પોલીસ દ્વારા બળપ્રયોગને કારણે અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જયોર્જ ફ્લોઇડનું મૃત્યુ થયું તેના પડઘા અમેરિકામાં બહોળા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનરૂપે પડ્યા. તેની અસર ધીમે ધીમે અન્ય દેશોમાં પણ પડવા માંડી.
બુધવારે લંડનમાં પણ હજારોની સંખ્યામાં લોકો એ ‘બ્લેક લાઈફ મેટર્સ’, અશ્વેત જીવન પણ મહત્વ ધરાવે છે – જેવા પોસ્ટર્સ સાથે વિરોધ પ્રદર્શનો કર્યા. તેમાં શ્વેત, અશ્વેત બધા પ્રકારના લોકો જોડાયા. હાઇડ પાર્ક, ટ્રફાલ્ગર સ્કવેર અને સેન્ટ્રલ લંડનની શેરીઓમાં લોકો ઉમટી આવેલા. તેઓએ અમેરિકામાં થયેલ અશ્વેત વ્યક્તિના મૃત્યુને પોલીસ અને સરકારની નીતિઓ અને સામાજિક ભેદભાવનું પ્રતિક ગણાવીને વિરોધ કર્યો છે. મુદ્દો માત્ર અમેરિકાનો જ નહિ પરંતુ જગવ્યાપી બની રહ્યો.
કોરોનાને કારણે લોકડાઉનની અસર હમણાં જ હળવી થઇ છે પરંતુ લોકોમાં જાગેલો રોષ તેમને હજારોની મેદનીમાં રસ્તા પર લાવ્યો. સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ અને બીજી ગાઇડલાઇન્સ આ વખતે ફોલો ન થઇ. કેવી રીતે થાય? પ્રદર્શન કે વિરોધમાં લોકો કોરોનાને ભૂલી ગયા અને જીવનનું મહત્ત્વ રંગભેદ, જાતિભેદ વિના આંકવું તેવો સંદેશ કે ચેતવણી લઈને બહાર આવ્યા. તેમાં મોટા ભાગે યુવાનો હતા. બધી જાત અને રંગના લોકો હતા. છેલ્લે આવું દ્રશ્ય બ્રેક્ઝિટ અને ક્લાઈમેટ ચેન્જ સંબંધી એક્સટીનક્શન રિબેલિયન વખતે જોવા મળેલા.
૧૫મી જૂન ૧૨૧૫માં ઇંગ્લેન્ડના કિંગ જ્હોન દ્વારા ‘મેગ્ના કાર્ટા – ધ ગ્રેટ ચાર્ટર ઓફ ફ્રીડમ’ નો સ્વીકાર કરવામાં આવ્યો હતો તે ઐતિહાસિક ઘટના હતી. આમ તો તે માનવહકોનું પ્રથમ જાહેરનામું મનાય છે પરંતુ તે ખરેખર તો રાજા, કેટલાક સામંતો અને ચર્ચ વચ્ચે થયેલી સંધિ હતી જેમાં અપ્રિય બની રહેલા રાજા જ્હોન દ્વારા થતી કેટલીક હેરાનગતિઓથી રક્ષણ મળે તેવું નક્કી થયેલું. જો કે આશ્ચર્યની વાત એ છે કે તે વખતના આર્ચબિશપ ઓફ કેન્ટરબરી દ્વારા તૈયાર કરાયેલ આ મુસદ્દો બાદમાં રદબાતલ કરવામાં આવેલો કેમ કે એકેય પક્ષે તેનું પાલન ન કર્યું. પરંતુ ઈ.સ. ૧૨૧૬માં ફરીથી હેન્રી ત્રીજાએ તેનો અમલ કરાવ્યો.
આખરે સવાલ એ ઉભો થાય છે કે ખરેખર વિશ્વમાં સૌને સમાન હક મળ્યા છે? પછી તે સામાજિક હક હોય કે આર્થિક કે રાજકીય. શું જાણતા કે અજાણતા કોઈની સાથે જાત, રંગ, લિંગ કે અન્ય કારણોથી ભેદભાવ થાય છે? જો થાય છે તો તેમાં આપણે વ્યક્તિગત રીતે પણ શામેલ છીએ? જો શામેલ છીએ તો તે સામાજિક, નૈતિક કે કાયદાકીય ગુનો છે? આ ‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ ના હેઝટેગથી ચાલુ થયેલ આંદોલન સોશ્યિલ મીડિયામાં ખુબ જોર પકડવા લાગ્યું.
પરંતુ તે સમયે જ આપણી સામે ભારતમાં એક ગર્ભવતી માદા હાથણીના મારવાના સમાચાર પણ આવ્યા અને કેટલાક બીજા કિસ્સાઓ સામે આવ્યા. વાત ‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ થી લઈને ‘ઓલ લાઇવ્સ મેટર્સ’ – દરેક જીવન મહત્ત્વ ધરાવે છે – સુધી પહોંચી ગઈ. આ બાબત આમ તો સાચી છે – દરેક જીવનનું મહત્વ છે. પરંતુ જયારે કોઈ આંદોલન થાય, કોઈ વિરોધ થાય ત્યારે તેને કેટલા મુદ્દાઓ માટે કરી શકાય? મજૂરના હકો માટે આંદોલન થઇ રહ્યું હોય તેમાં સ્ત્રી શોષણના મુદ્દાઓ શામેલ કરવાથી આંદોલનનો વિષય પાંખો થઇ જાય, ડાઇલ્યુટ થઇ જાય.
લંડનમાં તો માનવાધિકારો અને પર્યાવરણની રક્ષા માટે પોતાના વિચારો અને વિરોધ વ્યક્ત કરવા લોકો ઘણીવાર રસ્તા પર આવતા હોય છે. તેને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના હક તરીકે લેવાય છે. પોલીસ હોય છે અને તે એકઠા થયેલા લોકો કોઈના જાનમાલને નુકશાન ન કરે તેનું ધ્યાન રાખે છે. પરંતુ અમેરિકાથી સમાચાર આવ્યા છે કે અમુક ગણ્યા ગાંઠ્યા લોકોએ આંદોલનના સમયમાં લૂંટફાંટ શરુ કરી દીધેલી. આવા કિસ્સાઓ આંદોલન કે વિરોધના સંદેશને નબળો બનાવી દે છે. કાયદાનું ઉલ્લંઘન ન થાય તે જરૂરી છે. ગાંધીજીના સત્યાગ્રહ ખુબ સફળ રહ્યા હતા તેનું કારણ એ હતું કે તેમાં અહિંસાનું સખતાઈથી પાલન થતું. આપણું બંધારણ શાંતિપૂર્વક પોતાના વિચારો રજુ કરવાનો હક આપે છે પરંતુ તેનાથી કોઈ જ કાયદાનું કે સામાજિક વ્યવસ્થાનું ઉલ્લંઘન ન થાય તેવી શરત સાથે.
આખરે ‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ આંદોલન સમાજમાં સમાનતા વધારે તેવી આશા રાખીએ.