યા હોમ કરીને કૂચ કરી જ દેવી, ફતેહ આગળ મળવાની જ છે

બકરીને રસ્તામાં આગળ વધતા વચ્ચે પથ્થર આવે તો તે કાં તો તેને ઓળંગી જાય છે અથવા તો વળાંક લઈને આગળ નીકળી જાય છે. બકરી જેવું જાનવર પણ રસ્તામાં આવતા વિધ્નોથી અટકતું નથી, પાછું વળતું નથી, તો વિચારો કે આપણા નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવામાં જો વચ્ચે કોઈ અવરોધ આવે તો અટકી જવું હિતાવહ છે? જરાય નહિ. ક્યારેય માર્ગમાં આવતા અંતરાયને તમારા પર વિજય ન મેળવવા દેશો, તેમને કારણે પોતાનું લક્ષ્ય ન છોડશો. કેમ કે જે સરળ રસ્તો પકડી ને ચાલે છે તેનું જીવન એવું સામાન્ય બની રહે છે કે તેની નોંધ તે પોતે પણ લઇ શકતા નથી, તો પછી સમાજ તો તેને શું ઓળખવાનો.

જીવનમાં જેમણે પણ કઈંક અસર છોડી જાય તેવું કામ કર્યું છે તેઓએ માર્ગમાં આવતા વિઘ્નોને પાર કરવાનું કાષ્ટ વેંઠયું છે. તેઓને સામા પ્રવાહે તરવું પડ્યું છે. જો હોડીને પવનના આધારે તરતી મૂકી દઈએ તો તે ક્યારેય બંદરે ન પહોંચે. એટલા માટે જ વહાણોમાં સઢ ચડવા પડે છે અને હોડકાઓમાં હલેશા મારવા પડે છે. તેમાં આળસ કરનારને પરિણામ તરત જ મળી જાય છે – નિષ્ફળતા. આવી સફળતા કે નિષ્ફળતાનો પુરેપુરો દારોમદાર આપણી મહેનત અને કોઠાસૂઝ પર રાખે છે. ક્યારે કપરા ચઢાણ ચઢીને પર્વતો ઓળંગવા કે ક્યારે ખીણમાં ઉતારીને આગળ વધવું તે વ્યક્તિના શાણપણથી નક્કી થાય છે પરંતુ તેના માટે મહેનત તો કરવી જ પડે છે. ક્યારેય પણ એવું બનતું નથી કે બીજાના જોરે આખી સફર ખેડાઈ જાય, વિના પ્રયત્ને પહાડ ઓળંગી જવાય.

કહેવાય છે ને કે ‘બેઠેલાનું બેઠું રહે વિમાસણે વેળા જુએ નહિ વાટ જી’, તેમ જ તો આપણે પણ હડપ કરીને વાટ ન પકડીએ, અને ભલે હળવે હળવે પરંતુ ચાલતા ન રહીએ તો આપણું ભાગ્ય પણ વિમાસણે જ પડ્યું રહે. આમેય ક્યારેય સાંભળ્યું છે કે સુતેલા સિંહના મુખમાં મૃગ પ્રવેશ્યું હોય? આખરે એ જ તો સંસારનો નિયમ છે, સિંહે એટલે કે જંગલના રાજાએ પણ પોતાનો શિકાર તો જાતે જ કરવો પડે છે. અને જો સિંહ એ કામ પણ ન કરે તો ક્યારેક સસલા પણ તેને છેતરીને કુવામાં કુદાવી દે. વ્યક્તિ કાર્યશીલ રહેવાથી ન માત્ર પ્રગતિ કરે છે પરંતુ દુનિયાની સમજણ અને શાણપણ પણ હાંસલ કરે છે. જે ફરે તે ચરે અને તેનું જ મગજ ચાલે, નહીંતર જરૂર મંદ પડી જાય અને ધીરે ધીરે બહેર મારવા લાગે. ઉમર જતા જે ડિમેન્સિયા એટલે કે ભૂલવાની બીમારી થાય છે તેનું કારણ પણ એક એ જ હોય છે કે મગજનો ઉપયોગ ઓછો થાય છે. કૂતરો પણ જો નિયમિત ન દોડે તો ચંપલો થઇ જાય છે, તેના પગના હાડકા વળી જાય છે અને તેમાં શક્તિ રહેતી નથી.

ઉપરાંત એ પણ હકીકત છે કે જે મહેનત કરે છે તે ક્યારેય એળે જતી નથી, આજે નહિ તો કાલે તેનું પરિણામ તો મળે જ છે. ગીતાનો સંદેશ પણ એ જ કહે છે કે કરેલું કઈંક વિફળ જતું નથી, પરંતુ ફળની આશા રાખવી પણ નાહક છે. તેનો સ્પષ્ટ અર્થ તો એ જ થયો કે આપણે મહેનત કરવા પરનો અધિકાર જતો કરવા જેવો નથી, રસ્તામાં અંતરાય આવે તો તેને ઓળંગવા કે વળાંક લઈને પાર કરવાનો પ્રયત્ન તો આપણે કરવો જ જોઈએ અને કરવો જ પડશે. જે લોકો અહીં ચૂક કરી જાય છે તેઓ કોઈ જ રીતે ફળના અધિકારી બની શકતા નથી તે તો નિશ્ચિત જ છે. પરંતુ જે કોઈ બકરીની માફક ધીમે ધીમે આગળ વધ્યા કરે છે તે ખરેખર ખુબ સારી પ્રગતિ કરે છે અને સંતોષકારક પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરે છે. જયારે પણ તક મળે અને આવશ્યક હોય ત્યારે નિશ્ચય કરવામાં જરાય વિલંબ કે દ્વિધા ન થવી જોઈએ, નિર્ણય તુરંત અને સ્પષ્ટ હોવો જોઈએ – યા હોમ કરીને કૂચ કરી જ દેવી, ફતેહ આગળ મળવાની જ છે.

