એક ઓળખાણ વાળી વ્યક્તિને હમણાં લીવર સોરાસીસની બીમારી હોવાનું ડોક્ટરે જણાવ્યું. સોરાસીસને સામાન્યરીતે આપણે ચામડીના એક રોગ તરીકે ઓળખીએ છીએ પરંતુ ક્યારેક લીવર સોરાસીસ પણ થઇ શકે છે. સોરાસીસમાં ચામડી કડક, સુખી અને ખરબચડી બને છે અને તેને કારણે રાત ચાંઠા અને ખજવાળ થઇ આવે છે. આવા જ લક્ષણો વ્યક્તિના લીવરમાં પણ જોવા મળે છે અને ડોક્ટરનું કહેવું છે કે લીવર પર ફેટ એટલે કે ચરબી જમા થવી એ પહેલું કારણ છે કે આ બીમારી થઇ આવે છે. ફેટી લીવર એટલે કે લીવર પર ચરબી જમા થવાની શરૂઆત ઘણા લોકોને દારૂ પીવાને કારણે, વધારે ચરબીવાળો ખોરાક ખાવાને કારણે તથા જરૂર જેટલો વ્યાયામ ન કરવાને કારણે થાય છે. પરંતુ આ ફેટી લીવર માત્ર પહેલું જ લક્ષણ છે અને તેને લીવર સોરાસીસ જેવી બીમારીમાં પરિવર્તિત થતા અટકાવી શકાય છે. કેટલાક તબીબોનું કહેવું છે કે ફેટી લીવરથી લીવર સોરાસીસ સુધી પહોંચતા દશેક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

આ ઘટના એટલા માટે નોંધપાત્ર છે કેમ કે આપણે લોકો જયારે કોઈ બીમારીનું શરૂઆત હોય ત્યારે તેને ‘કઈ નથી’ કહીને અવગણતા હોઈએ છીએ. ફેટી લીવર તો આજકાલ સામાન્ય છે તેવું ન માત્ર દર્દી પરંતુ ડોક્ટર પણ કહેતા થયા છે. વાત સાચી છે. ફેટી લીવર સામાન્ય છે કેમ કે કેટલાય લોકોને તે થઇ જાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ફેટી લીવરને અવગણવા જેવું છે. તેવું જ બીજી પણ કેટલીય શારીરિક અવસ્થાઓ અંગે કહી શકાય. મેદવૃદ્ધિ તો આજકાલ સામાન્ય છે. અનિંદ્રા તો લગભગ દરેક ત્રીજા વ્યક્તિને જોવા મળે છે. ડાયાબિટીસ થાય તેમાં ડરવા જેવું કઈ નથી. આવા કેટલાય વિધાનો આજે આપણે આસપાસના અને ઓળખીતા લોકોના મોઢેથી સાંભળીએ છીએ. વધારે લોકોમાં આવા લક્ષણો જોવા મળતાં થયા છે તેનું કારણ એ છે કે આપણે લોકો પોતાના આરોગ્ય અંગે સાવચેત નથી. આજે આપણે જે પર્યાવરણમાં જીવીએ છીએ તેમાં કેટલાય કારણો છે જે આપણને આવા રોગનો ભોગ બનાવવા માટે જવાબદાર છે. પરંતુ તેનાથી આ રોગને કારણે થતું નુકશાન કઈ ઓછું થઇ જતું નથી. તેની અસર આપણા શરીર, મન અને પરિવાર પર થાય જ છે.

શું આપણે આ ઘટનાને એક ઉદાહરણ તરીકે લઈને એક શીખ મેળવી શકીએ કે જયારે પણ આપણા આરોગ્યને લગતી કોઈ ચેતવણીનો સંકેત મળે ત્યારે તેને અવગણવો નહિ. આરોગ્યને નહિ તો બીજું શું ગંભીરતાથી લેવું જોઈએ? શું આપણે શરીર અને મનનો ઉપયોગ માત્ર કામ કરવા માટે, સમાજમાં કોઈ પદવી અને મોભો મેળવવા માટે જ કરી રહ્યા છીએ? વધારેને વધારે નાણાં તથા નામના થાય એ માટે આપણા ઓજારની માફક આપણે શારીરિક અને માનસિક આરોગ્યનું શોષણ કર્યા કરવાનું છે? ‘હાશ, શરીર ગયું તો ગયું પરંતુ હું કરોડપતિ બની ગયો.’ એવું લોકો કહેતા નથી પરંતુ કરે છે તો ખરા. આખા શરીરને એવું તો ઘસી નાખે છે કે તે ફરીથી ક્યારેય તંદુરસ્ત અવસ્થામાં આવી શકતું નથી. અને શા માટે? થોડા રૂપિયા વધારે કમાવા માટે? સમાજમાં પોતાનો દરજ્જો બે ઇંચ વધારે ઊંચો કરવા માટે?

શું આપણે શરુ કરેલી આ આંધળી દોડ અટકાવી નહિ શકીએ? શરીરને આપણા આ જીવનનું પરિવાહક માનવું જોઈએ, આપણા મન અને આત્મા માટેનું પવિત્ર મંદિર માનવું જોઈએ તેને બદલે આપણે શરીરને માત્ર એક ઓજાર તરીકે, એક ટૂલ તરીકે ઉપયોગમાં લઈને શું હાંસલ કરવા મથ્યા રહીએ છીએ? મિડાસ જેવો રાજા કે જે કોઈપણ વસ્તુને સ્પર્શે તે સોનુ બની જાય તે પણ જતો રહ્યો અને અશોક જેવા સમ્રાટ પણ ક્ષીણ થઇ ગયા. તો આપણે શું છીએ? આપણું જીવન ક્ષણભંગુર છે અને જેટલું જીવીએ તેટલું આ શરીર સાથે જ જીવવાનું છે તે વાત આપણે ભૂલી ગયા છીએ? નોકરી બદલી શકાય તેમ છે, ધંધો તૂટી પડે તો ફરીથી ઉભો કરી શકાય તેવી શક્યતા છે પરંતુ જો આ શરીર ઘસાઈ જાય તો તેને બદલવાનો કોઈ ઉપાય છે ખરો?

આ લીવર સોરાસીસની ઘટનાને આપણે પોતાના જીવનમાં પણ ચેતવણી માનીએ અને આજે પણ જો આરોગ્યને લગતી કોઈ ચેતવણી હોય તો તરત જ તેનું નિરાકરણ કરીએ.

Don’t miss new articles