પરિણામ મેળવવાની પહેલી શરત એ છે કે પ્રક્રિયાનો પ્રારંભ થાય. જ્યાં સુધી પ્રારંભ જ ન કરીએ ત્યાં સુધી પરિણામ કેવી રીતે મળે? ઘણીવખત લોકો કહેશે કે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા એટલી લાંબી છે કે તેમની પાસે હજુ પાસપોર્ટ નથી. જો તેમને પૂછો કે પાસપોર્ટ માટે એપ્લિકેશન કરી છે તો કહેશે કે ના હજી નથી કરી કેમ કે તે કામ ખુબ અઘરું છે. સરકારે એટલી પેચીદી પ્રક્રિયા રાખી છે કે સામાન્ય માણસ પાસપોર્ટ મેળવી જ ન શકે. જો ફરીથી વળતો પ્રશ્ન કરો કે તમને એપ્લિકેશનમાં શું પેચીદું લાગ્યું તો જાણવા મળશે કે તે ભાઈએ ક્યારેય એપ્લિકેશન ફોર્મ ખોલીને જોયું જ નથી. અહીં વાત એ છે કે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાનો પ્રારંભ જ નથી થયો તો પરિણામ કેવી રીતે મળે? લોકો પોતાની શેરીના રોડમાં પડી ગયેલા ખાડાની ફરિયાદ કરતા હોય કે ઉડી ગયેલા સ્ટ્રીટ લાઈટના બલ્બની વાત કરતા હોય પરંતુ જો તેમને પૂછવામાં આવે કે તે અંગે અધિકારીઓને જાણ કે અરજી કરી છે તો ખબર પડશે કે આ કામ તો કોઈએ કર્યું નથી. જ્યાં આપણે કોઈ પ્રક્રિયાનો પ્રારંભ જ ન કરીએ અને પરિણામની અપેક્ષા રાખીએ તો કેવી રીતે ચાલે? પ્રારંભ કાર્ય વિના આપણે કેવી રીતે મનગમતું પરિણામ મેળવી શકીએ?
સફળતા મેળવવા માટે, કોઈ પરિણામ મેળવવા માટેનું પ્રથમ પગથિયું છે પ્રારંભ. જો પ્રારંભ જ ન કરવામાં આવે તો કેવી રીતે આપણે પરિણામ સુધી પહોંચી શકીએ? પ્રારંભ, શરૂઆત કરવી આવશ્યક છે. એટલા માટે જ કહેવાય છે કે વેલ બિગન ઇઝ હાફ ડન એટલે કે સારી શરૂઆત અડધા પરિણામ બરાબર હોય છે. જે વ્યક્તિ મેરેથોન દોડવા માંગતી હોય તે દોડવાનું શરુ કરે તો જ સફળ રીતે ક્યારેક મેરેથોન પુરી કરવાનું સપનું સાકાર કરી શકે. જે પુસ્તક વાંચવાની શરૂઆત કરીએ તે જ પૂરું કરી શકીએને?
આ વાત ખુબ સામાન્ય જણાતી હોવા છતાંય આપણે પોતે જ જીવનમાં કેટલીય બાબતોમાં અહીં જ થાપ ખાઈ જતા હોઈએ છીએ. નવી ભાષા શીખવાની ઈચ્છા હોય પરંતુ ક્યારેય તેના માટે પુસ્તક જ ન ખોલીયે, કોઈ ક્લાસમાં ન જોડાઈએ કે બીજી કોઈ પ્રકારનો પ્રયત્ન ન કરીએ તો ક્યારેય ભાષા શીખવાનું પરિણામ મેળવી શકીએ નહિ તે જાણતા હોવા છતાંય મોટા ભાગના લોકોની નિષ્ફળતા એ જ હોય છે કે તેમણે હજી શરૂઆત જ કરી હોતી નથી. કોઈ પણ કાર્ય માટે જો તમે સફળતા અને નિષ્ફળતાનું વિશ્લેષણ કરતો તો જણાશે કે લગભગ ૯૦% નિષ્ફળતા શરૂઆત ન થવાના કારણે જ હોય છે. માત્ર ૧૦% નિષ્ફળતા એવી હોય છે જેમાં શરૂઆત સારી થઇ હોય તેમ છતાંય સફળતા ન મળી હોય. તમારા પોતાના લક્ષ્યો અંગે પણ જો તમે વિશ્લેષણ કરશો તો કદાચ આવા જ તારણ પર પહોંચશો. કોઈ જ સફળતા શરૂઆત કર્યા વિના હાંસલ થઇ હોતી નથી.
પ્રારંભ સારો થાય, અને જો તે ઉત્સાહને જાળવી રાખવામાં આવે, તેમાં ધીમે ધીમે સાતત્યનું ઇંધણ પૂરીને ગાડી આગળ ચલાવવામાં આવે તો ભાગ્યે જ કોઈ વ્યક્તિને નિષ્ફળતાનો કડવો સ્વાદ ચાખવો પડે. અને જો તેવું થાય તો પણ તે પુરા પ્રયત્નો અને પ્રક્રિયા દરમિયાન જે શીખવા મળ્યું હોય તે અનુપમ હોય છે. તેનાથી વધારે સારા પાઠ જીવનમાં બીજે ક્યાંયથી ન શીખી શકાય. વળી એક વાત એ પણ સમજવા જેવી છે કે કોઈપણ નિષ્ફળતા કે જેની પાછળ પ્રયત્નોનું જળ સિંચાયું હોય તે તદ્દન કોરી જમીન જેવી હોતી નથી. તેમાં અમુક અંશે તો સફળતા છુપાયેલી જ હોય છે કેમ કે આ બધા જ પ્રયત્નો અને બોધપાઠ બીજી કોઈ પણ જગ્યાએ એટલા ઉપયોગી બનતા હોય છે કે તે પહેલી નિષ્ફળતાને છાવરી લે છે.
આ સામાન્ય બોધપાઠ ભણીને આપણે પણ જીવનમાં જે લક્ષ્યો નિર્ધારિત કર્યા હોય તેમાં સફળતા મેળવવા માટે એક જ કામ કરવાની જરૂર છે: પ્રારંભ. જો પ્રારંભ કરી દેશો તો તમારા ૯૦% લક્ષ્યો સફળતામાં પરિણમશે તે વાતની ગેરંટી છે.