આ યુવાન લંડનની શેરીમાં સિંહને ફેરવવા માટે જાણીતો બન્યો હતો

થોડા દિવસ પહેલા જ્હોન રેંડાલનું અવસાન થઇ ગયું. જ્હોન રેંડાલ કોઈ મોટો નેતા, અભિનેતા કે બિઝનેસ ટાઇકૂન નહોતો કે જેના વિષે સમાચારપત્રોમાં શ્રદ્ધાંજલિનાં લેખ છપાય. પરંતુ તેમ છતાંય જ્હોન રેંડાલ વિષે યુકેના કેટલાક સમાચારપત્રો અને મેગેઝીનમાં લખાયું અને બીજા માધ્યમોમાં પણ તેના મૃત્યુ વિષે ચર્ચા થઇ. કોણ હતો જ્હોન રેંડાલ અને શા માટે તેની વાતમાં લોકોને રસ પડે તે જાણવા જેવું છે.

ઓસ્ટ્રેલિયન મૂળનો આ યુવાન લંડનની શેરીમાં સિંહને ફેરવવા માટે જાણીતો બન્યો હતો. હા, તેની પાસે પાળેલો સિંહ હતો અને તે લંડનના તેના અને મિત્ર એન્થોની બુર્કના ફ્લેટમાં રહેતો. રોજ તેને લઈને રેંડાલ લંડનના કિંગ્સ રોડ પર ફેરવવા નીકળતો અને તેને પોતાની ઓપન કારમાં પણ ફેરવતો. ચેલ્સી જેવા જાણીતા અને મોંઘા વિસ્તારના લોકો રેંડાલ અને સિંહના રસ્તા પર ફરવાના દ્રશ્યથી પરિચિત બની ગયા હતા. થયું એવું કે એકવખત રેંડાલના મિત્રએ તેને વાતોવાતોમાં કહેલું કે હેરૉડ્સમાં – હેરૉડ્સ લંડનનો ખુબ હાઈક્લાસ સ્ટોર છે – વિદેશી અને વિશેષ પ્રાણીઓ મળે છે. તેણે એક કિસ્સો સંભળાવ્યો કે કોઈએ સ્ટોરના પાલતુ પ્રાણીના વિભાગમાં જઈને પૂછ્યું કે શું તમારી પાસે ઊંટ મળશે? તો જવાબમાં સેલ્સગર્લે પૂછેલું કે એક ખૂંધ વાળો કે બે? આ કિસ્સો સાંભળીને જ્હોન રેંડાલ ઉત્સુકતાવશ હેરૉડ્સ ગયેલો અને ત્યાંના પેટ્સ ડિપાર્ટમેન્ટમાં જોયું તો તેને એ સમયે સંગ્રહાલયમાં જન્મેલું સિંહનું બચોલિયું જોવા મળ્યું. તેને રેન્ડલે ૨૫૦ ગીની (આજની કિંમતના ૪,૫૦૦ પાઉન્ડ) માં ખરીદી લીધું અને તેને પોતાના ફ્લેટમાં લાવેલો જે કિંગ્સ રોડ પર એક ફર્નીચરશોપની ઉપર હતો.

રેંડાલ સિંહના બચ્ચાને કાચું માણસ ખવડાવતો અને તેનું નામ તેને ક્રિશ્ચિયન રાખેલું. તેને ફર્નીચરશોપના ઉપયોગમાં ન આવતા બેઝમેન્ટમાં રાખતો અને અવારનવાર નજીકના ચર્ચના દીવાલબંધ બગીચામાં રમવા લઇ જતો. ઘણીવખત તે ક્રિશ્ચિયનને રોડ પર ચલાવવા પણ નીકળતો અને પોતાની ખુલ્લી મોટરગાડીમાં બેસાડીને શહેરમાં ફરતો. આપણે કલ્પના કરી શકીએ કે આ દ્રશ્ય લંડન જેવા શહેરમાં જોઈને લોકોને કેવું કુતુહુલ થતું હશે. સિંહનું બચ્ચું નાનું હોય ત્યાં સુધી તો ઠીક પણ ધીમે ધીમે મોટું થવા લાગે પછી તો તેને સંભાળવું મુશ્કેલ થવા લાગે. જો કે ક્યારેય ક્રિશ્ચિયને રેંડાલ સામે ગર્જના કરી નહોતી પરંતુ તેના માટે જે વિશેષ ખોરાક આવતો તે ધીમે ધીમે ક્રિશ્ચિયનને મોંઘો પાડવા લાગેલો. આ સમયે રેંડાલને ઓફર મળેલી કે તે ક્રિશ્ચિયનને એડ્વર્ટાઇઝ માટે લાવે. આ વિકલ્પ સારો હતો. નાણાંની આવક ચાલુ થઇ ગઈ જેનાથી ક્રિશ્ચિયનના ખોરાકનો ખર્ચ પણ નીકળતો અને તેની પ્રસિદ્ધિ પણ થતી.

