળાવડા અને ઈવેન્ટ્સ બાકી રહ્યા છે જે પણ ૨૧મી જૂનથી ખુલવાના છે. પરંતુ મેં મહિનાના અંતમાં આવેલી છૂટછાટના તબક્કા બાદ લોકો મુક્ત રીતે ફરતા થયા છે, બ્રિટનનો ઉનાળો અને વહેલી સવારથી મોડી રાત સુધી રહેતો સૂર્યપ્રકાશ લોકોને જાણે બહાર ખેંચી લાવતો હોય તેમ બધા લોકો બહાર ફરી રહ્યા છે, રેસ્ટોરન્ટ અને શોપિંગની મજા માણી રહ્યા છે અને પરિણામે ફરીથી યુકેમાં પણ કેસ વધી રહ્યા છે. જો કે વધવા છતાં હજુ અહીં રોજના મહત્તમ ચાર હાજર કેસ સુધી આંકડો પહોંચ્યો છે.

અહીં ભારતને તો રેડ લિસ્ટમાં મૂકી દેવાયું હોવા છતાં કેટલાય લોકો આવે છે અને હોટેલ ક્વોરેન્ટાઇન કરીને બહાર નીકળે છે. નવા આંકડા અનુસાર ભારતમાં થયેલ મ્યુટેશનનો વાઇરસ અહીં પણ ફેલાઈ રહ્યો છે અને એક સમાચાર અનુસાર એ વેરિએન્ટ અહીં મેજોરિટીમાં છે. તેને કારણે જ તબક્કાવાર થઇ રહેલ અનલોકનો છેલ્લો તબક્કો ૨૧મી જૂને અમલમાં આવશે કે પાછળ ધકેલાશે તેના અંગે અંદાજ ચાલી રહ્યા છે. પરંતુ યુકેની સરકારે અત્યારે તો એવું કહ્યું છે કે ૨૧મી જુનના અનલોકના તબક્કાને પાછળ ધકેલવો પડે તેવા આંકડા તેમની સામે નથી. એટલે કે પહેલા જાહેર કર્યા અનુસાર અનલોક થઇ જશે.

ઉપરાંત, આ સમય દરમિયાન લોકોમાં ઘર ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો છે. યુકેમાં સરેરાશ ઘરની કિંમતોમાં, પ્રોપર્ટીની કિંમતમાં છેલ્લા એક વર્ષમાં વધારો થયો છે. કેટલાક વિસ્તારોમાં તો પ્રોપર્ટીના ભાવ દોઢ ગણા થઇ ગયા છે અને લંડનમાં તો પહેલાથી જ પ્રોપર્ટી મોંઘી હોવા છતાં છેલ્લા એક વર્ષમાં વધારે ઉછાળો આવ્યો છે. યુકેની સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપતા લોકોને ઘર ખરીદવામાં ૪-૫%નો ફાયદો થતો હોવાથી તેમજ કદાચ ઇન્વેસ્ટમેન્ટ માટે બીજું ઘર ખરીદવાના ટ્રેન્ડથી આ ભાવવધારો થયો છે તેવું નિષ્ણાતોનું કહેવું છે. લોકો મોટા શહેરોથી બહાર જઈને રહેવા લાગ્યા હોવાથી કંટ્રીસાઇડ એટલે કે નાના ગામડાના ઘરોમાં પણ ભાવ વધારો થયો છે. ત્યાં તો આમેય માર્યાદિત ઘરો હોય છે એટલે હવે રેન્ટ માટે પણ ઘર મળતા નથી. લોકોમાં ઘરેથી કામ કરવાનો જે નવો ટ્રેન્ડ શરુ થયો છે તેને કારણે લોકો હવે લંડનની અને એવા બીજા મોટા શહેરોથી એક-દોઢ કલાકની મુસાફરી કરવા જેટલા દૂર જતા રહ્યા છે. તેનો ફાયદો એ થાય છે કે લોકોનું લંડનમાં ભાડું અને બીજો ખર્ચો જેટલો થતો હોય તેનાથી ઘણો ઓછો ખર્ચો બહારના વિસ્તારોમાં થાય છે. તેમના પૈસા બચે છે અને શાંતિથી રહી શકે છે. તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર અનલોક થયું હોવા છતાં લગભગ ૨૫% લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. કેટલાક ઉદ્યોગોમાં તો ૬૦-૭૦% લોકો આજે પણ ઘરથી કામ કરે છે. તેને કારણે કોમર્શિયલ પ્રોપર્ટી ખાલી થઇ ગઈ છે, મોટા શહેરોમાં ભાડે આપાયેલા મકાનો ખાલી થઇ ગયા છે.

