બાળપણમાં શીખેલી વાતો આપણા મન પર ઊંડી અસર જન્માવતી હોય છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો તો મોટાભાગની મનોવૃત્તિઓને બાળપણના અનુભવોનું પરિણામ ગણાવે છે. કોઈ સીરીઅલ કિલર હોય કે પછી હતાશ વ્યક્તિ, મનોચિકિત્સકો વ્યક્તિના બાળપણનું વિશ્લેષણ જરૂર કરે છે. કોઈ વ્યક્તિ સફળતાનાં શિખરો સર કરે તો પણ તેના બાળપણની આદતો અને આવડતો અંગે ચર્ચા અવશ્ય થાય છે. તેનું કારણ એ છે કે વ્યક્તિના બાળમાનસ પર પડેલા સંસ્કારો ઘણા મજબૂત હોય છે અને તે શેષ જીવન માટે પાયારૂપ બને છે. બીજી રીતે કહીએ તો બાળપણમાં જે રંગે મન રંગાયેલું હોય તે રંગે આપણે દુનિયાને જોતા શીખીએ છીએ. મોટા થયા બાદ પણ આપણા અનુભવોને બાળપણમાં થયેલા અનુભવોના પરિપ્રેક્ષ્યમાં સરખાવીએ છીએ અને તેના આધારે જ કોઈ નિર્ણય કરીએ છીએ.

એક વ્યક્તિ ખુબ દારિદ્ર્યમાંથી ઉઠીને, મહેનત કરીને આગળ વધ્યો અને આડેધ વયે પહોંચતા સુધીમાં તો બે કારખાનાનો માલિક પણ બની ગયો. પરંતુ આજે પણ તે રોટલી સાથે ડુંગળી અને ચટણી લઈને જ જમતો – તેને લાગતું કે દુઃખના દિવસો ભૂલીને સુખમાં રાચવા માંડવું નહિ કેમ કે ખબર નહિ ક્યારે દિવસ બદલાઈ જાય. આ ડર તેના મનમાં સતત રહ્યા કરતો. તેના બાળકો મોટા થયા ત્યારે પણ હંમેશા તે આવી જ વાતો કર્યાં કરે. જીવ્યો ત્યાં સુધી તેનું મન બાળપણની ગરીબીમાંથી મુક્ત થઇ શક્યું નહિ. આવી મનોસ્થિતિ કેટલાય લોકોની હોય છે. તેનું કારણ એ છે કે વ્યક્તિની મનોસ્થિતિ બાળપણમાં થયેલા અનુભવોથી પ્રભાવિત છે.

જે વ્યક્તિનું બાળપણ દુઃખમાં વીત્યું હોય તે સુખ આવ્યા બાદ પણ દુઃખની સ્થિતિને મનમાંથી કાઢી શક્તિ નથી. સુખદ સ્થિતિમાં તે સ્થિરતા અનુભવવાને બદલે દુઃખનો ડર મનમાં સેવે છે. પરિણામ સ્વરૂપે તેનું વર્તન બેમાંથી એક પ્રકારનું રહે છે – તે સુખને જલ્દી ભોગવી લેવા માંગે છે કેમ કે તેને ડર હોય છે કે ખબર નહિ ક્યારે દિવસો બદલાય જાય – અથવા તો સુખમાં પણ તે એવી રીતે વર્તે છે કે હજુ દુઃખના દહાડા પુરા ન થયા હોય અને એવું માને છે કે જૂનો સમય ભૂલવો ન જોઈએ.

તેવી જ રીતે જેણે બાળપણમાં અત્યાચાર કે કપરી પરિસ્થિતિ સહન કરી હોય તે મનમાં એક આક્રોશ લઈને જીવે છે, ગુસ્સો અને ક્રોધ તેના મગજમાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે. તેવી વ્યક્તિ કોઈનો સરળતાથી વિશ્વાસ કરી શકતી નથી. કોઈ તેને મદદ પણ કરવા ઈચ્છે તો તેને લાગે છે કે તેમાં જરૂર કોઈ સ્વાર્થ હોવો જોઈએ નહિ તો કોઈ શા માટે મારી મદદ કરવા આવે? તેને દરેક વ્યક્તિની અંદર કોઈ ખરાબ શેતાન હોવાની આશંકા રહ્યા કરે છે. જો એ વ્યક્તિનું શારીરિક શોષણ થયું હોય તો કોઈની સાથે પ્રેમ સંબંધ બાંધવામાં અને લગ્ન જીવનમાં પણ તકલીફ ઊભી થાય છે. વ્યક્તિ દોસ્ત બનાવવામાં નિષ્ફળ રહે છે અને સામાજિક વર્તન નબળું રહે છે. લોકોની વચ્ચે તે વ્યક્તિ સહેલાઈથી સમાયોજન કરી શકતી નથી.

શું આવી બાળપણથી મગજ પર પડેલી છાપ બદલી શકાય છે? તેની નકારાત્મક અસર હટાવીને તેના સ્થાને સકારાત્મક અસર ઊભી કરવી શક્ય છે? હા, તાલીમબદ્ધ મનોવૈજ્ઞાનિક આ કામ કરી શકે છે. મનમાં ભરાયેલા નકારાત્મક અનુભવોને ધીમે ધીમે ઓળખીને તેમનું એવી રીતે સમાધાન કરી શકાય કે વ્યક્તિ તેના સકંજામાંથી બહાર નીકળીને મુક્ત મને જીવન જીવી શકે અને સકારાત્મક વિચારસરણી વિકસાવી શકે.

Don’t miss new articles