રેંડાલને કિંગ્સ રોડ પરનું પોતાનું ઘર પસંદ હતું પરંતુ જયારે ક્રિશ્ચિયન મોટો થવા લાગ્યો ત્યારે હવે તેને શહેરને બદલે બહાર કોઈ ગામમાં વસવાનો વિચાર આવવા લાગ્યો. આવા સમયે તેની મુલાકાત ફિલ્મ અભિનેતા બિલ ટ્રેવર્સ અને વર્જિનિયા મેક્કેનના સાથે થઇ. તેઓ બંનેએ કોર્ન ફ્રી નામની ફિલ્મમાં અભિનય કરેલો. આ ફિલ્મ સિંહના સંરક્ષણ અને સંવર્ધનના પ્રણેતા મનાતા જોય અને જ્યોર્જ એડમસનના જીવન પર આધારિત હતી. આ બંને અભિનેતાઓએ રેંડાલને સલાહ આપી કે જો તે ક્રિશ્ચિયનને કેન્યા મોકલવા તૈયાર હોય તો જ્યોર્જ એડમસન તેને જંગલમાં છૂટો મુકાવવાની વ્યવસ્થા કરાવી શકે. આ વિચાર રેંડાલને ગમ્યો. તેને લાગ્યું કે ક્રિશ્ચિયન માટે તે જ વધારે સારું રહેશે કે તે શહેરના બંધિયાર જીવન કરતા મુક્ત રહીને જીવે અને જંગલમાં વસે. બધી મુશ્કેલીઓ છતાં વ્યવસ્થા કરવામાં આવી અને ક્રિશ્ચિયનને કેન્યા મોકલવામાં આવ્યો અને ત્યાં ખુલ્લા જંગલમાં વસાવવામાં આવ્યો.

એક વર્ષ પછી રેંડાલ અને બુર્ક ક્રિશ્ચિયનને જોવાની ઈચ્છાથી કેન્યા ગયા. એ મોટા જંગલોમાં ક્રિશ્ચિયન જોવા મળશે તેની અચ્છા બહુ ઓછી હતી પરંતુ એક દિવસ સવારે ક્રિશ્ચિયન તેમના કેમ્પ પાસે આવી પહોંચ્યો. શરૂઆતમાં તે સાવચેતીથી ધીમે પગલે આગળ વધ્યો પરંતુ જયારે તેઓ એકબીજાને ઓળખી ગયા કે તરત જ ક્રિશ્ચિયન લપકીને રેંડાલને વળગી પડ્યો. આ દ્રશ્ય સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયેલું અને લોકો તેને જોઈને રડી પડતા. આ ઘટના ૧૯૭૧ની છે. ત્યારબાદ ક્રિશ્ચિયન મેરુ નેશનલ પાર્ક તરફ પ્રયાણ કરી ગયો હોવાનું સ્થાનિક ઓથોરિટીએ નોંધેલું. પછીથી બુર્ક ઓસ્ટ્રેલિયા જતો રહ્યો અને ત્યાં આર્ટ ક્યુરેટર – કલા વસ્તુપાલ – બન્યો. રેંડાલ ચેલ્સીમાં જ રહ્યો અને પ્રોપર્ટી ડેવલપરનું કામ કરવા લાગ્યો, ચેલ્સી થિયેટરનો ટ્રસ્ટી બન્યો અને સિંહના સંરક્ષણમાં સક્રિય રસ લેતો રહ્યો. રેંડાલનું ૭૬ વર્ષની વયે તાજેતરમાં અવસાન થયું છે.

હંમેશા મિ. નાઇસ બનીને રહેતા લોકો પોતાનું નુકશાન કરે છે

‘હું ના કહીશ તો તેને ખોટું લાગશે.’ આવા વિચારોથી પોતાની ઈચ્છા ન હોય તેવા કામ પણ કરનારા લોકો બીજાની નજરોમાં સારા તો બની રહી છે પરંતુ પોતે ઇચ્છતા હોય તે કામ કરવા માટે ભાગ્યે જ સમય ફાળવી શકે છે. જો ભૂલે ચુકે તેમને પોતાની ઈચ્છા પ્રમાણે વિતાવવા સમય મળી જાય તો પણ તેમના મનમાં બીજો પ્રશ્ન સળવળ્યા કરે છે, ‘હું આમ કરીશ તો તેને કેવું લાગશે?’ આ રીતે પોતાની દરેક ક્રિયાને બીજાના ત્રાજવામાં તોલવાની આદત પોતાને સારા બતાવવા મથતા લોકોને ભેંટ તરીકે મળતી હોય છે.

કેટલાય લોકોને પોતાની પ્રસંશા સાંભળવાની, બીજા પાસેથી સ્વીકૃતિ મેળવવાની એટલી તો તાલાવેલી હોય છે કે તેઓ ધીમે ધીમે બીજાની ઈચ્છા અને અભિપ્રાયને આધીન થતા જાય છે. કોઈપણ તેમના વિષે ખરાબ બોલે કે નબળો અભિપ્રાય આપે તો તેમની રાતની ઊંઘ ઉડી જાય છે. કેમેય કરીને તેઓ બધાને ખુશ રાખવા મથ્યા કરે છે. મમ્મી-પપ્પા માટે એક તો ભાઈ-બહેન માટે બીજું, મિત્રો માટે ત્રીજું અને પાડોસી માટે ચોથું કામ તેમના લિસ્ટમાં હંમેશા નોંધાયેલું હોય છે. આ બધાય કામોની નીચે આવે છે – જો જગ્યા હોય તો – પોતાના માટે કરવાનું કોઈ કામ.

