અમેન્ડમેન્ટ – કાયદો હોય કે આયોજન, જરુર હોય તો સુધારો કરી લેવો

કાયદો ઘડવાની પ્રક્રિયા લાંબી અને જટિલ છે. કાયદો ઘડતા પહેલા જાણકાર અને નિષ્ણાતોના મંતવ્યો લેવા પડે. સમાજમાં તેની કેવી અસર પડશે? તેનો અમલ કેવી રીતે કરાવવો?  તત્કાલીન સ્થિતિ માટે તે અનિવાર્ય છે કે કેમ? વગેરે પ્રશ્નો અંગે ઘણો વિચાર કર્યા પછી જ ધારાસભા કાયદો ઘડે છે અને તેને અમલમાં લાવે છે. પરંતુ કાયદો અમલમાં લાવ્યા પછી માલુમ થાય કે તેની ધાર્યા મુજબ અસર થઇ નથી તો? તેમાં કોઈ પરિવર્તન કરવાની જરૂર પડે તો? આવી સ્થિતિમાં કાયદામાં સુધારો – અમેન્ડમેન્ટ કરવામાં આવે છે. આ સુધારો પણ કાયદો ઘડનાર ધારાસભા દ્વારા જ થાય છે અને ત્યાર પછી સુધારાવાળો કાયદો અમલમાં આવે છે. 

જો પુરા દેશમાંથી કે રાજ્યમાંથી ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓ હોય, જનતા અને ક્ષેત્રના નિષ્ણાતોના અભિપ્રાય લીધેલા હોય તેમ છતાંય કાયદામાં સુધારા કરવા પડતા હોય તેવું બને અને ત્યારે જરૂરી હોય તેવા સુધારા વધારા કરીને કાયદાને સંવર્ધિત કરવામાં જ શાણપણ ગણાય તો પછી આપણે અંગત રીતે કોઈ નિર્ણય કર્યો હોય અને તેમાં કઈ ખામી રહી ગયેલી જણાય તો તેમાં સુધારો કરવામાં શું વાંધો? ક્યારેક નાણાકીય આયોજન કરતી વખતે વધારે પડતું કમિટમેન્ટ થઇ ગયું હોય, વધારે મોટા આયોજન બની ગયા હોય અને હવે તેનો અમલ થઇ શકતો ન હોય, સવારે વહેલા ઉઠવાનો ગોલ સેટ થઇ ગયો હોય અને હવે તેનો અમલ થતો ન હોય તો શાણપણ એમાં જ છે કે તેમાં સુધારો કરીને નવું, સંવર્ધિત આયોજન બનાવવું. થોડુંઘણું આઘા પાછું કરીને પણ જો કૈક સારું થતું હોય, સો ટકા નહિ તો સીતેર ટકા પણ પરિણામ મળતું હોય તો પોતાના આયોજનમાં ફેરફાર કરવામાં, તેમાં બાંધછોડ કરવામાં કઈ ખોટું નથી. 

તેવું જ ઘણીવાર સંબંધોની બાબતમાં પણ બને છે. ક્યારેક આપણે કોઈની પાસેથી સર્વગુણ સંપૂર્ણ હોવાની અપેક્ષા રાખી લઈએ છીએ અને પછી કોઈ ખામી દેખાઈ આવે તો સંબંધમાં તિરાડ પડે. વ્યક્તિ આપણા માટે નઠારી થઇ પડે. તેની સાથેનું આપણું વર્તન બદલાઈ જાય. પરંતુ આવી સ્થિતમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય કે શું તે વ્યક્તિ જેવી છે તેવી આપણા માટે હાનિકારક છે? આપણી અપેક્ષા પ્રમાણે ન હોય પરંતુ આપણી લાયકાત પ્રમાણે છે કે નહિ? આપણે ઇચ્છીએ તેટલા સારા વ્યક્તિઓ આપણને જીવનમાં ન પણ મળે, પરંતુ આપણા જીવનમાં બંધ બેસી શકે તેટલા ઠીકઠાક મળ્યા હોય તો પણ સંબંધ સાચવી લેવા જોઈએ. 

આવી જ એક સમસ્યા આવે છે કાર્યસ્થળે. અધિકારીને કે માલિકને ઉત્તમ પ્રકારના અધિનિષ્ઠ કર્મચારી ન મળે ત્યારે તેઓ કચકચ કર્યા કરે છે કે સ્ટાફ સારો નથી મળ્યો. તેને કારણે ઘણીવાર સ્ટાફને તતડાવી નાખે અને સંભળાવ્યા કરે. થોડા દિવસમાં સ્ટાફ કંટાળી જાય અને તેનું કામ પણ બગડે. આખરે ઓફિસનું વાતાવરણ કડવું બને અને કોઈને પણ કામ કરવાની મજા ન આવે. આવી સ્થિતિનો શિકાર થવા કરતા એ વિચારી લેવું કે સ્ટાફ સારો હોય કે ન હોય, તેને બદલવાની સત્તા આપણા હાથમાં છે? આપણે તેની બદલે બીજા કોઈને નોકરીએ રાખી શકીએ તેમ છીએ? જો શક્યતા હોય અને તેના વિના છૂટકો ન હોય તો તરત જ સ્ટાફ બદલીને પોતાની પસંદગીનો સ્ટાફ લાવીને ધાર્યા પ્રમાણે કામ શરુ કરી દેવું. પરંતુ જો એવી શક્યતા ન હોય તો બહેતર એ છે કે જે સ્ટાફ છે તેનામાં જે આવડત છે, જેટલી પણ ક્ષમતા છે તેને સમજીને તેવા પ્રકારનું કામ લેવાનું શરુ કરવું. પોતાની અપેક્ષાને વાસ્તવિકતા પ્રમાણે સેટ કરી લેવી અને કામ ચાલુ રાખવું. એટલે કે પોતાની અપેક્ષાઓને પણ વાસ્તવિકતા પ્રમાણે સંવર્ધિત કરી લેવી જોઈએ. નાહકમાં કોઈને કહ્યા કરવું કે તમને કોમ્પ્યુટર નથી આવડતું અને સંબંધો બગાડવા તેના કરતા કોમ્પ્યુટર સિવાયના કામ સોંપવા અને ધીમે ધીમે કોમ્પ્યુટર શીખાડી દેવું વધારે સારું રહે.