કેન્યામાં ક્રિસ્મસનો માહોલ છે. અહીંની સાડા પાંચ કરોડની વસ્તીમાં ૮૫% જેટલા લોકો ખ્રિસ્તી ધર્મ પાડે છે અને તેમાં બહુમતી પ્રોટેસ્ટન્ટ ક્રિશ્ચિયન છે. લગભગ ૧૦% જેટલા લોકો મુસ્લિમ છે, એક ટકાથી ઓછા લોકો તેમની પ્રાચીન પરંપરા પ્રમાણે જીવે છે તથા ૦.૧૫ ટકા જેટલા લોકો હિન્દૂ છે. સ્પષ્ટ છે કે ખ્રિસ્તી મિશનરીઓએ અહીંના ટ્રાઇબલ લોકોને વટલાવીને ખ્રિસ્તી બનાવેલા. અહીં બ્રિટિશ હુકુમત રહેલી જેથી પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીનો પ્રભાવ વધારે રહ્યો.
આ કારણથી ક્રિસમસનો તહેવાર અહીંનો મુખ્ય તહેવાર છે જેને કારણે અત્યારે માહોલ એકદમ ઠંડો છે, રજાઓની અસર દેખાય છે. રોડ ખાલી છે. લોકો ફરવા માટે વિદેશમાં કે પછી પોતપોતાના ગામડે કે પછી કોઈ અન્ય પર્યટનના સ્થળે જતા રહ્યા છે. નૈરોબીનો ટ્રાફિક શાંત થઇ ગયો છે. લગભગ ૩ જાન્યુઆરી સુધી આવી શાંતિ છવાયેલી રહેશે.
અહીંની ક્રિસ્મસની એક ખાસ વાત એ છે કે તે ગરમીમાં આવે છે. કેન્યા વિષુવવૃત પર આવેલું હોવાથી અહીં ડિસેમ્બરમાં ગરમી અને જૂનમાં ઠંડી હોય છે. જો કે ગરમી પણ કઈ એટલી હોતી નથી કે પંખા ચલાવવા પડે. ન તો એટલી ઠંડી હોય છે કે સ્વેટરની જરૂર પડે. ખુશનુમા કહી શકાય તેવું તેમ છતાંય ગરમી અને ઠંડીની અસર વર્તાય તેવું વાતાવરણ હંમેશા રહે છે અને વચ્ચે વચ્ચે વરસાદના ઝાંપટા આવતા રહે છે. મૉંબાસાના બીચ પર અત્યારે લોકો વેકેશન કરવા, ક્રિસ્મસ સેલિબ્રેટ કરવા એકઠા થયા હશે. ત્યાં કેટલાક યુરોપીઅન સ્ટાઇલના ગામ છે જ્યાં વિદેશી લોકો જાય છે અને પરિવાર સાથે વેકેશન માણે છે.
સાંસ્કૃતિક પ્રભાવ અંગે કેન્યા અને બીજા કેટલાક આફ્રિકાના દેશોનો અભ્યાસ કરવા જેવો છે. ભારતના લોકો અહીં વર્ષોથી આવતા રહે છે. ચાર-પાંચ સદીઓથી ભારત અને પૂર્વ આફ્રિકાના કિનારે વેપાર ચાલતો રહ્યો છે. કેટલાક દસ્તાવેજો અનુસાર દાઉદી બોહરા મુસ્લિમ લોકો અહીં ચાર-પાંચ સદીઓથી વસ્યા છે. ભારતના બીજા લોકો, ખાસ કરીને ગુજરાતીઓ અહીં રેલવે બનવાનું શરુ થયું ત્યારથી આવીને વસ્યા છે. સવા સો વર્ષ જેટલા લાંબા સમયથી તેમના વસવાટની અસર અહીંની સંસ્કૃતિ પર વર્તાય છે. પરંતુ ધર્મની બાબતમાં ખ્રિસ્તીઓનો પ્રભાવ એટલો મજબૂત રહ્યો કે ૮૫% લોકોએ તેમનો ધર્મ અંગીકાર કર્યો. લોકોના નામ પણ પીટર, જ્હોન, મેરી વગેરે જેવા હોય છે. ભાગ્યે જ કોઈ એવું દેખાય છે કે જેણે હિન્દુત્વ અપનાવ્યું હોય. ઇસ્કોનના મંદિરમાં કેટલાક આફ્રિકી લોકો દેખાય છે. સ્વામિનારાયણના મંદિરોમાં પણ તેઓ આવતા હોય છે. શીખ ધર્મનો પ્રભાવ પણ ઠીક છે. કેટલાક કેન્યન આફ્રિકન લોકોએ શીખ ધર્મ અંગીકાર કર્યો છે. તેમને અહીં કાલા-સીંગા કહે છે. જો કે કેટલાય લોકો અહીં ગુજરાતી સમજે છે અને ક્યારેક ક્યારેક થોડી ઘણી ગુજરાતી બોલે પણ છે.
કેન્યાના લોકોંની એક ખાસિયત એ છે કે તેઓ જંગલ સફારી કરતા થાકતા નથી. જયારે પણ તક મળે ત્યારે જંગલમાં પ્રાણીઓ જોવા સફારી કરવા નીકળી પડે છે. પ્રાણીઓ અંગે તેમનો રસ અને માહિતી ખુબ સારા હોય છે. લોકો તો પ્રાણીઓને નામથી ઓળખે છે. હાથી, સિંહ કે દીપડાનું નામ, તેના બચ્ચાનું નામ, તેમની ઉમર, વગેરે પણ કેટલાય ટુર ગાઈડ અને પ્રવાસીઓ જાણતા હોય છે. તેમના જીવન અંગે પૂરો ઇન્ટરેસ્ટ લે છે. નૈરોબી નેશનલ પાર્કમાં એક સ્થળે હાથીદાંતની સળગાવીને સ્મારક બનાવવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સ્થળે પૂર્વ રાષ્ટ્રપતિ ડેનિયલ મોઇ દ્વારા ૧૨ ટન હાથીદાંત સળગાવવામાં આવ્યા હતા. આ બધા જ હાથીદાંત સ્મગલર અને શિકારીઓ પાસેથી જપ્ત થયેલા હતા. આ રીતે હાથીદાંતની સળગાવીને કેન્યાએ શિકાર અને સ્મગલિંગ પ્રત્યેની પાબંધીનો સંદેશ આપેલો. કોઈ પણ રીતે શિકાર માટે સહનશીલતા ન દાખવવાનો સંદેશ આપતું આ સ્મારક આજે પણ નૈરોબી નેશનલ પાર્કમાં છે.