એક પ્રોફેસરની સદાકાળ ઉપયોગી શિખામણ

જીવન અને મૃત્યુ બંને એક દોરીના બે છેડા છે? જીવન એટલે શરુઆત અને મૃત્યુ એટલે અંત એવું ખરું? કે પછી સનાતન શાસ્ત્રોમાં કહ્યું તેમ એક ચક્રમાં જીવન અને મૃત્યુ માત્ર પડાવરૂપ છે? નિરંતર ચાલતા ક્રમમાં જીવન અનેમૃત્યુ માત્ર નાટકનો એક અંક છે, વાર્તાનું માત્ર એક પ્રકરણ છે? મૃત્યુ વિષે ચિંતન ખુબ થયું. દરેક ભાષાના વિદ્વાનોએ ખુબ લખ્યું. કોઈ મૃત્યુને દુઃખદ તો કોઈ દુઃખાંત ગણાવે. પરંતુ જીવન જીવનાર પોતાના મૃત્યુને કેવી રીતેઅપનાવે છે તે વાત અગત્યની છે. કેટલાક લોકો મૃત્યુથી ડરી ડરીને જીવે છે તો કેટલાક મૃત્યુને હથેળીમાં રમાડે છે. કેટલાક તો મૃત્યુ વિષે વાત કરવાનું જ અશુભ માને છે. પરંતુ સૌ એક હકીકતથી વાકેફ છે: મૃત્યુ નિશ્ચિત છે.

લગભગ ૭૧ વર્ષની વયે, છેલ્લા કેટલાક વર્ષોથી મધુપ્રમેહને જીવનના છોડી ન શકાય તેવા હિસ્સા તરીકે સ્વીકારીને જીવતા પ્રોફેસર જે. એમ. શાહ, ૧લી જાન્યુયારી ૨૦૧૫ના દિવસે પોતાની કલમ અને કાગળ ઊઠાવે છે. લોકોનવા વર્ષના દિવસે પ્રણ નિર્ધારિત કરતાં હોય ત્યારે પોતાને શું લખવું છે તેના અંગે પ્રો. શાહના મનમાં કોઈ શંકા નહોતી. પરંતુ લખતા પહેલા ત્રણેય સંતાનોના ચહેરા નજર સમક્ષ તરી આવે છે. બે પુત્રી અને એક પુત્ર. ત્રણેયભણીગણીને સારી નોકરીએ લાગ્યા. આપસમાં ખુબ પ્રેમ. સમજદારીનો અભાવ હોત તો તો પ્રોફેસરે પોતાની તાલીમમાં ખામી રહી ગઈ તેવું માન્યું હોત. પરંતુ સંતોષ એ વાતનો હતો કે શિક્ષણની સાથે પરિપક્વતા પણત્રણેયમાં સારી રીતે ઉતરી હતી. આખરે તેમણે લખવાનું શરુ કર્યું ત્રણેય બાળકોને સંબોધીને:

‘મારા મૃત્યુ પછી મૃત શરીર હોસ્પિટલ કે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાનમાં આપવું. તેનો અગ્નિ સંસ્કાર કરવો નહિ.

‘મારા મૃત્યુનો કોઈ પણ પ્રકારનો શોક, બેસણું કે લોકાચાર રાખવો નહિ. ફક્ત ગુજરાતના સમાચારપત્રોમાં મૃત્યુનોધ રૂપે જાણ કરવી.

‘મોટી દીકરી અને જમાઈને સમય બગાડીને મુંબઈથી બોલાવવા નહિ. દેહદાન જેવા બે કલાકના નજીવા કામ માટે પુત્ર-પુત્રવધુએ નાની પુત્રી અને જમાઈને ફોન કરવો અને સાથે મળીને દેહદાનનું કાર્ય કરવું. કોઈએ રજાપાડવી નહિ કે શોક રાખવો નહિ.

‘અમદાવાદમાં આખા સમાજને જાણ કરવી પણ લોકોને એકઠા કરવા નહિ અને તેમનો પણ સમય બગાડવો નહિ. કોઈ પણ સંસ્થા તમોને બેસણા માટે કે જાહેર સભા માટે બોલાવે તો જવું નહિ.

