નોર્ધર્ન આયર્લેન્ડ લગભગ અઢાર લાખની વસ્તી ધરાવતો ટાપુ છે જે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેનો ભાગ છે. આયર્લેન્ડ ટાપુના બે રાજકીય હિસ્સા છે. એક હિસ્સો રિપબ્લિક ઓફ આયર્લેન્ડ નામનો અલગ દેશ છે જયારે બીજો હિસ્સો નોર્ધર્ન આયર્લેન્ડ તરીકે ઓળખાય છે જે યુકેનો ભાગ છે. યુરોપનો નકશો જુઓ તો જણાશે કે આ ભૂમિખંડની ઉત્તરમાં એક ટાપુ છે જેને આપણે બ્રિટન તરીકે ઓળખીએ છીએ અને તેની ઉત્તરમાં બીજો ટાપુ છે જે આયર્લેન્ડ છે. એટલે યુકે બે મોટા ટાપુઓનો બનેલો દેશ છે.

નોર્ધર્ન આયર્લેન્ડ ઓછી વસ્તીવાળો (યુકેની કુલ વસ્તીના માત્ર ૩ ટકા) અને આર્થિક રીતે યુકેનો સૌથી ઓછો વિકસિત હિસ્સો છે. તેનું કેપિટલ બેલફાસ્ટ છે જેની વસ્તી ત્રણ લાખથી પણ ઓછી છે. ૧૯૨૦માં ગવર્મેન્ટ ઓફ આયર્લેન્ડ નામનો કાયદો બનાવીને તેના અંતર્ગત આ આયર્લેન્ડના ટાપુને બે હિસ્સામાં વહેંચવામાં આવેલો. વર્ષ ૧૯૨૧માં નોર્ધર્ન આયર્લેન્ડ બન્યું જેમાં મોટા ભાગે બ્રિટનમાં રહેવા ઇચ્છતા લોકો – પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના ખ્રિસ્તીઓ – હતા. આયર્લેન્ડ ટાપુના મોટાભાગના લોકો કેથોલિક ખ્રિસ્તીઓ છે અને જયારે તેમને અલગ દેશ તરીકે રહેવું છે કે બ્રિટન સાથે જોડાઈને યુકે બનવું છે તેવું નક્કી કરવાનું હતું ત્યારે કેથોલિક લોકોએ અલગ દેશની માંગણી કરી અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડ નામે દેશ અલગ રચાયો. તેઓને સેપરાટીસ્ટ એટલે કે અલગાવવાદી તરીકે પણ ઓળખાય છે. જે લોકો યુકેમાં રહ્યા તેઓને યુનિયનિસ્ટ કહેવાય છે.

નોર્ધર્ન આયર્લેન્ડ અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડ બન્યું ત્યારના સમયમાં ૧૯૨૦-૨૨ દરમિયાન હિંસક આંદોલનો થયેલા અને તેમાં પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક વચ્ચે કેટલાય હિંસાના બનાવો બનેલા. આ રમખાણો દરમિયાન લગભગ ૫૦૦ લોકોના જીવ ગયા હતા. આખરે વિભાજન તો થયું પરંતુ ત્યારબાદ પણ નોર્ધર્ન આયર્લેન્ડમાં હિંસાના બનાવો બનતા રહ્યા. જે લોકો પુરા આયર્લેન્ડને એક જોવા ઇચ્છતા હતા તેઓ માટે આ વિભાજન અસહ્ય હતું અને તેઓએ બ્રિટિશ હુકુમત વિરુદ્ધ હિંસાના છુટાછવાયા પ્રયાસો કર્યા જેમાં અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે. આખરે ૧૦મી એપ્રિલ ૧૯૯૮ના ગુડ ફ્રાઇડેના રોજ ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું જેના દ્વારા નોર્ધર્ન આયર્લેન્ડમાં કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ વચ્ચે શાંતિ સમજૂતી થઇ અને હિંસાનો અંત લાવવામાં આવ્યો. ત્યારબાદ હિંસાના પ્રસંગો ઓછા થઇ ગયા છે.

ઇતિહાસમાં જઈએ તો આજે જે આયર્લેન્ડના ટાપુ તરીકે ઓળખાય છે તે એક સમયે ગેઇલ નામની જાતિ દ્વારા વસવાટ કરવામાં આવતો વિસ્તાર હતો. તે લોકો આઇરિશ ભાષા બોલતા અને કેથોલિક ખ્રિસ્તી ધર્મ પાળતા. Ulster નામનો વિસ્તાર અહીંનું મુખ્ય પ્રભાવશાળી રાજ્ય હતું અને તેના દ્વારા જ અંગ્રેજો સામે અસરકારક બળવા થયેલા. આ આઇરિશ ભાષા બોલનારા લોકો પર જ્યારે અંગ્રેજી બોલનારા બ્રિટિશ લોકોએ કબજો કર્યો ત્યારે ઘણા વિદ્રોહ થયેલા પરંતુ ઇ. સ. 1594-1603 દરમિયાન નવ વર્ષ ચાલેલા યુદ્ધમાં અંગ્રેજોનો અલ્સ્તર પર વિજય થયો અને આખરે 1607માં કિંસલેની લડાઈમાં નિર્ણાયક રીતે ઈંગ્લીશ હુકુમત સ્થપાઈ. આ સમયે કેટલાય આઇરિશ લોકો આયર્લેન્ડ છોડીને યુરોપ જતા રહેલા. ત્યારબાદ આયર્લેન્ડ મોટાભાગે અંગ્રેજોના કબજામાં રહ્યું અને ત્યાં મહારાણીની હકુમત સ્થપાય. અહીં પણ અંગ્રેજોએ બાગાયત ખેતી શરુ કરેલી અને અમુક સમય બાદ અહીંના કેથોલિક લોકોએ વિદ્રોહ પણ કરેલો.

નોર્ધર્ન આયર્લેન્ડમાં શર્ટ મેન્યુફેક્ચરિંગ અને શિપ મેન્યૂફેચરિંગની ઇન્ડસ્ટ્રી છે. પહેલાના સમયમાં તો બેલફાસ્ટમાં શિપ બનાવવાનું વિશ્વનું સૌથી મોટું યાર્ડ હતું અને અહીંજ ટાઇટેનિક બનેલી. ટાઇટેનિક જ્યાં બનેલું તે જગ્યાએ બેલફાસ્ટમાં ખુબ સુંદર અને ભવ્ય મ્યુઝિયમ બનાવાયું છે અને ટાઇટેનિકની નાની નાની વિગતો અહીં રાખવામાં આવી છે. ટાઇટેનિક જેવી કેટલીય શિપ અહીં બનેલી. જો કે જયારે બન્યું તે સમયે ટાઇટેનિક સૌથી આધુનિક જહાજ હતું. આ શિપયાર્ડ આજે પણ છે પરંતુ પહેલા કરતા ઘણો નાનો છે અને ઓછા જહાજ બનાવે છે.

Don’t miss new articles