અમેરિકામાં એક મ્યુઝમમાં એવી જાહેરાત કરવામાં આવી કે તમે કોઈને પસંદ ન કરતા હોય અને તેને વાઘ, શિયાળ કે બીજા કોઈ પ્રાણીને ખવડાવી દેવા માંગતા હોય તો તે હવે શક્ય છે! યોજના એવી હતી કે કોઈ સસલા કે બકરીને તમારી જૂની પ્રેમિકા કે પછી કોઈ દુશ્મનનું નામ આપવામાં આવે અને પછી તેને તમે જે કહો તે પ્રાણીને ખવડાવી દેવામાં આવે. આશ્ચર્યની વાત એ છે કે દગાનો શિકાર બનેલા કેટલાય પ્રેમી-પ્રેમિકાઓએ આ યોજનાનો લાભ લીધો અને તેના દ્વારા જે દાનની અવાક થઇ તે એક વર્ષમાં બે લાખ પચીસ હજાર ડોલરની હતી. દિલ દાઝેલા આશીકોના હૈયાને પણ રાહત મળી કે એ દગાખોરને વાઘને ખવડાવી દીધો છે અને પ્રાણી-સંગ્રહાલયને પણ આવક થઇ.

આ સમાચાર એક વાત તો સૂચવે છે કે માણસ જયારે કોઈ પર ખીજ ખાઈને બેઠેલો હોય તો તેનો ખાત્મો કરવા માટે પૈસા ખર્ચવા પણ તૈયાર થઇ જાય. જુના વેરના કેટલાય કિસ્સાઓ આપણે સાંભળ્યા જ છે ને? પહેલા તો કેટલીય ફિલ્મો અને નવલકથાઓની મુખ્ય કથાવસ્તુ જ વેર-ઝેર હતી. અંગ્રેજી સાહિત્ય શિરોમણી ગણાતા શેક્સપીઅરનું હેમ્લેટ નાટક કે જેના પરથી બોલીવુડમાં ઓમકારા ફિલ્મ પણ બની છે તેમાં બદલો મુખ્ય કથાવસ્તુ છે. હોમરના ઇલિઅડમાં પણ આ થીમ ચાલ્યા કરે છે. રામાયણ અને મહાભારતમાં પણ બદલા અંગેની કથાઓ છે. વેર લેવા માટે તો લોકો બે-ત્રણ પેઢી સુધી સમાધાન ન કરતા અને પેઢી દર પેઢી વેર ચાલ્યા કરતુ. આ વેરની ભાવના, બદલાની ભાવના એટલી તો પ્રબળ હોય છે કે લોકકથાઓ અનુસાર માણસ જ્યાં સુધી વેર ન વાળી લે ત્યાં સુધી જમવાની થાળીમાં મીઠા કે ધૂળની ચપટી મૂકીને પછી જ અનાજ ખાતો. તેનો અર્થ એ થતો કે હું જે કઈ ખાઉં છું તે મારે મન ધૂળ માફક છે. અને આ પ્રથા જ્યાં સુધી વેર પૂરું ન થાય ત્યાં સુધી ચાલુ રાખતો. આવા બદલાની ભાવના માણસનું જીવન વાસ્તવમાં જ આગની જ્વાળામાં તપતું રાખે છે. વ્યક્તિને દિવસ રાત ચેન પડતું નથી અને તેના વિચારો અને કાર્યોમાં વેરની ઈચ્છા પ્રબળ ઝળક્યા કરે છે.

ગાંધીજીએ લખ્યું છે કે ક્ષમા તો વીરનું ઘરેણું છે, તે કાયરનું કામ નથી. કેટલી સાચી વાત છે. કાયર વ્યક્તિ ક્યારેય માફ કરી શક્તિ નથી અને વીર વ્યક્તિ જયારે વેરની ભાવના ભૂલી જાય છે ત્યારે વાસ્તવમાં તે પોતાની જાતને જ એક બંધનમાંથી મુક્ત કરે છે. ક્ષમા આપવાથી લાભ ખરેખર ક્ષમા આપનારને જ થાય છે. અંગ્રેજીમાં ફોરગીવ શબ્દ સાથે મળતો બીજો શબ્દ છે ફોર્ગેટ. ફોરગીવનો અર્થ થાય માફ કરવું અને ફોરગેટનો અર્થ થાય ભૂલી જવું. માફ કરી દેવું, ક્ષમા આપવી તો સૌ વાજબી ઠેરવે છે પરંતુ કોઈએ કરેલા દગાને ભૂલી જવાની સલાહ ભાગ્યે જ કોઈ આપી શકે. તેનું કારણ એ પણ છે કે વ્યક્તિ પોતાની પ્રકૃતિથી મજબુર હોય છે. જેમ વીંછી પોતાનો ડંખ મારવાનો સ્વભાવ છોડી ન શકે અને એટલા માટે તે પાણીમાં તણાતો હોય તો તેને બચાવનારને પણ આખરે તો ડંખ મારીને જ રહે, તેમ દગાખોર વ્યક્તિ ભાગ્યે જ પોતાનો સ્વભાવ બદલી શકે.

તમારા જીવનમાં પણ કેટલાય એવા પ્રસંગો બન્યા હશે જેનાથી તમે નારાઝ થયા હશે અને મનમાં કોઈના પ્રત્યે વેરભાવ બાંધી રાખ્યો હશે કે બદલાની ભાવના રાખી મૂકી હશે. યોગ્ય સમયે તેને બતાવી દેવાની તાલાવેલી તમે પણ શક્ય છે મનમાં કેદ કરી રાખી હોય. જો તેવું હોય તો એકવાર ફરીથી વિચાર કરી જુઓ કે આ દાવાનળમાં સળગ્યા કરવાનો કોઈ ફાયદો ખરો? વેર લેવાથી તમારા જીવનમાં કઈ બદલાવ આવશે ખરો? જો તેનો જવાબ નકારાત્મક હોય તો છોડી દો બદલાની ઈચ્છા અને માફ કરી દો એ વ્યક્તિને જેણે તમારું કઈ ખરાબ કર્યું હતું. હવે થયું તે થયું. તેને તમારા સિવાય કોઈ સુધારી શકે તેમ નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે ફરીથી પોતાની જાતને દગાનો શિકાર બનવું પડે તેવી સ્થિતિમાં મૂકી આપો. જે થયું હતું તેને તદ્દન ભૂલીને ફરીથી તે જ ખાડામાં પાડવાની જરૂર નથી. માત્ર પોતાના માથેથી બદલાનો બોજ હળવો કરવાનું તાત્પર્ય છે.

Don’t miss new articles