બુદ્ધ ભગવાનની ફિલોસોફીના મૂળમાં રહેલો મંત્ર છે: ઈચ્છા દુઃખનું મૂળ કારણ છે. આ ફિલોસોફી માટે ચાર સુવર્ણ સિદ્ધાંતો આપી શકાય. ૧. બધું જ કઈ કારણથી થાય છે. ૨. દુઃખ માટે પણ કારણ હોય છે. ૩. આ કારણ ઈચ્છા છે. ૪. ઈચ્છાને દૂર કરવાથી દુઃખ માટેનું કારણ બચતું નથી અને માટે તે દૂર થાય છે.


જોઈએ તો ભગવાન બુદ્ધે આપણને તેના દર્શનના મૂળ સિદ્ધાંતમાં જ દુઃખથી બચવાનો અને દુઃખ દૂર કરવાનો માર્ગ બતાવી દીધો છે. આ દર્શન સ્થળ અને કાળની મર્યાદાથી પર છે. તેને સમય સાથે કોઈ લેવા દેવા નથી. તે સાર્વત્રિક છે. જીવમાત્રને તે એકસરખી રીતે લાગુ પડે છે. આજની સ્થિતિને જ જોઈ લો ને. આજે આપણે જ્યાં આવીને ઉભા છીએ તે માટે પણ કોઈને કોઈ કારણ તો જવાબદાર છે જ. આ કારણ સર્જવાની ભૂલ આપણે કરી છે. ઈચ્છા-કામના આપણને પ્રલોભનો તરફ દોરી ગઈ. તે માટે આપણે મોજશોખ અને સુખસગવડો વધારવા ઔદ્યોગિકરણ અને વૈશ્વિકીકરણ કર્યું. તેમાં માનવીનું મૂલ્ય ઘટ્યું અને સંપત્તિનું વધ્યું. સંપત્તિ અને શક્તિ વધારવા દરેક દેશે માનવીને, નાગરિકને પાછળ મૂકી દીધો. શિક્ષણ, આરોગ્ય અને પાયાની સગવડોને બદલે ટેક્નોલોજી, હથિયાર અને સંપતિસર્જન પર વધારે ધ્યાન આપ્યું.


ત્યારબાદ આપણી બીજી ભૂલ એ છે કે આજે પણ આપણે આ કારણને દૂર કરવા સક્ષમ નથી. હજુ પણ આપણું ધ્યાન સાચી દિશામાં વળ્યું નથી. માનવકલ્યાણ કરતા આપણને આર્થિક વિકાસ વધારે વહાલો લાગી રહ્યો છે. મારુ ભવિષ્ય શું છે, ક્યાંક હું પાછળ તો નહિ રહી જાઉંને, તેવા ખ્યાલો આપણને ચિંતિત કરી રહ્યા છે. આ સમયે આપણને સ્ટ્રેસ પોતાના બચાવ માટે કે પરિવાર અને સમાજની સુરક્ષા માટે નહિ પરંતુ પોતાની પ્રગતિ માટે, સમૃદ્ધિ માટે થઇ રહ્યો છે.


શું આપણે આ દુઃખના કારણને ઓળખી શકીશું? પોતાની ઈચ્છાઓને દૂર કરી શકીશું? કામનાઓ ત્યજીને દુઃખ દૂર કરી શકીશુ? આપણે યોગી ન પણ થવું હોય તોય જીવનને સારી રીતે, સંતોષપૂર્વક જીવવું તો જરૂરી છે જ. તેના માટે આપણે પોતાના અસ્તિત્વ પર, પરમ સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના સિવાયની બધી જ બાબતોને ત્યાજ્ય ગણીને અવગણી શકીશું? જો તેમાં આપણે સક્ષમ બન્યા તો આપણા દુઃખનો અંત આવી ગયો તેવું બૌદ્ધદર્શન, ભગવાન બુદ્ધની ફિલોસોફી, કહે છે.

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *