યુકેમાં વધી રહેલા ઓમિક્રોન કેસને કારણે ભારતીય મુસાફરોની સંખ્યા ઘટી

યુકેના ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તેને કારણે અહીંની સરકારે પ્લાન-બી અમલમાં લાવવો પડ્યો છે. ગયા વર્ષે તો શિયાળામાં ડેલ્ટા વેરિએન્ટના કેસ વધવાથી ડિસેમ્બરની શરૂઆતમાં જ યુકીએ લોકડાઉન લગાવી દીધેલું પરંતુ આ વર્ષે ફરીથી લોકડાઉન ન લગાવવું પડે તેવી યોજનાઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સને જાહેરાત કરી કે પ્લાન-બી અનુસાર હવેથી લોકોને રેસ્ટોરન્ટ સિવાયના કોઈ પણ બંધ સ્થળોએ માસ્ક પહેરવા ફરજીયાત છે. લોકોને ઘરેથી કામ કરવાની છૂટછાટ આપવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે અને જેટલું શક્ય હોય તેટલું લોકો ઓફિસ જવાને બદલે ઘરેથી કામ કરે તેવી રજૂઆત છે. ઓમિક્રોન હજુ સુધી વધારે ઘાતક તો સાબિત નથી થયો પરંતુ તેના ફેલાવાનો દર ખુબ ઝડપી છે અને નવા અંદાજ અનુસાર તેના કેસ ૨-૩ દિવસમાં બમણા થાય તેવી સંભાવના છે.

લંડનમાં એક સુંદર કોન્સર્ટ હોલ છે જેનું નામ છે રોયલ અલબર્ટ હોલ. તેમાં ૫૨૦૦થી વધારે લોકોના બેસવાની ક્ષમતા છે અને તે વિશ્વના સૌથી સુંદર અને નામાંકિત કોન્સર્ટ વેન્યુ પૈકીનો એક મનાય છે. તેનું બાંધકામ ઈ.સ. ૧૮૬૭માં શરુ થયેલું અને તેનું ઉદ્ઘાટન ૨૯મી માર્ચ ૧૮૭૧માં મહારાણી વિક્ટોરિયાના હાથે કરવામાં આવેલું. અત્યારે તેની ૧૫૦મી વર્ષગાંઠ મનાવાઇ રહી છે જેથી બહુ નામાંકિત લોકોના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિશ્વના દરેક ખ્યાતનામ કલાકાર માટે ત્યાં પરફોર્મ કરવું એક મોટું સપનું હોય છે અને આ ૧૫૦ વર્ષ દરમિયાન મોટા મોટા બધા જ કલાકારોએ ત્યાં પોતાના કાર્યક્રમો કર્યા છે.

આ હોલનો ઇતિહાસ એવો છે કે ઈ.સ. ૧૮૫૧માં પ્રિન્સ અલબર્ટે હાઇડ પાર્કમાં એક ખુબ મોટું પ્રદર્શન યોજેલું અને તેની સફળતાથી પ્રેરિત થઈને તેમને એક સ્થાયી વ્યવસ્થા તૈયાર કરવાનો પ્રસ્તાવ મુક્યો જે જાહેર જનતા માટે ઉપયોગી થઇ શકે. આ પ્રસ્તાવને આલ્બર્ટોપોલીસ તરીકે ઓળખાવાય છે અને તેના આધારે આ હોલના વિચારનું બીજ રોપાયું. ઉદ્ઘાટન વખતે પ્રિન્સ ઓફ વેલ્સ એડવર્ડે વેલકમ સ્પીચ આપી હતી. ૧૧મી ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ભારતના પ્રખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરના નિધન સમયે રોયલ અલબર્ટ હોલે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પંડિત રવિશંકરે રોયલ અલબર્ટ હોલમાં ૧૭ વખત પરફોર્મન્સ આપેલું અને લોકોએ તેમને ખુબ પસંદ કરેલા.

યુકેમાં અત્યારે સૌ ક્રિસ્મસની તૈયારીમાં લાગી ગયા છે અને ખાસ કરીને ડિસ્કાઉન્ટની સીઝન આવી હોવાથી લોકો શોપિંગ ખુબ કરી રહ્યા છે. ભારતથી આવનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધવા લાગેલી પરંતુ હવે ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોનના આંકડાને લઈને ભારતે યુકેથી આવનારા લોકો માટે ૭ દિવસનું ફરજીયાત ક્વોરેન્ટાઇન લગાવેલું હોવાથી પ્રવાસીઓની સંખ્યા ફરીથી ઘટી ગઈ છે. અહીં ભણવા આવતા વિદ્યાર્થીઓ કે કામ કરવા આવેલા લોકો પરત પોતાના ઘેર વેકેશન કરવા ભારત જાય તે ઠીક પરંતુ તેમના સિવાય ઓછા મુસાફરો ભારતમાં આ વખતે પ્રવાસે જશે તે નક્કી છે.

વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદમાં જાન્યુઆરીમાં યોજાવાનું છે તેના માટે એક ડીલિગેશન યુકે આવેલું અને તેમની કેટલીય મીટિંગ્સ થયેલી જેમાં લોકોનો ખુબ સારો પ્રતિભાવ મળેલો. કેટલાય બિઝનેસ ડીલિગેશન યુકેથી વાઇબ્રન્ટ ગુજરાતમાં આવવા તૈયાર છે પરંતુ જો વાઇરસને કારણે ક્વોરેન્ટાઇન ચાલુ રહે તો ઘણા લોકો વર્ચ્યુઅલી જોઈન કરે એવી સંભાવના વધારે છે.

બર્મિંગહમમાં ૨૦૨૨ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન

યુકેમાં લંડન પછી બીજા નંબરનું સૌથી મોટું શહેર છે બર્મિંગહમ. બંને વચ્ચેનું અંતર લગભગ ૧૧૦ મેલ એટલે લંડનથી લગભગ બે-અઢી કલાકની મુસાફરી થાય. ટ્રાફિક હોય તો સમય વધારે લાગે. વેસ્ટ મિડલેન્ડ ક્ષેત્રમાં આવેલું આ શહેર વ્યાપાર- ઉદ્યોગથી ધમધમે છે.

બર્મિંગહમમાં આવતા વર્ષે ૨૮ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે એટલે ત્યાં જોરશોરથી તૈયાર ચાલી રહી છે. ૧૧ દિવસ ચાલનારા આ રમતોત્સવનો ખર્ચ લગભગ ૩૦૦ મિલિયન પાઉન્ડનો અંદાજવામાં આવ્યો છે અને તે સંપૂર્ણપણે સરકારી તિજોરીમાંથી આવવાનો છે. તેમાં કોમનવેલ્થના કુલ મળીને ૭૨ દેશ અને ટેરીટરીઝ ભાગ લેશે. લગભગ ૬૫૦૦ જેટલા રમતવીરો અને રમત સાથે સંકળાયેલા લોકો આ સમયે બર્મિંગહામ આવશે. રમતોનું ટીવી પ્રસારણ લગભગ ૧.૫ બિલિયન એટલે કે ૧૫૦ કરોડ લોકો જોશે તેવું અનુમાન છે તથા પ્રત્યક્ષ રીતે જોવા માટે ૧૦ લાખ ટિકિટોનું વેંચાણ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ની વેબસાઈટ પર આજથી શરુ થયું છે.

આ રમતોનું આયોજન કરવાની તૈયારી ઘણા સમયથી ચાલુ છે અને તેમાં કુલ મળીને લગભગ ૪૦,૦૦૦ જેટલા લોકો કામ કરશે. રમતો માટે સુવિધા તૈયાર કરવા આ વિસ્તારમાં ૧૪૦૦ જેટલા નવા ઘર બનાવાઈ રહ્યા છે અને કુલ મળીને અહીં થનારી વ્યવસ્થામાં અને તેના પછી વેસ્ટ મિડલેન્ડ વિસ્તારની અર્થવ્યવસ્થાને ૧ બિલિયન પાઉન્ડ જેટલો ફાયદો થશે તેવું અનુમાન છે. વેસ્ટ મિડલેન્ડના વિસ્તારને વધારે વિકસાવવા અને અહીંની અર્થવ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા આ ગેમ્સને એક સાધનરૂપ માનવામાં આવી રહી છે અને તેઓ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ને એક યાદગાર અનુભવમાં બદલવા માંગે છે. અત્યારસુધીની કોમનવેલ્થ ગેમ્સમાં આ સૌથી મોટી હશે અને તેમાં ૧૯ રમતો રાખવામાં આવી છે જેમાં ૮ પેરા-એથ્લેટિક ગેમ્સનો પણ શમાવેશ થાય છે. ઉપરાંત આ સંપૂર્ણ રમતોત્સવ કાર્બન ન્યુટ્રલ થવાનો છે અને તેમાં મહત્તમ અંશે પુનઃપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતોનો ઉપયોગ થશે. રમતોમાં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે અને તેની તૈયારી એ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે જેને લંડન ઓલમ્પિકમાં સંકૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું જેની પાછળનો કુલ ખર્ચ ૧૨ મિલિયન પાઉન્ડ છે.

