૩૧ જાન્યુઆરીની રાત્રે અગિયારના ટકોરે બ્રિટનની યુરોપીઅન યુનિઅનમાંથી એક્ઝીટ થઇ ગઈ – એટલે કે બ્રેક્ઝિટ થઇ ગઈ. હવે બંને પક્ષ વચ્ચે ટ્રાન્ઝીશન પીરીઅડ ચાલશે અને તે દરમિયાન તેઓ હવે પછીનો વ્યાપાર સંબંધ કેવી રીતે ચલાવવો તેના અંગે સમજૂતી કરશે. ટ્રાન્ઝીશન પીરીઅડ દરમિયાન અત્યાર સુધી અમલમાં હતા તે નિયમ ચાલતા રહેશે. યુકે ડિસેમ્બર ૨૦૨૦ના અંત સુધી એટલે કે અગિયાર મહિના યુરોપીઅન યુનિયનના નિયમો સાથે સંલગ્ન રહેશે. આ અગિયાર મહિના દરમિયાન બંને પક્ષકારોએ સમજૂતી કરવી પડશે અને જો નહિ થઇ શકે તો નો ડીલ બ્રેક્ઝિટ થઇ જશે અને બંને પક્ષ વિશ્વ વ્યાપાર સંગઠનોના નિયમોથી બધા રહેશે.
૩૧ જાન્યુઆરીની રાત્રે લોકો વેસ્ટમિન્સ્ટર સ્કવેર – યુકેની સંસદ – પાસે એકઠા થયેલા અને કોઈ મોટી ઉપલબ્ધી હાંસલ થઇ હોય તેવી રીતે ઉજવણી કરતા હતા. તેનાથી થોડા આગળ ચાલતા ડાઉનીંગ સ્ટ્રીટ પર યુકેના પ્રાઈમ મિનિસ્ટરનું ઘર છે જેનો નંબર ૧૦ હોવાથી તે ટેન ડાઉનીંગ સ્ટ્રીટ તરીકે ઓળખાય છે. આપણા પ્રધાન મંત્રીનું ઘર દિલ્હીમાં રેસકોર્સ રોડ પર ૭ નંબરનું હોવાથી સેવન રેસકોર્સ રોડ (7 RCR) તરીકે ઓળખાતું હતું પણ હવે રેસકોર્સ રોડનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું છે. બ્રેક્ઝિટના સંદર્ભમાં ટેન ડાઉનીંગ સ્ટ્રીટમાં પણ બોરિસ જોહન્સનના મંત્રીમંડળ અને ખાસ લોકો એકઠા થયેલા. પરંતુ તેમનું ટીવી ખરાબ થઇ ગયું હોવાથી તેઓ બહાર ચાલી રહેલા અનેક પ્રદર્શનો અને પાર્ટીઓના લાઈવ ટેલિકાસ્ટ જોઈ શક્યા નહિ. હા, પ્રધાનમંત્રીનું ટીવી ખરાબ થઇ ગયેલું અને તેને કોઈ તાત્કાલિક રીપેર કરાવવા કે બદલવાના ઇમર્જન્સી પગલાં લેવાયા નહોતા.
વળી પહેલા એવો પ્લાન હતો કે વેસ્ટમિન્સ્ટરના બિગ બેંગનું કામ હજુ પૂરું થયું ન હોવાથી ત્યાં ઘડિયાળના ટકોરા તો ઘણા સમયથી બંધ છે પરંતુ બ્રેક્ઝિટનાં સંદર્ભમાં વિશેસ વ્યવસ્થા કરીને બિગ બેંગ ચાલુ કરાવીને રાત્રે અગિયાર ટકોરા વગાડાવવા. ખર્ચનો અંદાજ કાઢવામાં આવ્યો તો તે પાંચ લાખ પાઉન્ડનો આવ્યો એટલે વાત પડતી મુકાઈ. કદાચ બોરિસ જોહ્ન્સને પોતાના ઘરે જ થાળી ને ચમચો લઈને વગાડી લીધા હશે. વેસ્ટમિન્સ્ટર બિલ્ડીંગ પર ડિજિટલ ઘડિયાળના પ્રતિબિંબ દ્વારા – લાઈટ દ્વારા સ્ક્રીન જેવી ઇમેજ ઉભી કરીને – કાઉન્ટ ડાઉન શરુ કરવામાં આવેલું અને અગિયાર વાગ્યે જનતાએ હર્ષોલ્લાસ કરેલો. જો કે આ સમયે યુરોપમાં રહેવા ઇચ્છતા અને બ્રેક્ઝિટનો વિરોધ કરનારા લોકોએ તો પોતાના વિરોધી પ્રદર્શનો પણ ચાલુ રાખેલા.
આખરે બ્રેક્ઝિટ થઇ ગઈ અને તેની પહેલા અણધારી રીતે પણ અચાનક મેગક્ષિત પણ થઇ ગઈ. તો હવે યુરોપ વિનાનું અને મેગન માર્કેલ વિનાનું બ્રિટન કેટલી ઝડપથી પ્રગતિ કરે છે અને તેણે જે અપેક્ષાથી યુરોપીઅન યુનિયન છોડ્યું તે કેટલી ખરી સાબિત થાય છે તે જોવું રહ્યું. મુખ્ય મુદ્દો તો યુકે માટે હતો માઈગ્રેશનનો અને તેના પર હવે યુકેને સંપૂર્ણ નિયંત્રણ મળશે. વ્યાપારિક સરળતા માટે બંને એકબીજા સાથે મુક્ત વ્યાપાર કરાર કરી શકે તો નિર્બાધ વ્યાપાર ચાલશે નહીંતર બંને વચ્ચે કસ્ટમ ડ્યુટી અને બીજા નિયમોનો અવરોધ શરુ થઇ જશે.