લંડનની થેમ્સ નદી નીચેથી નિકળતી સિલ્વરટાઉન ટનલ

નદીઓને સંસ્કૃતિના પારણાં કહેવાય છે. મોટાભાગના શહેરોનો વિકાસ નદી કિનારે થયો છે. ન્યુ યોર્ક, પેરિસ, દિલ્હી, અમદાવાદ અને લંડન પણ નદી કિનારે આવેલા શહેરો છે. થેમ્સ નદીના બંને કિનારા પર ભરચક વસ્તી ધરાવતું લંડન શહેર અનેક પુલોની હારમાળાથી નદીને ઓળંગે છે. અમદાવાદમાં જેમ સાબરમતીના બંને કિનારાને જોડતા પુલો બાંધવામાં આવ્યા છે તેવી જ વ્યવસ્થા અહીં છે.

પરંતુ લંડન એટલે લંડનને? તેના રુતબાને છાજે તેવી એક અંડર વોટર ટનલ છે -બ્લેકવેલ ટનલ. તેનાથી નદીના બંને છેડાને જોડતા દૂરના વિસ્તારોને જોડવા સામસામે રસ્તા બનાવવામાં આવ્યા છે. વાહનોને શહેરના ટ્રાફિકમાં આવ્યા વિના જ નદીના તળિયેથી સામે છેડે જવાની સગવડ છે. પરંતુ હવે તો તે પણ ખુબ જામ રહે છે. તેની સમસ્યા દૂર કરવા માટે ગયા સપ્તાહે જ ટ્રાન્સપોર્ટ ફોર લંડન ઓથોરિટીએ નવો કોન્ટ્રાકટ કરીને બીજી અંડર વોટર ટનલ બનાવવાની યોજના કરી છે. સિલ્વરટાઉન ટનલ તેવી જ બીજી યોજના છે જેનો એક બિલિયન પાઉન્ડનો એટલે કે લગભગ દશ હાજર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ રિવરલિન્ક્સ કોન્સોર્ટિયમને મળ્યો છે અને તેને વર્ષ ૨૦૨૫ સુધીમાં તૈયાર થવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં પણ પ્રોજેક્ટમાં મોડું થઇ જાય તેવું બનતું હોય છે. જોઈએ સિલ્વરટાઉન સમયસર તૈયાર થાય છે કે કેમ.

ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં મોટા પ્રોજેક્ટ હાથ ધરવાના હોય તો કોઈ વિવાદ કે વિરોધ ન થાય. અહીં પણ આ પ્રોજેક્ટ ઘણા સમય સુધી વિવાદોમાં અટવાયેલો રહ્યો. પર્યાવરણવિદોનું કહેવું હતું કે આવો પ્રોજેક્ટ કરીને જનતાને વધારે વાહન ચલાવવા પ્રોત્સાહિત કરવાથી લંડનમાં ટ્રાફિક અને પ્રદુષણ વધશે. લંડનના મેયરે કહ્યું કે વાહનો પર ટોલ ટેક્સ નાખીશું જેથી જરૂર હોય તો જ લોકો વાહન લઈને લંડનમાં આવે. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે જયારે આટલી વૈકલ્પિક સુવિધાઓ છે તો પછી શા માટે એટલો મોટો ખર્ચો બીજી ટનલમાં કરવો? જેમ બ્લેકવેલ ટનલ જામ થઇ જાય છે તેમ બીજી પણ થઇ જશે. ટ્રાફિકનું શું છે – તે તો વધ્યા જ કરશે. આવી કેટલીય દલીલો વચ્ચે છેલ્લે પ્રોજેક્ટનો કોન્ટ્રાકટ અપાઈ ગયો છે.

લંડનના મેયર શાદીક ખાને તેની જાહેરાત ગયા અઠવાડિયે કરી. શાદીક ખાન પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા રાજકારણી છે અને અત્યારે અહીંના મેયર છે. ડેપ્યુટી મેયર પદે રાજેશ અગ્રવાલ છે જે ભારતીય મૂળના નાગરિક છે. મૂળે મધ્ય પ્રદેશ રાજ્યના. અહીં ભણવા આવેલા અને પછી અહીં જ સ્થિત થઇ ગયા. હવે ડેપ્યુટી મેયર છે. એ રીતે આ દેશ ઘણો ઉદાર અને સમભાવી ગણાવી શકાય. વિદેશથી આવીને અહીં વસેલા લોકોને પણ રાજકારણમાં ઉચ્ચ હોદાઓ પર જવાની તક મળી રહે છે.