જે રીતે ઓલમ્પિકની શરૂઆત પહેલા તેની મશાલ ભાગ લેનારા દરેક દેશોમાં મુસાફરી કરે છે તેવી જ રીતે કોમનવેલ્થ ગેમ્સ માટે મહારાણીનું બેટન ભાગ લેનાર દરેક દેશ અને વિસ્તારમાં ફરે છે. આ વખતે આ બેટનની ૨૯૪ દિવસની મુસાફરીની શરૂઆત મહારાણીના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહામ પેલેસથી ૭ મી ઓક્ટોબરે થઇ ગઈ છે. આ બેટન ભારતમાં દિલ્હી અને હૈદરાબાદમાં ૧૨-૧૫ જાન્યુઆરી ૨૦૨૨ના દિવસોમાં આવવાનું છે. કુલ ૧૪૦,૦૦૦ કિલોમીટરની મુસાફરી પુરી કરીને ફરીથી ૨૮મી જુલાઈ ૨૦૨૨ના રમતોત્સવના ઉદ્ઘાટનના દિવસે તે બર્મિંગહામમાં આવશે. લંડનમાં ૧૯૩૪ અને માન્ચેસ્ટરમાં ૨૦૦૨માં કોમનવેલ્થ ગેમ્સ યોજ્યા પછી ઇંગ્લેન્ડ ત્રીજી વખત પોતાની ધરતી પર આ રમતોત્સવ યોજી રહ્યો છે.

આ રમતોત્સવ માટે ઓરિજિનલી દક્ષિણ આફ્રિકાના ડર્બન અને કેનેડાના એડમોંટન શહેરોએ દાવેદારે નોંધાવી હતી. પછીથી કેનેડાએ દાવેદારી ખેંચી લેતા માત્ર ડર્બન બચ્યું હતું અને ગેમ્સ દક્ષિણ આફ્રિકાને ફાળવવામાં આવી હતી. પરંતુ માર્ચ ૨૦૧૭માં દક્ષિણ આફ્રિકાએ આર્થિક સંકટનું કારણ આપીને આ રમતોત્સવનું યજમાન પદ છોડી દીધું. ત્યારબાદ ફરીથી આ રમતોત્સવ યોજવા માટે દાવેદારી મંગાવવામાં આવી અને તેમાં બર્મિંગહામ, લિવરપૂલ, લંડન અને માન્ચેસ્ટર – ચારેય ઇંગ્લેન્ડના શહેરોએ દાવેદારી નોંધાવી. થોડા સમયબાદ વારાફરતી માન્ચેસ્ટર અને લંડને પોતાની દાવેદારી પછી ખેંચી અને તેથી લિવરપૂલ તથા બર્મિંગહામ વચ્ચે જ સ્પર્ધા રહી. આખરે આ બંને શહેરોમાંથી કોમનવેલ્થ ગેમ્સ કમિટીએ બર્મિંગહામના પ્રપોઝલની પસંદગી કરી અને તેને યજમાન પદ આપ્યું. આ રીતે જોઈએ તો બર્મિંગહમને તૈયારી માટે ઘણો ઓછો સમય મળ્યો કહેવાય પરંતુ તૈયારી સારી ચાલી રહી છે અને શહેરમાં તેનો ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે. ભારતથી પણ રમતવીરો આ રમતોત્સવમાં ભાગ લેવા આવશે અને સારી સંખ્યામાં પદક જીતે તેવી આશા રાખીએ.