‘જિંદગીમાં મેં તમારા ત્રણેયનો (બંને પુત્રી અને પુત્ર) વિકાસ કરવા પ્રયત્ન કરેલ છે. અનુસ્નાતક સુધી અંગ્રેજી માધ્મમમાં ભણાવી ગણાવીને તૈયાર કરેલ છે. છતાં કોઈ ખામી રહી ગઈ હોય તો સુધારી લેજો અને મને માફ કરજો.

‘નાની પુત્રીએ મમ્મીની ખુબ સેવા કરેલી. તેમના ગયા પછી પુત્રના લગ્ન સુધી આ પરિવારને મોભી બનીને સંભાળ્યો, બલિદાન આપીને ઘરને ટકાવી રાખ્યું. તેને તમે ક્યારેય ભૂલશો નહિ.

‘ત્રણેય બાળકો સંપીને સુખ દુઃખમાં સાથે રહેજો. વર્ષમાં વધારે નહિ તો એકાદ વાર બધા સાથે મળજો અને રહેજો.

‘ઈશ્વર તમને સુખી રાખે અને વધારે અને વધારે પ્રગતિ કરાવે તેજ પ્રાર્થના. ફરીથી, મને માફ કરજો અને મમ્મીને હંમેશા યાદ કરજો એજ અભ્યર્થના સાથે…

 તમારા પિતાના વંદન અને આશીર્વાદ’

જીવનભર કોલેજમાં લોકપ્રિય પ્રોફેસર તરીકે સેવા આપનાર, સમાજમાં સારું નામ ધરાવનાર પ્રો. શાહના મૃત્યુનો શોક તો સૌને લાગેલો પરંતુ છેલ્લો શ્વાસ ભરવાની ઘડી આવી તેના દોઢ વર્ષ પહેલા લખાયેલો આ પત્ર જ્યારેતેમના પુત્ર અને પરિવારજનોએ વાંચ્યો ત્યારે નક્કી કર્યું કે તેમણે આપેલી સૂચનાઓનું અક્ષરશ: પાલન કરવું. તેવું જ થયું. અગ્નિ સંસ્કાર ન થયા. દેહદાન કરાયું. અનુકૂળતા હતી તો પુત્રી અને જમાઈ આવી ગયા પરંતુ શોકસભાઓ ન થઈ.

તેમના પુત્રએ મને આ પત્ર વાંચવ્યો ત્યારથી હું વિચારી રહ્યો છુ કે પ્રો. શાહે મૃત્યુને ક્યાં સંદર્ભમાં લીધું હશે? જીવનના અંત તરીકે? ચક્રના એક પડાવ તરીકે? કે પછી બાળકો અને સમાજને મૃત્યુ વિષે શિક્ષણ આપવાની એક તક તરીકે? જીવન દરમિયાન સદેહે અને મૃત્યુબાદ દેહદાનથી તેમનું પ્રિય કાર્ય શિક્ષણ અવિરત ચાલ્યું. તેના સંદર્ભમાં જ બે શિખામણ તેમણે બાળકોના જીવનમાં દ્રઢ કરવી દીધી હતી જે આપણને સૌને ઉપયોગી થાય તેવી છે:

૧. પૈસા અને સંબંધ બંને પૈકી એકની પસંદગી કરવાની આવે ત્યારે સંબંધને પ્રાથમિકતા આપવી. પૈસા તો આજે છે અને કાલે નથી.

૨. હું જીવ્યો ત્યાં સુધી કોઈ આપણા પરિવાર વિષે ખરાબ બોલ્યું નથી. મારા ગયા બાદ પણ પરિવારની નામોશી ન થાય તે જોજો.

અમદાવાદની એચ. એલ. કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવીને નિવૃત થયેલ પ્રોફેસર જશવંત શાહે ૨૦૧૬માં ૭૨ વર્ષની વયે વિદાય લીધી. ૧૮મી મેના રોજ તેમની જન્મજયંતી છે અને (થોડો મઠારીને) અહી રજૂ કરેલો આ પત્ર તેમણે જાતે લખેલો. તેમની મોટી પુત્રી મૂંબઈમાં, નાની પુત્રી અમદાવાદમા તથા પુત્ર લંડનમાં પોતપોતાના પરિવારો સાથે – પિતાએ સિંચેલા સંસ્કારોને સાચવીને સુખેથી જીવે છે. તેમના નામ આપતો નથી પરંતુ પ્રો. શાહના પત્રમાં ભરેલા જ્ઞાનનો ઘૂંટ સૌને પીવા મળે તેવા આશયથી આ લેખ લખ્યો છે.