બ્લાઇન્ડ ડેટ વિષે આજકાલ ભારતમાં પણ ચર્ચા થવા લાગી છે. બ્લાઇન્ડ ડેટમાં યુવક અને યુવતી એકબીજાને ક્યારેય જોયા વગર જ મળવા જાય. ડેટ – date – એટલે એવી મુલાકાત કે જેમાં યુવક-યુવતી રોમેન્ટિક રિલેશનશિપ બનાવવાનો ઈરાદો રાખતા હોય. ડેટ પર જવાનું તો આપણા યુવાવર્ગમાં પણ હવે સામાન્ય બનતું જાય છે. પરંતુ કદાચ બ્લાઇન્ડ ડેટ – ફોટોમાં પણ જોયા વિના મળવાનું હજી શરુ ન થયું હોય તેવું બને. આ ટ્રેન્ડ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં શરુ થયેલા ટીવી શોથી અમલમાં આવ્યો પરંતુ વધારે પ્રચલિત નહોતો. હવે બ્લાઇન્ડ ડેટ કરનારા લોકો વધી રહ્યા છે. 


બ્રિટનમાં ૧૯૮૫માં બ્લાઇન્ડ ડેટ નામનો ટીવી શો શરુ થયો જે દર શનિવારે રાત્રે આવતો. તેમાં ત્રણ યુવાનો રહેતા જેને સ્ટુડીઓમાં બેઠેલા લોકો જોઈ શકતા નહિ. સ્ટુડીઓમાં યુવતીઓ રહેતી અને તેમાંથી પસંદ કરાયેલી યુવતી પ્રશ્ન પૂછતી જેનો જવાબ ત્રણેય યુવકોએ વારાફરતી આપવાનો રહેતો. આવા સવાલ-જવાબ અને ચર્ચાની પ્રક્રિયા પછી યુવતી જે યુવકને પસંદ કરે તેની સાથે ડેટ પર જતી. ડેટ પર જવાનું લોકેશન અલગ રહેતું અને ત્યાં અમુક સમય સુધી બંને સાથે રહેતા. તેમનું શૂટિંગ થતું અને તેઓ પોતાના અનુભવો વિષે દર્શકોને જણાવતા. લગભગ આવો જ શો અમેરિકામાં ‘ધ ડેટિંગ ગેમ’ અને ઓસ્ટ્રેલિયામાં ‘ધ પરફેક્ટ મેચ’ ના નામથી આવતો. આ ૧૯૮૦ના દશકના શો હતા. તે મોટાભાગે ટીવી રિયાલિટી શો જેવા જ રહ્યા. તેને સમાજજીવનમાં વધારે સ્વીકૃતિ મળી નહોતી. 


હવે ધીમે ધીમે લોકો ક્યારેય પણ ન જોયેલ વ્યક્તિ સાથે ડેટ પર જઈને એકબીજાને ઓળખીને, તેના સ્વભાવ, પસંદ, વિચારો અને મૂલ્યો અંગે જાણવા અને સમજવાનું પસંદ કરવા લાગ્યા છે. ટિંડર જેવા અનેક એપ પર સ્ત્રી-પુરુષો ડેટિંગ કરવા પાર્ટનર શોધતા હોય છે પરંતુ એ વાત એટલા માટે જુદી છે કે તેમાં એકબીજાના ફોટા અને પ્રોફાઈલ જોઈને, વાતચીત કરીને ડેટ સેટ થાય છે. પરંતુ બ્લાઇન્ડ ડેટમાં વધારે વાત થઇ હોતી નથી. એકબીજાને મળવા માટે સમય અને સ્થળ નક્કી કરીને બંને વ્યક્તિઓ ત્યાં પહોંચી જાય છે. કપડાંના રંગ, દેખાવ, ઊંચાઈ વગેરે જેવા વર્ણનના આધારે એકબીજાને ઓળખવાના હોય છે. 


નેટફ્લિક્સ પર એક મુવી છે – ધ રોન્ગ મિસી – જેમાં આવી બ્લાઇન્ડ ડેટને કારણે ઉભી થતી ગેરસમજ અને રમુજની વાત છે. બોલીવુડમાં પણ દેખાવ પરથી ઓળખીને હીરો – હિરોઈન મળવા જતા હોય અને ગેરસમજ ઉભી થતી હોય તેવા કિસ્સાઓ પરથી બનેલી ફિલ્મો છે. ઓળખવામાં ભૂલ થવી, રેસ્ટોરન્ટમાં ખોટી વ્યક્તિ પાસે પહોંચી જવું, હેન્ડસમ ધારેલા યુવાનને બદલે કદરૂપો માણસ આવી મળે તેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે અને પછી તેના પરિણામે આગળ શું બને તે ફિલ્મોમાં દર્શાવાય છે. 


બ્લાઇન્ડ ડેટ અંગે કેટલાય પ્રશ્નો ઉભા થાય છે. વાસ્તવિક જીવનમાં શા માટે કોઈ બ્લાઇન્ડ ડેટ પર જાય? જેને ક્યારેય જોયા ન હોય, તેના વિષે કશું જાણતા ન હોઈએ તેની સાથે ડેટ કરવાનો કે સંબંધ બનાવવાનો વિચાર કેવી રીતે આવી શકે? ક્યારેક થોડી વાતો કરી હોય તે પૂરતું છે? જો કે તેવું ભાગ્યે જ બને છે કે પ્રથમ મુલાકાતમાં શારીરિક સંબંધ સુધી વાત પહોંચે. પરંતુ ડેટ દરમિયાન અભદ્ર વર્તનના કિસ્સાઓ બનતા હોવાનું નોંધાય છે. 
પરિણામે, સમાજમાં બે પ્રકારના મંતવ્યો પ્રવર્તમાન થયા છે. કુતુહુલ અને જિજ્ઞાસાવૃતિથી જિંદગી જીવવાની ઈચ્છા રાખનારા બ્લાઇન્ડ ડેટની ફેવર કરે છે અને કહે છે કે જીવનને જેવું આવે તેવું લેવું જોઈએ. જયારે પ્લાનિંગ કરીને, નિયમો અને મર્યાદામાં રહીને જીવનારા લોકો કહે છે કે બ્લાઇન્ડ ડેટ સાહસવૃત્તિનો ઉભરો છે જેનું પરિણામ નિરાશાજનક હોઈ શકે. બ્લાઇન્ડ ડેટમાં કોઈ કમિટમેન્ટ હોતું નથી એટલે લાગણી દુભાવાનો પ્રશ્ન નથી. જેમ બસમાં કે ટ્રેઈનમાં કોઈને મળી જઇયે અને પ્રેમ થઇ જાય તેવું જ કૈંક બ્લાઇન્ડ ડેટનું છે. બસ ફરક એટલો કે એ બસ કે ટ્રેઈનમાં મળવાનું નક્કી આપણે કર્યું હોય. 

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *