કેન્યાના કેલ્વિન કિપતુમ ભવિષ્યમાં કિપચોગે ૨.૦ બનશે?

કેન્યાના કેલ્વિન કિપતુમે ગયા રવિવારે ટીસીએસ લંડન મેરેથોન જીતી. આ મેરેથોન જીતીને ૨૩ વર્ષીય કિપતુમ વિશ્વનો બીજા નંબરનો સૌથી ઝડપી દોડવીર બન્યો છે. તેણે ટીસીએસ લંડન મેરેથોન ૨:૦૧:૨૫ એટલે કે બે કલાક, એક મિનિટ અને પચીસ સેકન્ડમાં પુરી કરી. તે આજ સુધીના વિશ્વવિક્રમ કરતા માત્ર ૧૭ સેકન્ડ વધારે સમય છે. વિશ્વનો સૌથી ઝડપી દોડવીર કોણ છે? તે પણ કેન્યાનો જ વિશ્વ ચેમ્પિયન એલ્યૂડ કિપચોગે છે. કિપચોગેએ ૨૦૨૨માં બર્લિન મેરેથોન ૨:૦૧:૦૯ સમયમાં એટલે કે બે કલાક, એક મિનિટ અને નવ સેકન્ડમાં પુરી કરેલી. આ મેરેથોનમાં કેલ્વિનના શાનદાર પરફોર્મન્સથી એથ્લેટિક્સના ચાહકોમાં વાત ફેલાવા લાગી છે કે શું કેલ્વિન ભવિષ્યમાં કિપચોગે ૨.૦ બનશે? શું તેનું પરફોર્મન્સ કિપચોગે જેટલું સારું અને સાતત્યવાળું રહેશે?

લંડનની આ મેરેથોનમાં કેળવીને ન માત્ર તેના પ્રતિસ્પર્ધી કરતા રેસ ૩ મિનિટ ૩૪ સેકન્ડ વહેલી પુરી કરી પરંતુ એલ્યૂડ કિપચોગેનો લંડન મેરેથોન ૨૦૧૯નો રેકોર્ડ પણ તોડ્યો. જો કે તે કિપચોગેના વિશ્વવિક્રમને ૧૭ સેકન્ડથી ચુકી ગયો. કેલ્વિન પછી બીજા નંબરે આવનાર દોડવીર જીઓફ્રી કામવોરોર ન્યુયોર્ક મેરેથોન બે વખત જીતી ચુક્યો છે પરંતુ કેલ્વિન કરતા તે ઘણો પાછળ રહી ગયો હતો. કેલ્વિનના શાનદાર પ્રદર્શનમાં એક બીજું મહત્ત્વનું પાસું એ હતું કે તેણે મેરેથોનનો બીજો હિસ્સો – બીજી હાલ્ફ મેરેથોન માત્ર ૫૯ મિનિટ અને ૪૫ સેકન્ડમાં પુરી કરી અને એ રીતે પૂર્ણ મેરેથોનનો બીજો હિસ્સો સૌથી ઝડપથી પુરી કરવાનો પણ રેકોર્ડ બનાવ્યો. ઉપરાંત કિપતુમે ગયા વર્ષે વેલેન્સિયા મેરેથનમાં ગયા વર્ષે પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેણે ન માત્ર એ મેરેથોન જીતી લીધી પરંતુ પ્રથમ મેરેથોનમાં સૌથી ઝડપી પ્રદર્શન કરવા માટેનો વિક્રમ પણ નોંધાવ્યો.

દોડવીરોએ કેન્યાની હંમેશા ગૌરવ અપાવ્યું છે અને અત્યારે વિશ્વ ચેમ્પિયન એલ્યૂડ કિપચોગે વિશ્વશિરોમણી દોડવીર તરીકે સર્વસ્વીકૃત સ્થાન ધરાવે છે પરંતુ આ ૩૮ વર્ષીય દોડવીર નિવૃત થશે પછી તેની પરંપરાને આગળ વધારવા માટે કેન્યાની સારા દોડવીરની આવશ્યકતા છે અને તે હવે કેલ્વિન કિપતુમ પુરી કરે તેવું લાગી રહ્યું છે. જો કે હજુ માત્ર ૨૦૨૨માં જ કિપચોગેએ ૨:૦૧:૦૯નો મેરેથોનનો વિશ્વવિક્રમ બર્લિનમાં સ્થાપ્યો છે એટલે આટલી જલ્દી તેનું પરફોર્મન્સ નીચે આવે તેવું કહેવાનો કોઈ આશય નથી. પરંતુ વિશ્વના રમતગમત પ્રસંશકોની નજર પણ હવે કેલ્વિન કિપતુમ પર છે અને તેની પાસેથી લોકોને સારી એવી અપેક્ષા છે. પ્રથમ મેરેથોનથી જ તેણે એવું સારું પ્રદર્શન કર્યું છે કે લોકોની આંખો અને આશા તેના પર સ્થિત થઇ છે. હજુ તે ૨૩ વર્ષનો છે અને તેની સામે લાંબી કારકિર્દી બાકી છે. જો તેના પરફોર્મન્સમાં સાતત્ય જળવાઈ રહેશે તો તે અનેક વિક્રમ પોતાના નામે નોંધાવશે તે વાતમાં કોઈ શંકા નથી.

એક બીજી યાદ કરવા જેવી વાત એ પણ છે કે કિપચોગે એકમાત્ર એથ્લીટ છે જેણે અનધિકૃત મેરેથોન બે કલાકથી ઓછા સમયમાં પુરી કરી હતી અને તે માનવ ઇતિહાસનો બે કલાકથી ઓછા સમયમાં મેરેથોન અંતર દોડનાર એકમાત્ર વ્યક્તિ બન્યો છે. હવે ધીમે ધીમે અધિકૃત મેરેથોનમાં પણ કુલ સમય ધીમે ધીમે ૨ કલાકની ખુબ નજીક પહોંચી રહ્યો છે એટલા માટે થોડા સમયબાદ કોઇ દોડવીર બેકલાક્થી ઓછા સમયમાં મેરેથોન દોડવાનો વિશ્વવિક્રમ સ્થાપે તો તેમાં પણ નવાઈ નહીં. ઉપરાંત, આ દોડવીર જો કેન્યન હોય તો તેમાં પણ કોઈને આશ્ચર્ય નહીં થાય. લોકોની અત્યારે અપેક્ષા કિપચોગે પાસે છે અને ભવિષ્યમાં આ અપેક્ષા કેલ્વિન કિપતુમ પાસે હશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

કેન્યાની ધરતીએ સારા સારા દોડવીર ઉપજાવ્યા છે અને વિશ્વના નકશામાં પોતાનું ગૌરવવંતુ સ્થાન જાળવી રાખ્યું છે. આ પરંપરા જળવાઈ રહેશે તેવી આશા રાખીએ.

પૂર્વ આફ્રિકામાં મસાઈ લોકોનો દબદબો

પૂર્વ આફ્રિકાની વાત આવે, અને તેમાં પણ ખાસ કરીને કેન્યા, ટાન્ઝાનિયાની વાત આવે ત્યારે મસાઇ લોકોનો ઉલ્લેખ જરૂર થાય. મસાઇ સમુદાયના લોકો અહીંના સૌથી જુના રહેવાસી છે અને તેઓ જંગલોમાં રહે છે. તેમનું જીવન આજે પણ ઘણીખરી રીતે પ્રાચીન પરંપરાઓ અને રીતરિવાજોથી ભરપૂર છે. તેઓ આજે પણ એક સ્થળે સ્થાયી થવાને બદલે જંગલમાં વિચારતા રહેવાનું પસંદ કરે છે. મસાઇ લોકો ખાસ કરીને કેન્યાના અને ટાન્ઝાનિયાના એવા જંગલોમાં અને ઘાંસના મેદાનોમાં રહે છે જ્યાં પ્રાણીઓની સંખ્યા ઘણી વધારે છે. તેમનું જીવન પશુપાલન સાથે જોડાયેલું હોવાથી આવા ઘાંસના મેદાનોમાં જ તેમનું ગુજરાન ચાલે છે. તેઓ લાલ રંગની ચાદર ઓઢે છે, હાથમાં લાકડી કે ભાલા રાખે છે અને પાતળો તથા લાંબો બાંધો ધરાવે છે તે તેમની ખાસિયત છે. ઈન્ટરનેટ પર મસાઇ લખીને સર્ચ કરશો તો કોઈ વ્યક્તિ લાલ રંગની ચાદર લપેટીને ઘાંસના મેદાનમાં ગાય ચરાવતો જોવા મળશે. તેઓની એક બીજી ખાસિયત એ છે કે તેઓ ખુબ ઊંચા કુદકા મારે છે.

