કોરોનામાં લોકડાઉનની અનિવાર્યતા અને લૉજિક

કોરોનાની ભયંકર અસરને કારણે વિશ્વભરમાં સંપૂર્ણ કે આંશિક લોકડાઉન છે. ભારતમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે અને તેને કારણે મોટાભાગના લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી. પોલીસે તેનો સખ્તાઈથી અમલ કરાવવાનું શરુ કર્યું છે. જો  કે કેટલીક સરકારી કચેરીઓ અને બીજી આવશ્યક સેવાઓ આપતા લોકોને તો કામ પર જવું જ પડે. ભારતમાં પણ કોરોનાના નંબર વધી રહ્યા છે અને હજી ટેસ્ટિંગ માર્યાદિત હોવાથી કેટલા પ્રમાણમાં કોરોના ફેલાયો હશે તેની પૂરતી માહિતી આપણી પાસે નથી. આ સમયમાં સૌનું કર્તવ્ય બને છે કે પોતાના, પરિવારના અને સમાજના ભલા માટે સરકારે આપેલી સૂચનાઓનું પાલન કરે. 

સૌથી મોટો ધર્મ છે જૈવધર્મ. વ્યક્તિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એ જ તેનો સૌથી મોટો ધર્મ છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત વાંચ્યો હોય તો સમજાશે કે શક્તિશાળી નહિ પરંતુ યોગ્યતમ જીવો સૃષ્ટિમાં ટકી રહે છે. જેમ ખેડૂત સમયે સમયે પાવડો ચલાવીને ઘાંસ ઉખાડી નાખે છે તેમ સૃષ્ટિ પણ સમયે સમયે કોઈનેકોઈ પ્રકારનો પાવડો ચલાવે છે. કોરોનાને પણ આવો જ એક પાવડો ગણી શકાય. માનવજાત સામે આ એક ચેલેન્જ છે. જો તેને અનુરૂપ થઈને, કુણા ઘાંસની જેમ ઝૂકીને, નહિ બચીએ તો આ ચેલેન્જ સામે નહિ ટકીએ.

જે લોકોને એવું લાગે છે કે કોરોના તેમનું કઈ બગાડવાનો નથી, તેઓ યુકેના પ્રિન્સ ચાર્લ્સની હાલત જોઈ લે. તેમને કોરોનનો ચેપ લાગ્યો છે. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સને પણ કહ્યું છે કે તેમને ચેપના થોડા લક્ષણો દેખાયા હોવાથી હવે તેઓ એકાંતમાં રહેશે. કોરોના નાના-મોટા દરેક માણસને કોઈજ ભેદભાવ વિના બાથ ભીડી શકે છે. તે બધાને સરખો જ પ્રેમ કરે છે, બસ જરૂર છે તેને એક તક આપવાની. જો આપણે પણ આ તક આપીશું તો તેની અસર થયા વિના રહેશે નહિ. 

એક વેબસાઈટ www.worldometers.info વિશ્વમાં નોંધાયેલા કોરોનાના કેસના આંકડાની રિયલ ટાઈમ માહિતી આપે છે. તેમાં જોઈએ તો ૨૨મી જાન્યુઆરીએ ૫૮૦ કોરોનાના કેસ નોંધાયેલા હતા જે ૩૦ જાન્યુઆરી સુધીમાં ૧૦ હજારે પહોંચ્યા. ૬ માર્ચે એક લાખનો આંકડો પાર કર્યો. ૧૭મી માર્ચે બે લાખ નજીક પહોંચ્યા, ૨૧ મી માર્ચે ત્રણ લાખ પાર કરી ગયા અને ૨૪મી માર્ચે તો સવા ચાર લાખ થઇ ગયા. ૨૩મી માર્ચે પોણા ચાર લાખ અને ૨૪મી માર્ચે સાવ ચાર લાખ! પછી ૨૫મી માર્ચે પોણા પાંચ લાખ અને ૨૬મી માર્ચે સાવ પાંચ લાખ. એટલે કે એક એક દિવસમાં ૫૦-૬૦ હજાર લોકો ચેપમાં આવ્યા. હવે તો આ આંકડો કુદકેને ભૂસકે વધી રહ્યો છે.

થોડી કડવી પણ સત્ય વાત એ છે કે દુનિયાનો કોઈ પણ દેશ કોરોનાને નિયંત્રણમાં કરવા સક્ષમ નથી. અમેરિકા અને યુરોપના દેશો તેના ભરડામાં આવી ગયા છે. ચીને આ રોગને મુશ્કેલીથી નિયંત્રિત કર્યો અને તેમાં સૌથી મોટો ફાળો આપ્યો લોકડાઉને. મહિનાઓ સુધી વુહાનના વિસ્તારનું લોકડાઉન રહ્યું. બધા વેપાર ધંધાઓ પર અને લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો. ચીને તો સૌના મોબાઈલ ટ્રેસ કર્યા, ચેહરો ઓળખવાની ટેક્નોલોજીથી લાખોની સંખ્યામાં મુકવામાં આવેલા કેમેરાઓ સતત વ્યક્તિની હલચલ પર નજર રાખતા. વી-ચેટ નામના એપનો ઉપયોગ કરીને ચીને લોકોને ગ્રીન, યેલો અને રેડ એમ ત્રણ કેટેગરીમાં વહેંચ્યા હતા. તે ઓટોમેટિક હતું અને તે માત્ર ચીનમાં જ શક્ય છે.

આપણે ભારતમાં કેટલા સતર્ક રહી શકીએ, કેટલો સમય ઘરમાં રહી શકીએ, કેટલો સમય સામાજિક દૂરી બનાવી રાખીએ તે મહત્વનો ભાગ ભજવશે આપણા સૌના સ્વાસ્થ્યની સ્થિતિમાં. યાદ રાખજો કે ભારત આરોગ્ય માટે માળખાકીય સુવિધાઓમાં ઘણું નીચે છે અને આપણી પાસે જરૂરી સંસાધનોની પણ કમી ઉભી થઇ શકે. એટલા માટે પોતાના પર, પરિવાર પર, સમાજ પર અને દેશ પર બોજ ન બનીએ તે જોવું આપણી ફરજ છે.

કેટલાય વોટ્સએપ વિડિઓ અને મેસેજ ફરતા થયા છે જેમાં લોકો અનેકવિધ ઉપાયો અને ઈલાજો બતાવે છે કે કોરોનાને કેમ ધ્વંશ કરી શકાય. બધું ખોટું છે. ખોટી ડંફાસ છે. તેમાં ફસાવું નહિ. ભોળવાવું નહિ. જ્યાં સુધી મેડિકલ સાયન્સ કઈક સાબિત ન કરે ત્યાં સુધી સૌથી સચોટ ઈલાજ છે કોરોનાને અટકાવવો. તેના માટે ચેઇન બ્રેક કરવી જરૂરી છે અને દેશમાં લગાવેલા લોકડાઉનનું પાલન કરવું આવશ્યક છે.