એવું માનવાની ભૂલ ન કરવી કે આવા લોકો હંમેશા સેવાભાવ અને પરોપકારની ભાવનાથી આવું વર્તન કરતા હોય છે. ખરેખર તો એ તેમની પ્રકૃતિ બની જાય છે કે હંમેશા તેમની ઉપર મિસ્ટર નાઇસ – સારા માણસ – નો બિલ્લો લાગેલો રહે – ટેગ લાગેલો રહે. જો આ ટેગને આંચ આવે તો જાણે તેમના અસ્તિત્વ અંગે પ્રશ્નો ઉભા થયા હોય તેમ તેઓ વિહ્વળ બની જાય છે. કોઈ પૂછે કે આવા સારા લોકો બીજાનું તો ભલું જ કરે છે – તો તેમાં ખોટું શું છે. વાત સાચી છે. તેઓ બીજાનું ભલું કરે છે – પરંતુ તે બીજા માટે નહિ, પોતાને માટે હોય છે. અહીં સ્વાર્થનો અંશ છુપાયેલો હોય છે જે તેમને બીજાને ગમે તેવું કરવા પ્રેરે છે. તેઓ કોઈને ના કહી શકતા નથી અને એટલા માટે આવા લોકો નિષ્પક્ષ નિર્ણય લઇ શકતા નથી – એટલે વસ્તુલક્ષિતા તેમના સ્વભાવમાં નહિવત હોય છે.

મિસ્ટર નાઇસ સાથે બીજી એક સમસ્યા એવી હોય છે કે તેઓ જે કઈ કરે તે હંમેશા બીજાને બતાવવા માટે કરતા હોય છે. કસરત કરવી, વહેલા ઉઠવું કે પછી નિયમિત રીતે મંદિરે જવું – આ બધું જ તેઓ પોતાની જાત માટે નહિ પરંતુ બીજા તરફથી શાબાશી મેળવવા માટે કરે છે. તેમને ગમે છે કે કોઈ તેમનું ઉદાહરણ એક આદર્શ વ્યક્તિ તરીકે લે. કોઈને માટે ઉદાહરણરૂપ બનવું તેમને ગમતું હોય છે. જ્યાં સમ્માન અને માન્યતા ન મળતાં હોય તેવા કામોમાં તેઓ પોતાનો સમય આપતા નથી.

આ પ્રકારની લાઇફસ્ટાઇલ અને સ્વભાવ વ્યક્તિની એક કમજોરી બતાવે છે. પોતાની દ્રઢ માન્યતા કે પ્રતીતિને બદલે બીજાના વિચારોને આધારે ચાલવાને કારણે તેઓ સ્વતંત્ર નિર્ણય કરી શકતા નથી. પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતોને પ્રાધાન્ય આપી શકતા નથી. પોતાના ભલા માટે – દુનિયાને અવગણીને – કામ કરી શકતા નથી. આવા લોકોનો ફાયદો ક્યારેક લૂંટારાઓ અને છેતરનારા લોકો ઉઠાવે છે. પાંચ-સાત લોકોની વચ્ચે તેમના વિષે સારું બોલીને તેમની પાસેથી પોતાના ફાયદાનું કામ કઢાવી લેનારા લોકોથી આવા મિસ્ટર નાઇસ હંમેશા લૂંટાયા કરે છે. ક્યારેક તેમને ખબર પણ હોવા છતાં પરિસ્થિતિને વશ થઈને તેઓ નુકસાન ભોગવ્યા કરે છે.

શું તમે પણ ક્યારેય આવી સ્થિતિમાં સપડાયા છો જયારે મિસ્ટર નાઇસ બનવાની ઈચ્છાને કારણે પોતાનું નુકશાન કરી બેઠા હોય? ક્યારેય એવું થયું છે કે તમે પોતાની પ્રાથમિકતા માટે સમય અને મહેનત ફેલાવવાને બદલે બીજાને સારું લગાડવા માટે કામ કર્યું હોય? આવું લગભગ બધા સાથે થાય છે કેમ કે ક્યાંક ને ક્યાંક આપણને સૌને સારા વ્યક્તિ તરીકે રહેવાનું પસંદ હોય છે. પરંતુ આવી સારપ કરતા કરતા પોતાની જાતને પાછળ ન રાખી દઈએ તેની કાળજી રાખવી જોઈએ. ક્યારેક ના કહેવામાં કોઈ વાંધો નહિ. હંમેશા આપણે સૌને ગમી શકીયે તે શક્ય નથી. આપણી પોતાની જિંદગી છે, પરિવાર છે અને કારકિર્દી છે. બીજાને ખોટું ન લગાડવાની ચિંતામાં આપણે પોતાની જાતને વારે વારે ખોટું લગાડ્યા કરીએ તે પણ યોગ્ય નથી.