ઉપરાંત, આ થોડા દિવસો પહેલા ભૂતપૂર્વ વરિષ્ઠ ન્યાયાધીશ લોર્ડ ડાયસન દ્વારા કરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે પત્રકાર માર્ટિન બશીરે ઇન્ટરવ્યુ છેતરપિંડી કરીને ૧૯૯૫માં પ્રિન્સેસ ડાયેના સાથે પેનોરમા ઇન્ટરવ્યૂ ગોઠવ્યું હતું અને તે ઇન્ટરવ્યૂ બાદ પ્રિન્સેસ ડાયેનાની માનસિક સ્થિતિ ખરાબ થઇ હતી અને જે અંતે તેમના મૃત્યુ તરફ દોરી ગઈ. તે ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રિન્સેસ ડાયનાએ પોતાનું અફેર હોવાનું સ્વીકારેલું. તેણીએ જાહેર કરેલું કે પ્રિન્સ ચાર્લ્સના કેમિલા પાર્કર બાઉલ્સ (હવે તેની પત્ની) સાથેના અફેરથી તેને માનસિક રીતે ભોગવવું પડે છે. તેણે સૂચવેલું પ્રિન્સ ચાર્લ્સ રાજા બનવા માટે અનુકૂળ નથી અને પ્રિન્સ ચાર્લ્સનો સ્ટાફ તેની વિરુદ્ધ રોભ જમાવતો હતો. આ ઇન્ટરવ્યૂ ૨૦ મિલિયનથી વધુ લોકોએ જોયું હતું અને તેના કારણે ભારે વિવાદ ઉભો થયો હતો. થોડા સમય પછી, રાણીએ પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાને પત્ર લખીને છૂટાછેડા લેવાનું કહ્યું.

જે રીતે ઇન્ટરવ્યુ સુરક્ષિત કરવામાં આવ્યું હતું તેના અંગે વિવાદો તેના પ્રસારણના ટૂંકા સમયમાં જ શરૂ થયા હતા. બીબીસી માટે કામ કરતા ગ્રાફિક ડિઝાઇનરે કહ્યું હતું કે માર્ટિન બશીરે તેમને નકલી બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવા જણાવ્યું હતું જેમાં પ્રિન્સેસ ડાયનાના ભાઈ અર્લ સ્પેન્સરના સ્ટાફના ભૂતપૂર્વ સભ્યને અખબાર જૂથ દ્વારા નાણાંની ચૂકવણી બતાવવામાં આવી હતી. ડાયસન રિપોર્ટ કહે છે કે આ અર્લ સ્પેન્સરનો વિશ્વાસ મેળવવા માટેનો કીમિયો હતો જેથી તે બશીરને ડાયના સાથે મુલાકાત કરાવે. જ્યારે બીબીસીના બોસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે બશીરે તેણે અફવા ગણાવી દીધી હતી. આખરે બીબીસીએ આ ઘટના અંગે માફી માંગી હતી અને બશીરે પણ અમુક અંશે આ ઇન્ટરવ્યૂમાં કૈંક ગોટાળો હોવાનું કબુલ કર્યું હતું. આ ઘટના બાદ ફરીથી પ્રિન્સ હેરીએ પોતાની માતા પ્રિન્સેસ ડાયેનાના મૃત્યુ અને મીડિયાના વલણને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

Don’t miss new articles