દરેક ક્ષેત્રમાં સફળતા અને નિષ્ફળતાના પોતપોતાના માપદંડ હોય છે. અભ્યાસ કરતા હોઈએ ત્યારે સમયે સમયે લેવાતી પરીક્ષા દ્વારા આપણે મહેનત કરી કે નહિ, અપેક્ષિત જ્ઞાન મેળવ્યું કે નહિ તેની ચકાસણી કરવામાં આવે છે. પરીક્ષામાં મળતાં ગુણ આપણા માટે માપદંડ બને છે. ભરતનાટ્યમ શીખતાં હોય તેના માટે અલગ અલગ પડાવ બાદ આખરે આરંગેત્રમ દ્વારા તેમના પરિશ્રમની પરાકાષ્ઠા સાબિત થાય છે. રમતગમતના ક્ષેત્રમાં પણ અમુક સ્પર્ધામાં ખરા ઉતરવું પડે છે અને નિશ્ચિત પરિમાણ હાંસિલ કરવા પડે છે. જો આપણા ક્ષેત્રમાં નિર્ધારિત માપદંડમાં આપણે પાર ન પાડીએ તો નિષ્ફળ રહીએ છીએ.

આવા પરિમાણો કે માપદંડો નક્કી કરવા આવશ્યક છે. જો તેનો નિર્ધાર કરવામાં ન આવ્યો હોય અને લોકો સમાન રીતે તેને ન અનુસરે તો દરેક વ્યક્તિ પોતપોતાની રીતે નિપુણતા જાહેર કરી દે અને તેને ચકાસવાના કે રકસવાના કોઈ ઉપાય આપણી પાસે ન હોય. તબીબીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જ્યારે સુધી પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી તેને દર્દીનો ઈલાજ કરવાની પરવાનગી મળતી નથી. જો આવી પારમિતિ રાખવામાં ન આવી હોય તો તો કોઈ પણ હાથમાં કાતર અને ચાકુ લઈને કોઈની પણ શસ્ત્રક્રિયા કરવા તૈયાર થઇ જાય. એટલા માટે ન માત્ર દરેક ક્ષેત્રમાં આવશ્યક હોય તેટલા માપદંડ અને પરિમાણ નિશ્ચિત કરવા આવશ્યક છે પરંતુ સાથે સાથે તેને હાંસલ કરવાની પદ્ધતિ અને પ્રક્રિયા પણ નિશ્ચિત કરવી જરૂરી છે. જેમ કે કોઈ વ્યક્તિ કોલેજ ગયા વિના ડોક્ટર ન બની શકે. તેના નક્કી કરાયેલા પેપર્સ પાસ કર્યા વિના તેને ડિગ્રી ન મળે. અમુક વર્ષના અભ્યાસ વગર આરંગેત્રમ ન થઇ શકે અને અમુક સ્પર્ધામાંથી પસાર થયા વિના કોઈ ખેલાડી નેશનલ ટીમમાં ન રમી શકે.

તમે ક્યાં ક્ષેત્રમાં સક્રિય છો અને તેના માટે કેવા પ્રકારના માપદંડ અને કેવી પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી છે? શું તમે તેમાંથી પસાર થયા છો? શું તમે પ્રક્રિયાને સારી રીતે અનુસરીને માપદંડ પુરા કર્યા છે? તેમાં કઈ કસર રહી જાય તો તમારી આવડત અને નિપુણતામાં પણ કચાસ રહી જશે. ક્યારેક આપણે પોતાના ટેલેન્ટ પર એટલો વિશ્વાસ ધરાવતા હોઈએ છીએ કે આપણને આ બધી પ્રક્રિયા અને નિર્ધારિત પરિમાણ ચોંચલાવેડા અને નકામી અમલદારશાહી લાગે છે. પરંતુ આપણા એ આત્મવિશ્વાસના ચક્કરમાં ક્યારેક આપણે પોતાનું અને સમાજનું નુકશાન કરી બેસીએ છીએ. લોકો ગમે તેટલા ઉદાહરણો આપીને દલીલો કરે પરંતુ નિશ્ચિત પ્રક્રિયાથી ઉત્તમ કોઈ વિકલ્પ ન હોઈ શકે. ખાસ કરીને તેવી બાબતોમાં કે જે દાયકાઓથી સ્થાયી રીતે ચાલતી આવી છે. જેમ કે ગોલ્ફ રમતા શીખનારને શરૂઆતમાં એવું લાગે કે આટલી બધી ટેક્નિકનું શું કામ? પડેલા બોલને મારવાથી મતલબ છે ને – કરીએ ચાલુ ધબાધબ. પરંતુ થોડો સમય જતા તેને સમજાય છે કે ગેમ રમવાનું તો ટેક્નિક શીખ્યા વિના શરુ થઇ શકે પરંતુ તેના માટે જે ચોક્કસાઈ અને શુધ્ધતા અખત્યાર કરવાની જરૂર છે તે હાંસલ થઇ શકે તેમ નથી. આખરે તેને કોઈ પ્રો પાસે જઈને લેસન્સ લેવા જ પડે છે.


જે કલા, રમત કે આવડત માટે વર્ષોથી લોકો નિશ્ચિત પદ્ધતિ અને પ્રક્રિયાને અનુસરતા આવ્યા હોય તેને આપણે ચેલેન્જ કરવાની શું આવશ્યકતા છે? શા માટે આપણે પણ તેને ન અનુસરીએ? ક્યારેક આપણામાં એ પ્રક્રિયા માટે કરવી પડતી મહેનત અને ધીરજની ખામી હોય છે. આપણે જલ્દી પરિણામ મેળવી લેવાના ઉત્સાહમાં પૂર્વનિર્ધારિત પરંપરાને પડકારી તો દઈએ છીએ પરંતુ તેનાથી નુકશાન તે પરંપરાનું નહિ આપણું પોતાનું જ થાય છે. સંયમ અને અનુસાશનથી જે તે ક્ષેત્રની પ્રક્રિયાને ફોલો કરવામાં જ આપણું હિત છે તેવો વિશ્વાસ રાખીને જો તેનો અમલ કરીએ તો આખરે પરિણામ સંતોષકારક આવે છે. પરંતુ જો તેને પડકારીને પોતાના ઘમંડની સામે ઘૂંટણિયા ભરીને પોતાના મનનું ધાર્યું કરવા જઈએ તો તેમાં કઈ ભલીવાર થતી નથી. વધારે સ્માર્ટ બનીને સદીઓથી સ્થાપિત અને ચકાસાયેલી પધ્ધતિઓને વિના પ્રમાણે પડકારતા પહેલા એ બાબતનું ધ્યાન રાખવું કે આપણા કરતા વધારે શાણા અને સમજદાર લોકો પણ થઇ ગયા છે એટલા માટે પોતાનું જ્ઞાન પીરસતા પહેલા તેને પણ વાસ્તવિકતાની એરણ પર ચકાસી લેવું જોઈએ. જો તે યોગ્ય પદ્ધતિથી પ્રમાણિત થાય તો જ પ્રસ્થાપિત પધ્ધતિને પડકારવી.