ચેન્જ ઓફ હાર્ટ – હૃદય પરિવર્તન જેવી પરિસ્થિતિ ક્યારેય તમારી સાથે બની છે?

નારદ મુનિ જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા અને તેને વાલ્યો લૂંટારો મળ્યો જેની સાથે નારદમુનિના સંવાદ બાદ તેણે પોતાની પત્ની અને બાળકોને પૂછ્યું કે શું તેઓ તેના પાપમાં ભાગીદાર થશે? પત્ની અને બાળકોએ ચોખ્ખી ના પડી દીધી કે તેઓ પાપમાં ભાગીદાર નથી અને તે જવાબથી એ લુટારાનું હૃદય પરિવર્તન થઈને તે ઋષિ બની ગયો. વાલ્મિકી ઋષિએ રામની ભક્તિ કરી અને રામાયણ લખી.

સંત તુલસીદાસ કે જેણે આપણને રામચરિત માણસ જેવો સુંદર ગ્રંથ આપ્યો તેના અંગે પણ એક લોકકથા છે. તેઓ પત્ની પ્રેમમાં ઘેલા હતા અને એકવખત પત્ની પિયર ગઈ હતી ત્યારે તેનો વિરહ સહન ન થતા તેઓ વરસાદ અને તોફાનની પરવાહ કર્યા વિના પત્નીને મળવા પહોંચી ગયા. પત્નીએ તેને બતાવ્યું કે તેઓ જેણે દોરડું માનીને ટિંગાઈને તેના રૂમમાં આવ્યા હતા તે ખરેખર સાપ હતો અને જેણે તેમણે હોળી માનીને નદી પર કરી હતી તે વહેતી લાશ હતી. આ ઘટનાથી તેમનો મોહભંગ થયો અને તેમનું હૃદય પરિવર્તન થતા તેઓ સંત બન્યા અને રામભક્તિ તરફ વળ્યાં.

રાજા અશોક ચક્રવર્તી સમ્રાટ હતો અને તે એકપછી એક રાજ્યોને જીતીને મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર કરી રહ્યો હતો. છેલ્લે એક નાનું કલિંગનું રાજ્ય જીતવામાં તેને ખુબ મુશ્કેલી પડી રહી હતી એટલે તે પોતાનું મોટું સૈન્ય લઈને જાતે ચડાઈ કરવા નીકળ્યો. યુદ્ધ થયું અને સમ્રાટ અશોકનો વિજય પણ થયો. પરંતુ બાદમાં જયારે તે યુદ્ધ મેદાન પર નીકળ્યો ત્યારે ત્યાં પડેલા લાશના ઢગલા અને લોહીના ભરાયેલા ખાબોચિયા જોઈને તેને લાગ્યું કે આટલા સંહારથી મળતો વિજય શું કામનો? ત્યાર પછી તેને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને તેને અહિંસા અપનાવી.

આવી તો કેટલીય વાર્તાઓ અને કિસ્સાઓ આપણે હૃદય પરિવર્તન અંગે વાંચ્યા છે અને સાંભળ્યા છે. ક્યારેક ક્યારેક આવા કિસ્સાઓ આપણી નજર સામે અને આપણા સમાજમાં બનતા જોવા મળે છે. હમણાં એક સમાચાર આવ્યા કે એક ચોરે હરિયાણાની હોસ્પિટલમાંથી એક બેગની ચોરી કરી અને પછી તેમાં વેક્સિનના ૧૭૦૦ ડોઝ જોઈને તેનું હૃદય પરિવર્તન થયું અને તે બેગ પછી મૂકી ગયો. તેમાં હિન્દીમાં લખેલી એક ચિઠ્ઠી હતી કે ‘સોરી, ખબર નહોતી કે કોરોનાની દવા છે. આવું હૃદય પરિવર્તન કેટલાય લોકોનું થાય છે અને તેનાથી તેની ખુદની જ નહિ પરંતુ કેટલાય બીજા લોકોની પણ જિંદગી બદલાઈ જતી હોય છે.

આવા કપરા સમયમાં જયારે ચોરને પણ લાગ્યું કે મરાઠી કોરોનાની દવા ન ચોરાય, ત્યારે શું બીજા બધા લોકો આવું મૃદુ હૃદય ધરાવે છે? લોકોને સમજાય છે કે સંગ્રહખોરી આ સમયે ન કરવી જોઈએ? આ સમયે નફાખોરી કરવી પાપ છે એ વાત સૌના નૈતિક મૂલ્યોમાં બેસે છે? જે રીતે પરિસ્થિતિ વકરી રહી છે અને લોકો ચેપનો ભોગ બની રહ્યા છે ત્યારે ખરેખર જેણે જરૂરિયાત હોય તેમના હિતમાં કામ કરવું એ સૌની ફરજ છે. એ માત્ર સરકાર, વહીવટી તંત્ર અને હોસ્પિટલ જ નહિ પરંતુ સમાજના દરેક વ્યક્તિ માટે આવશ્યક બની જાય છે કે તેઓ પોતાનું હૃદય પરિવર્તન કરે અને સૌની સુરક્ષા જળવાય તેમ વર્તે.

તમે સાંજે મિત્રને મળવા જવા માટે નવું ટીશર્ટ પહેર્યું હોય અને બાઈક ચાલુ કરીને આંગણામાંથી બહાર કાઢ્યું હોય ત્યારે સામેના ઘરની બારીમાંથી દેખાતા માસીને જોઈને એકવાર વિચાર કરવો કરવો પડશે કે જો તમે કોઈ રીતે વાઇરસ મહોલ્લામાં લાવશો તો તેમનું શું થશે? તમારી તો રોગપ્રતીકારકતા કદાચ સારી નીવડે પરંતુ બધા લોકો શું આ ખતરનાક અદ્રશ્ય દુશ્મનનો સામનો કરી શકશે? જરૂરી છે આ સમયે તમારું હૃદય પરિવર્તન થાય અને તમે બાઇકને વાળીને પાછું આંગણામાં મૂકી અને ઘરમાં પરિવાર સાથે બેસીને કોઈ કોમેડી ફિલ્મ જોઈ લો અથવા તો મિત્ર સાથે વિડિઓ કોલ પર વાત કરી લો. આજના સમયમાં જે વ્યક્તિનું આવું હૃદય પરિવર્તન થાય તેને સમ્રાટ અશોકના હૃદયપરિવર્તન સમાન ગણી શકાય અને તેને હિંસાનો સદંતર ત્યાગ કરીને જીવનદાન માટે પ્રયત્ન કર્યો ગણાય.

વિચારી જુએ કે તમારે પણ ક્યાં ક્યાં હૃદય પરિવર્તન કરવાની આવશ્યકતા છે અને તેનાથી તમારી જ નહિ પરંતુ બીજાની ઝીંદગીમાં પણ શું ફાયદો થાય તેમ છે?

Don’t miss new articles