આપણે લગભગ લોકડાઉનના આખરી તબક્કે આવી ઉભા હોયએ તેવું લાગી રહ્યું છે. સરકાર બધી જ પ્રવૃતિઓ બંધ રાખીને આપણને ઘરમાં બેસી રહેવાનું કેટલો સમય કહે? ક્યારેક તો બહાર નીકળવું જ પડશે. હજુ કોરોનાની રસી કે સચોટ ઈલાજ મળ્યો નથી અને સપ્ટેમ્બર પહેલા રસી તૈયાર થાય તેવું લાગતું નથી. માટે ધીમે ધીમે આર્થિક અને સામાજિક પ્રવૃતિઓ ચાલુ કરવા તરફ બધા દેશો આગળ વધી રહ્યા છે. ખાસ કરીને એ દેશો કે જેમને ત્યાં પ્રથમ peak આવી ગયું છે અને હવે કોરોનગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે બીજી વખત peak આવી શકે તે વાતને કોઈ નકારી શકે તેમ નથી. 


જો આપણે ત્યાં લોકડાઉન હળવું બને અને કેટલીક પ્રવૃતિઓ શરુ થાય તો તે કોરોનાનો આખરી તબક્કો નથી એ વાત યાદ રાખવી. સરકાર આપણને ઘરની બહાર નીકળવાની છૂટ આપી દે પરંતુ વાઇરસ સામે રક્ષણ નહિ આપી શકે. તે તો આપણે જાતે જ કરવું પડશે. કેટલીક એવી બાબતો જે આપણને સરકાર પણ કહેશે અને બીજા નિષ્ણાતો પણ કહેશે પરંતુ તેમ છતાંય અહીં એક વાર લખવામાં કોઈ વાંધો નથી તેવું માનીને યાદ કરી લઈએ. આવી ધ્યાન રાખવા જેવી બાબતો નીચે નોંધી છે. તમે લોકો તેમાં ઉમેરો કરી શકો છો. 


૧. આવશ્યક હોય તો જ બહાર નીકળવું: સરકાર છૂટછાટ આપે તો પણ જરૂર વિના બહાર જવાનું ટાળવું. વાઇરસ દેખાતો નથી. કોઈને ચેપ હોય તો લક્ષણો પણ ન દેખાય તેવું બને. ક્યાંથી વાઇરસ લાગે તે કહેવાય નહિ. માટે આવશ્યક હોય તો જ બહાર જવું. 


૨. લોકોને મળવાનું ટાળો: ફોનથી પતાવો. જરૂરી ન હોય તો મળો નહિ. પ્રેમભાવ બતાવવા મળવું જરૂરી નથી. તેમ છતાં જો પ્લાન કરવો જ પડે તેમ હોય તો નિશ્ચિત કરી લો કે મળનાર બધી જ વ્યક્તિઓ, તેમના પરિવારજનો કોરોનાના દર્દીના સંપર્કમાં આવ્યા નથી. 


૩. હાથ ખીસામાં રાખીને ચાલો: આપણી આદત હોય છે કે હાલતાં-ચાલતા રેલિંગ કે દીવાલને હાથ લગાડીએ. ક્યારેક ટેબલ પર હાથ લગાડીએ. આ બધું અટકાવવા હાથ હંમેશા ખીસામાં રાખવાની આદત પાડી લો. સીડી ચડતા ઉતારતા, ટ્રેન કે બસમાં ચડતા, જરૂર ન હોય તો ટેકો લેવા માટે પણ હાથ કોઈ સપાટીને લગાડવો નહિ. તેનાથી મોં કે નાક પર પણ હાથ નહિ લગાડીએ. પુરુષોએ મૂછોને તાવ દેવાનું મુલ્તવી રાખવું અને સ્ત્રીઓએ ગાલે હાથ દઈને લટકા કરવાનું થોડો સમય ટાળવું. 


૪. બાળકોનું ખાસ ધ્યાન રાખો: બાળકો એકલા પડી જાય અને મિત્રો સાથે રમવાની ઈચ્છા કરે તેવું બને. તેમનો વાંક નથી. એકાદવાર આયોજન કરી શકાય. પરંતુ જેમની સાથે રમવા મળવાના છે તેનો પૂરો પરિવાર ચેપમુક્ત છે તે નિશ્ચિત કરવું. બાળકો પર નજર રાખવી. સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનું પાલન કરાવવું. 


૫. ખોટા ભ્રમમાં ન રહેશો: નકામા વોટ્સએપ મેસેજ વાંચીને નુસ્ખાઓ અપનાવશો નહિ. વૈજ્ઞાનિકોની સલાહ પ્રમાણે જ વર્તજો. કોઈ જ ઇમ્યુનીટી એવી નથી કે જે કોરોનાથી સંપૂર્ણ રક્ષણ આપી શકે. ચ્યવનપ્રાશ ખાઈને પોતાને સુપરમેન કે વન્ડરવુમન માનવાની જરૂર નથી. 


૬. શક્ય હોય તો ઘરેથી કામ કરવાનું ચાલુ રાખો: ઘેર બેઠા પૈસાનો ચેક મળે તેવું માર્ગદર્શન અપાતી કેટલીય ચોપડીઓ અને વીડિયો લાખોની સંખ્યામાં વેંચાતા. લોકો આવી નોકરી કરવાનું સપનું જોતા. મોટા ભાગના લોકોનું આ સપનું પૂરું થયું છે. હવે દુઃખી થવાને બદલે તેને જીવાય એટલું જીવી લો. 


૭. ડરપોક ન બનો: આ બધી સાવચેતીની જરૂર રાખશો પરંતુ ડરપોક ન બનશો. કોરોના તમારી રાહ જોઈને બેઠો નથી કે બહાર નીકળશો કે તરત જ ચોંટી જશે. સામાન્ય જીવન જીવવાની શરૂઆત ધીમે ધીમે કરવી જ પડશે. માત્ર કેટલીક આદતો બદલી દો. 

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *