ભારતમાં સુવિધાઓ વધી રહી છે

થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો અમારા જેવા વૃદ્ધ લોકોને સરળતા રહે. તેમની ઉમર સિત્તેરથી વધારે તો પાક્કી જ. મેં તેમને પ્રશ્ન કર્યો કે તેઓ છેલ્લે ભારત ક્યારે ગયેલા? તેમને યાદ નહોતું એટલે કહ્યું કે લગભગ વીસેક વર્ષ થયા હશે. જો તેમને ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલ પ્રગતિ અંગે જાણકારી ન હોય તો નવાઈની વાત નથી કેમ કે તેમને છેલ્લા બે દશકામાં ભારતનો પ્રવાસ નથી કર્યો. શક્ય છે એવા બીજા પણ ભારતીય સમુદાયના સભ્યો હશે જેમનું લાંબા સમયથી પોતાને ગામ જવાનું નહિ થયું હોય. 

તેમના સૌના માટે, અને જે લોકો જતા હશે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનને જોયું હશે તેમની જાણકારી માટે પણ કહી દઉં કે આજે ભારતમાં નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, શહેરી અને ગ્રામ્ય માર્ગોની કુલ મળીને લંબાઈ લગભગ ૫૫ લાખ કિમિ છે, જે પૈકી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨% છે પરંતુ તેના પર ૪૦% જેટલો ટ્રાફિક ચાલે છે. ઉપરાંત, હાઇવે બનાવવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે અને ૨૦૧૮-૧૯ દરમિયાન રોજના ૩૦ કિમીની સરેરાશથી કુલ ૧૦,૮૦૦ કિમિ હાઇવે બન્યા જે પોતાનામાં એક વિક્રમ છે, મોટાભાગના પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ છે અને અત્યારે આવા ૭૪૨ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧ના અંત સુધીમાં ૧૨,૦૦૦ કિમિ રાષ્ટ્રીય ધોરીમાર્ગ – નેશનલ હાઇવે બનાવવાની યોજના છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૩૦,૦૦૦ કિમિ રસ્તાઓ પર્યાવરણને ફાયદાકારક પદ્ધતિ ધરાવતી ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવાયા છે જેમાં પ્લાસ્ટિકનો કચરો વપરાયો છે. આ યોજનાના ત્રીજા તબક્કા અંતર્ગત જ સાવ લાખ કિમિ ગ્રામ્ય રસ્તાઓને પહોળા કરવામાં આવશે.

ભારત સરકારનું લક્ષય રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ વધારીને ૨ લાખ કિમિ સુધી પહોંચાડવાનું છે. ભારતમાલા પરિયોજના હેઠળ ૬૬,૧૦૦ કિમિ જેટલા લાંબા એક્સપ્રેસ વે, ઇકોનોમિક કોરિડોર, બોર્ડર અને કોસ્ટલ માર્ગો બનાવવાનું આયોજન છે જેથી હાઈવેનું નેટવર્ક સુધારે. તે પૂરું થતા ૫૫૦ જિલ્લાઓ હાઇવેથી જોડાશે, પરિવહનની ગતિમાં ૨૦-૨૫% જેટલો વધારો થશે અને પરિવહન ખર્ચમાં લગભગ ૫-૬%નો ઘટાડો થશે.  પ્રથમ તબક્કામાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૪,૮૦૦ કિમીના હાઇવે બનાવાશે અને તેના માટે લગભગ ૮૨ બિલિયન ડોલરનું વિદેશી રોકાણ થશે. આ ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ ૧૦૦% ઓટોમેટિક રૂટ હેઠળ થાય છે અને તેના માટે કોઈ સરકારી પરવાનગીની આવશ્યકતા નથી જેથી કરીને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ ખુબ સફળ રહી છે. આ ક્ષેત્રમાં સરકારે હાઈબ્રીડ એન્યુઈટી મોડેલ શરુ કર્યું છે જેના અંતર્ગત સરકાર અને ખાનગી કંપની વચ્ચે જોખમની વહેંચણી થઇ જાય છે અને પરિણામે કંપનીઓ ઓછા જોખમે નિવેશ કરી શકે છે. 

લંડનમા પશ્મિના પ્રદર્શન

પશ્મિના શાલની ખાસિયત અંગે સૌ કોઈ જાણે છે. પશ્મિના શબ્દ પર્સીયન છે જેનો અર્થ થાય છે ઊનમાંથી બનાવેલું. આ શબ્દ એક ખાસ પ્રકારની કાશ્મીરની શાલ માટે વપરાવા લાગ્યો અને આજે તે એક વિશિષ્ટ પ્રકારની ઊનની શાલ માટે સમાનાર્થી બની ગયો છે. ભારતના લડાખ વિસ્તારમાં ઉછેરવામાં આવતી બકરીઓ કે જેના ઊનમાંથી આ શાલ બનાવવામાં આવે છે તેમને પણ હવે તો પશ્મિના બકરી તરીકે ઓળખવામાં આવે છે. આ બકરીઓ દર વર્ષે વસંતમાં શરીર પરથી વાળ – ઊન ખેરી દે છે. તે સામાન્ય રીતે ૧૦૦-૨૦૦ ગ્રામ જેટલું હોય છે. તેમાંથી હાથ વણાટ કરીને પશ્મિના શાલ બનાવવામાં આવે છે. શાલ બનાવનારા કારીગરો શ્રીનગર અને કાશ્મીરના વિસ્તારોમાં રહે છે, જયારે બકરીઓ ઉછેરનારા વિચરતી જાતિના લોકો લદાખમાં રહે છે. 

આ શાલ ખુબ મુલાયમ અને નાજુક હોય છે અને એટલા માટે તેને હંમેશા લક્ષરી માનવામાં આવી છે. વળી તેના પર હાથકારીગરીનું કામ કરીને કાશ્મીરમાં ખુબ સુંદર શાલ બનાવાય છે. આવી શાલ બનાવતા કારીગરને ઘણીવાર કેટલાય સપ્તાહ નહિ મહિનાઓ પણ લાગી જાય છે. વળી તેના પર જો બારીકાઇ વાળું હાથકારીગરીનું ભરતકામ કરવામાં આવ્યું હોય તો સમય ઘણો વધી જાય છે. એટલા માટે તે થોડી મોંઘી હોય છે. પરંતુ હાથ કારીગરીનો અને કુદરતપ્રદ વૈભવી મુલાયમતાનો તે ઉત્તમ નમૂનો છે. 

આ પશ્મિના હંમેશા કાશ્મીર સાથે સંકળાયેલ રહી છે અને પશ્ચિમી વિશ્વમાં તેનો પરિચય કાશ્મીરી વુલ તરીકે થયો હોવાથી ઘણીવાર તેને કેશમેર પશ્મિના તરીકે પણ ઓળખાય છે. કેશમેર શબ્દ પશ્ચિમી જગતમાં ખુબ પ્રખ્યાત બન્યો છે અને તેને ઘણીવાર કોઈ પણ પ્રકારના મુલાયમ ઊનના કપડાં સાથે સાંકળવામાં આવે છે. 

સુંદર હસ્તવણાટની પશ્મિના અને તેના પર કરાતી કલાકારીગરીના ઉત્તમ નમૂના પ્રદર્શિત કરવાના ઈરાદાથી ભારતીય ઉચ્ચાયોગે તાજ હોટેલમાં પશ્મિના અંગે એક કાર્યક્રમ કર્યો અને ત્યાં પશ્મિનાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર તથા લડાખથી આવેલા ત્રણ પશ્મિના વ્યાપારી તેમજ કલાકાર શ્રીમતી વરુણા આનંદ, શ્રી બાબર અફઝલ અને શ્રી એજાઝ અહમદ પોતાની સાથે પશ્મિના શાલ લાવેલા અને તેને આમંત્રિત મહેમાનો માટે પ્રદર્શનમાં મુકવામાં આવેલી. આ પ્રસંગે શ્રીમતી વરુણા આનંદ અને શ્રી બાબર અફઝલે પશ્મિના બનાવવાની પ્રક્રિયા અને તેની સાથે સંકળાયેલી હસ્તકારીગરીની કલા અંગે વક્તવ્ય પણ આપેલા. 

ભારતમાં આટલી સુંદર હસ્તકલા સદીઓથી વિકસી છે અને તેનો વૈભવી પ્રભાવ દેશવિદેશમાં ફેલાયેલો છે એ બાબત ગૌરવપૂર્ણ છે પરંતુ તેનો વધારે પ્રચાર પ્રસાર થાય અને તેનો નિકાસ વધે અને પશ્મિના બકરી ઉછેરનારા વિચારતી જાતિના લોકો તેમજ વણાટ કરનારા કારીગરોને વધારે રોજગાર અને સંમૃધ્ધિ હાંસલ થાય તે ઉદેશ્યથી ભારતીય ઉચ્ચાયોગે આ પ્રદર્શન અને કાર્યક્રમનું આયોજન કરેલું.  ભારત સરકાર પણ હસ્તકલાને જીવંત રાખવા તથા તેને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ દ્વારા આવશ્યક સહકાર આપે છે.