સવારથી મનમાં ચિંતા પેશી જાય ત્યારે?

ક્યારેક દિવસની શરૂઆતથી જ આપણને કોઈક બેચેની લાગ્યા કરતી હોય છે. એવું લાગે છે કે જીવનમાં કઈ જ સારું નથી થઇ રહ્યું, ક્યાંકને ક્યાંક કોઈ સમસ્યા આવી રહી છે પરંતુ ખરેખર શું બાબત છે જે મનમાં ખૂંચી રહી છે તેની ખબર ન પડે. એવી લાગણી મનમાં આવવાનું કારણ ખરેખર શું છે તે આપણને ખબર ન હોય અને ખરેખર આપણે સવારે ઉઠ્યા હોઈએ ત્યારે એવું કઈ જ ન બન્યું હોય કે જેને કારણે આવી અજુગતી ચિંતા મનમાં ઘુસી જાય. પરંતુ તેમ છતાંય આવું ઘણીવાર થાય છે, આપણે કોઈક પ્રકારની ફિકરથી પરેશાન થઇએ છીએ. આવી મન કચવાવાની લાગણીને કેટલાક લોકો અલૌકિક સંકેત માને છે, કહે છે કે કૈંક ખરાબ થવાની નિશાની છે. કેટલાક લોકો આવા વિચારને ફગાવી દે છે અને બીજી પ્રવૃત્તિમાં મન પરોવવાની કોશિશ કરે છે.

શું આપણે બ્રહ્માંડમાંથી ક્યારેક કઈ સારું કે ખરાબ થવાના સંકેત મેળવીએ છીએ? જેને આપણે ઈન્ટ્યુશન – અંતર્જ્ઞાન કહીએ છીએ તે વાસ્તવમાં કોઈ તાર્કિક અસ્તિત્વ ધરાવે છે કે પછી માત્ર મનમાં પેસી જતો અજાણ્યો વિચાર કે ભય છે જે આપણને કોઈક રીતે હેરાન કર્યા કરે છે. ખરેખર તો આવી લાગણી મનમાં ઉભી થાય અને પછી જે કઈ બને તેને આપણે તે સંકેત સાથે સાંકળીને જોઈએ છીએ. એક રીતે કહીએ તો આપણે ભયના ચશ્મા પહેરીને જ દિવસ વિતાવીએ છીએ, ક્યારેક તો અઠવાડિયા અને મહિના પણ આવી ભયની લાગણીમાં વીતી જાય છે. પ્રશ્ન એ છે કે આવા ભયને ગંભીરતાથી લેવો કે અવગણી દેવો? જો ગંભીરતાથી લઈએ તો પણ જયારે આ વિચારનું, ચિંતાનું, ભયનું કારણ ખબર જ નથી તો શું કરી શકાય? કઈ બૂરું થતું અટકાવવા માટે એ ખબર તો હોવી જોઈએને કે શું ખરાબ થવા જઈ રહ્યું છે. માત્ર આશંકાના આધારે આકાશમાં કિલ્લા કેવી રીતે બાંધવા?

કોઈ મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરે કે મનમાં ઉઠતા આવા ભયનું કોઈ કારણ હોય છે કે કેમ. જે રીતે સિગ્મન્ડ ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકે આપણા આજના વર્તનને બાળપણમાં બનેલી ઘટનાઓ સાથે સાંકળવાની કોશિશ કરી છે, જે રીતે આપણા સપનાઓનું મનોવૈજ્ઞાનિકો અલગ અલગ રીતે વિશ્લેષણ કરવાની કોશિશ કરે છે તેવી જ રીતે જો આવા બિનમંત્રીત આવી જતા ચિંતાજનક વિચારનું કારણ અને તેના પરિણામ અંગે જો કોઈ અભ્યાસ થાય, માહિતી મળે તો કેટલાય લોકોના ચેહરા જે નાહકના આખો દિવસ ચિંતિત દેખાય છે તેના પર સ્મિત લાવી શકાય.

ખેર, પરંતુ જ્યાં સુધી એવો સચોટ અભ્યાસ ન થાય, કોઈ કારણ અને પરિણામ અંગે જાણકારી ન મળે ત્યાં સુધી તો સૌથી ઉત્તમ ઉપાય એ જ છે કે દિવસ દરમિયાન સાવચેત રહીએ પરંતુ તેવા વિચારને બાજુ પર રાખીને કઈંક પોઝિટિવ, સકારાત્મક વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ. દિવસ દરમિયાન કેમેય કરીને આપણે આ ભયની લાગણી સામે જીતી જવાનો પ્રયત્ન કરવો જોઈએ કેમ કે તેનાથી રાતની ઊંઘ ખરાબ ન થાય તે આવશ્યક છે. નહીંતર ફરી રાતભર ચિંતા અને બીજા દિવસે થાક, ચિંતા અને ચિડચિડાપણું થયા કરે. આમ ચાલે તો થોડા દિવસમાં આપણી સ્થિતિ એવી થઇ જાય કે આપણે કોઈ સાથે વાત કરવાનુંયે મન ન થાય અને આપનો ચિડચિડો સ્વભાવ જોઈને બીજા લોકો પણ આપણને ન વતાવે! પોતાની જાતને આવી ઝેરીલા ચક્રવ્યૂહમાં ફસાવવા કરતા વધારે સારું એ છે કે કેમેય કરીને એ વિચારને ડામી દેવો – જે થશે તે જોયું જશે અને સાવચેતી રાખીને આવનારી સમસ્યા સામે લડી લઈશું – એવો અભિગમ અપનાવવો.