મસાઇ લોકોની સંખ્યા કેન્યામાં લગભગ ૧૧ લાખ જેટલી છે જયારે ટાન્ઝાનિયામાં તે આઠેક લાખની વસ્તી ધરાવે છે. તેઓની ભાષાને મા કહેવાય છે. તેમનામાં બહુપત્ની પ્રથા ચાલે છે અને ગાય તેમની સૌથી મોટી સંપત્તિ છે. જેટલી ગયો વધારે તેટલા તેઓ ધનવાન વધારે તેવું મનાય છે. તેઓ લડાયક બાંધો અને જીગર ધરાવે છે અને તેને કારણે જ ધીમે ધીમે તેઓએ પોતાના કબ્જા હેઠળનો વિસ્તાર વધાર્યો છે. મસાઇ લોકો એટલા બહાદુર હોય છે કે તેઓ આ વિસ્તારોમાં રહેતા સિંહ સાથે પણ બાથ ભીડી દે છે અને ભેગા મળીને સિંહને પણ મારી નાખે છે. ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી મસાઇ લોકોનો સિંહનો શિકાર કરતો વિડિઓ પણ જોવા મળશે. જો કે તેઓ શિકાર ખાતર કે તેને વેચવા ખાતર સિંહને મારતાં નથી પરંતુ જો પોતાના જીવ પર આવે કે તેમની ગાય વગેરેને બચાવવા માટે જરૂર પડે તો ક્યારેક આવા મહાકાય પ્રાણીનો પણ શિકાર કરી દે છે.

મસાઇ મારા અને સેરેંગીતી નેશનલ પાર્કના વિસ્તારોમાં મસાઇ લોકો રહે છે અને એટલા માટે જ આંતરરાષ્ટ્રીય પર્યટકો તેમને ત્યાં મોટી સંખ્યામાં જુએ છે. આ પર્યટકોને તો એવું લાગે છે કે આખા કેન્યા અને ટાન્ઝાનિયામાં આવા મસાઇ લેવા લોકો જ રહેતા હશે. પરંતુ વાસ્તવમાં એવું નથી. આ બંને દેશોમાં મસાઇને બાદ કરતા બાકીના લોકો, ખાસ કરીને નાના મોટા શહેરોમાં રહેતા લોકો તો પેન્ટ-શર્ટ પહેરે છે અને દર રવિવારે ચર્ચ જાય છે. તેઓ અંગ્રેજી બોલે છે, અંગ્રેજીમાં ભણે છે અને સામાન્ય રીતે તેમની ભાષા સ્વાહિલી છે. કેન્યાની સ્વાહિલી થોડી મિશ્રિત અને ભ્રંશ છે જયારે ટાન્ઝાનિયાના લોકોની સ્વાહિલી ભાષા વધારે શુદ્ધ અને વિનમ્રતા વાળી ગણાય છે.

મસાઇ લોકોના સંસ્કારમાં આસપાસના વિસ્તારોમાંથી પણ કેટલાય રીતરિવાજો પ્રવેશ્યા છે જેમાં અમુક ઉંમરે લગ્ન કરવાની પ્રથા, સુન્નત પ્રથા વગેરે પણ જોવા મળે છે. સુન્નત પ્રથા કેન્યા અને ટાન્ઝાનિયાની બીજી કેટલીક પ્રજામાં પણ પ્રચલિત છે. કેન્યાના કેટલાક વિસ્તારમાં તો સ્ત્રીના જનનાંગોનું અંગછેદન પણ કરવામાં આવે છે. જો કે કાયદા દ્વારા તો આ કૃત્યને બધા કરવામાં આવ્યું છે પરંતુ પ્રથા તરીકે હજુ પણ તે પ્રવર્તે છે. કેન્યામાં જો કે બહુપત્નીપ્રથા તો કાયદાકીય રીતે વૈદ્ય, માન્ય છે. તેને કારણે ઘણા લોકોને એક કરતા વધારે પત્ની હોય છે અને બાળકો પણ ઘણા હોય છે. શહેરોમાં આ સ્થિતિ બદલાઈ રહી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આવી પ્રથા વધારે જોવા મળે છે. લગ્ન વિના બાળક ધરાવનારી યુવતીઓ પણ ઘણી છે અને તેમની કેટલીક તો શાળા કે કોલેજમાં પ્રેગ્નેટ થાય છે. અહીંના કાયદા અનુસાર અબોર્શન – ગર્ભપાત અવૈધ છે અને વળી અહીંની સામાજિક પ્રથા તથા ખ્રિસ્તી ધર્મની અસરને કારણે પણ લોકો ગર્ભપાત કરાવવાને બદલે બાળક રાખવાનું પસંદ કરે છે અને પરિણામે કુંવારી માતા બનનારી છોકરીઓ પણ સમાજમાં સમ્માનથી રહેતી મળે છે તે સારી વાત છે.