આફ્રિકાના અલગ અલગ વિસ્તારોમાં પોતપોતાની સ્વતંત્ર અને પ્રાચીન માન્યતા ધરાવતા લોકો વસે છે. જંગલ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા હોવાને કારણે તેમની માન્યતાઓ એકબીજાથી સ્વતંત્ર રીતે વિકસી છે અને ધીમે ધીમે એકબીજા સાથેના સંપર્કને કારણે પ્રચાર પામી છે. આવી જ કેટલીક પ્રથાઓ અને કથાઓ પચ્છિમ આફ્રિકાના ઘાના, પૂર્વ આઇવરી કોસ્ટ અને ટોગો દેશોમાં વસતા ‘અકાન’ તરીકે ઓળખાતા જૂથની છે. તેઓ કવા સમુદાયના લોકો છે અને તેમના ધર્મને અકોમ કહેવાય છે. તેઓ બોલે છે એ બોલીને ટ્વી કહેવાય છે. આ બોલીમાં અકોમનો અર્થ થાય છે ભવિષ્યવાણી. અકોમ સમુદાયના અનેક પેટા જૂથ પણ છે જેમાં ફેન્ટી, અશાંતિ, અકુઆપેમ, વાસા, એબ્રોન, આની અને બાઉલેનો સમાવેશ થાય છે. અકાન આધ્યાત્મિકતાના અનુયાયીઓ બ્રહ્માંડની રચના કરનાર સર્વોચ્ચ દેવીમાં વિશ્વાસ રાખે છે અને એવી માન્યતા ધરાવે છે કે તે મનુષ્ય સાથે સંપર્ક કરતી નથી. આ માન્યતા અનુસાર સર્જકના અનેક નામ છે. સર્વોચ્ચ સર્જક સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને આકાશપિતા છે જેને ‘ન્યામે’ કહેવાય છે.
આ માન્યતામાં બીજા પણ કેટલાય પાસાઓ છે જે રસપ્રદ છે. આસે યા (જેને ધરતી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે), તે સર્જક સાથે સમાનતા ધરાવે છે અને તેણીએ સર્જક સાથે મળીને બે બાળકોને જન્મ આપ્યો: બિયા અને ટેનો. માન્યતા એવી પણ છે કે સર્જક એટલે કે ન્યામે શનિવાર અને શનિવારે જન્મેલા લોકો સાથે જોડાયેલા છે જ્યારે આસે યા (મધર અર્થ) ગુરુવાર અને ગુરુવારે જન્મેલા લોકો સાથે સંબંધ ધરાવે છે. એટલા માટે જ ગુરુવારે ખેડૂતો આસે યાની પૂજા કરે છે. ન્યામે અને આસે યા જેવા સર્વોત્તમ સર્જક બાદ અબોસોમ આવે છે જે તેનાથી નીચલી પાયરીના દેવતા હોય છે જે ધરતી પર મનુષ્યોની મદદ કરે છે. અબોસોમ સર્વોચ્ચ સર્જક ભગવાન પાસેથી શક્તિ મેળવે છે. પુજારીઓ એક એક અબોસોમની સેવા કરે છે અને અબોસોમ તથા માનવજાત વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. કેટલાક અબોસોમ ખાસ પ્રકારના કાર્ય સાથે જોડાયેલા છે. જેમ કે અબોમ્મુબુવાફ્રે – દિલાસો આપનાર, અમાઓમી – પર્યાપ્તતા આપનાર, અમોસુ – વરસાદ આપનાર, અમોવિયા – પ્રકાશ આપનાર, બોરબોર – સર્જક-આર્કિટેક્ટ, બ્રેકીરીહુનુડે – દ્રષ્ટા, અથવા “જે બધું જાણે છે અથવા જુએ છે” તેવા, નયમનેકોસે – આરામ આપનાર, અને નાના – મહાન પૂર્વજ અબોસોમ છે. આ ઉપરાંત નસમાનફો પૂર્વજો છે જેમને ક્યારેક ભૂત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતે અકોમ લોકો સર્વોચ્ચ શક્તિ, બે સર્જક, તેમના બે બાળકો, દેવતાઓ અને પુજારીઓ તેમજ આ બધાને જોડતી કડીઓમાં પણ માને છે. આવી વિગત કઈ એક-બે દાયકામાં ન વિકસી શકે. જરૂર સદીઓથી આ લોકોની પરંપરા વિકસી હોવી જોઈએ.
આ ઉપરાંત અકોમ લોકોની માન્યતામાં એક લોકપ્રિય ચરિત્ર છે ‘અનાન્સી’ જે એક કરોળિયો છે. અનાન્સી અકોમ લોકકથાઓમાં નાયક હોય છે, ખાસ કરીને અશાંતિ પેટા જૂથના લોકોની કથાઓમાં તે અગ્રણી છે. તેને એક શાણા યુક્તિબાજ ચરિત્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે. અકાન આધ્યાત્મિકતાના અન્ય પાસાઓમાં, વિદ્વાન એન્થોની એફિરીમ-ડોનકોરના જણાવ્યા અનુસાર, અનાન્સીને કેટલીકવાર યુક્તિબાજ અને શાણપણ સાથે સંકળાયેલ દેવતા પણ ગણવામાં આવે છે જે પ્રથમ નિર્જીવ માનવો બનાવવા માટે જવાબદાર છે. પશ્ચિમ આફ્રિકામાં તેની કથાઓ ખુબ જાણીતી છે અને તે પોતાની કુનેહ, સર્જનાત્મકતા અને બુદ્ધિમત્તાના ઉપયોગ દ્વારા વધુ શક્તિશાળી પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવવાની ક્ષમતા માટે વધુ જાણીતો છે. એક કપટીની ભૂમિકા ભજવવા છતાં અનાન્સીને ઘણીવાર લોક કથાઓમાં નાયક તરીકે દર્શાવવામાં આવે છે.
આફ્રિકાની ધરતી આવી તો કેટલીય માન્યતાઓના ખજાનાથી ભરેલી છે અને તેમને જેટલું વધારે જાણીયે તેટલું જ આશ્ચર્ય થાય છે. નાનો સમુદાય, પશ્ચિમ આફ્રિકાના દુર્લભ વિસ્તારોમાં રહેતો હોવા છતાં કેવી સમૃદ્ધ માન્યતાઓ અને લોકકથાઓ ત્યાં વિકસી આવી છે અને પ્રચલિત થઇ છે તે જોતા ગર્વ થાય છે.