યુકેના પ્રધાનમંત્રી શ્રી બોરિસ જોહન્સન તાજેતરમાં સમાપ્ત થયેલ COP 26 અને તેમાંથી મળેલ સફળતાથી ખુશ છે. યુનાઇટેડ નેશન્સના નેજા હેઠળ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે કે COP ની આ ૨૬મી બેઠક હતી જેનું મુખ્ય ફોકસ પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ છે. આ વર્ષે યુકે આ મીટીંગનું યજમાન દેશ હતું અને એટલે પોતાની નેતાગીરી હેઠળ જેટલું વધારે સારું પરિણામ મળી શકે તે મેળવવા બોરિસ જોહન્સન પ્રયત્નરત હતા. ક્લાઈમેટ ચેન્જ ખરેખર વિશ્વ સામે આવી ઉભેલો મોટો પ્રશ્ન છે અને તેની સામે લડવા બધા દેશોએ સાથે મળીને નિર્ણય લેવો પડશે તેવી નીતિ સાથે આ સમગ્ર કોન્ફરન્સનું આયોજન થયેલું. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થયેલ આ કોન્ફરસમાં હજારો લોકો આવેલા અને કેટલાય દેશોના નેતાઓ પણ હાજર હતા. તેમાં ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની હાજરી બોરિસ જોહન્સન માટે ખુબ મહત્ત્વની હતી કેમ કે વિશ્વના સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ તરીકે ચીન અને ભારત દ્વારા કરવામાં આવતા કમિટમેન્ટ દ્વારા જ ખરેખર એ નક્કી થાય કે આપણે કેટલી જલ્દી આ પ્રશ્નનું નિરાકરણ શોધી શકીશું.

ભારતીય વડાપ્રધાન બે દિવસ માટે ગ્લાસગો આવ્યા અને ત્યાં વર્ષ ૨૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝીરો એટલા કે કાર્બન ન્યુટ્રલ કરવાની જાહેરાત કરી. આ બોરિસ જોહન્સન માટે તો ખુબ ગર્વની વાત બની ગઈ કેમ કે કોન્ફરન્સમાં ચીનના પ્રેસિડેન્ટ અને રશિયાના પ્રેસિડેન્ટ હાજર નહોતા. તુર્કીશ પ્રેસિડેન્ટ પણ હાજર નહોતા અને અમેરિકન પ્રેસિડેન્ટ જો બાયડને કોઈ મોટી જાહેરાત કરી નહોતી. નોંધનીય છે કે યુકેએ ૨૦૫૦ સુધીમાં નેટ ઝીરોની જાહેરાત કરી છે. યુરોપિયન યુનિયને અને અમેરિકાએ પણ ૨૦૫૦ સુધીમાં નેટ ઝીરો પહોંચવાની આશા જતાવી છે – કમિટમેન્ટ નથી કર્યાં. ચીને વર્ષ ૨૦૬૦ સુધીમાં નેટ ઝીરોની જાહેરાત અમેરિકી પ્રમુખ જો બાયડને કરેલી કોન્ફરન્સમાં કરી હતી. જો કે ભારતે એવું કહ્યું છે કે તેને વિકસિત દેશો તરફથી નાણાકીય સહકાર મળશે તો ૨૦૭૦ પહેલા પણ નેટ ઝીરોનો ગોલ હાંસલ કરવો શક્ય છે.

વર્ષ ૨૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝીરો બનાવવા ઉપરાંત વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગા વોટ ઉર્જા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી મેળવવાની જાહેરાત, ૨૦૩૦ સુધીમાં ૧ બિલિયન ટન કાર્બન કાર્બન ઉત્સર્જન ઘટાડવાની જાહેરાત, ૨૦૩૦ સુધીમાં ૫૦% ઉર્જા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી ઉત્પાદિત કરવાની જાહેરાત તથા ૨૦૩૦ સુધીમાં ઉત્સર્જનને જીડીપીના ૪૫% સુધી ઘટાડવાની જાહેરાતોથી વિશ્વને એક આશા જાગી છે કે આ પૃથ્વી પર માનવજાતિને બચાવી શકાય તેની શક્યતા છે. પ્રધાનમંત્રીશ્રીએ આ જાહેરાતોને પંચામૃત કહી છે.

આમ તો ભારત કુલ કાર્બન ઉત્સર્જનની દ્રષ્ટિએ વિશ્વમાં ચીન, અમેરિકા અને યુરોપીઅન યુનિયન પછી ચોથા ક્રમે આવે છે પરંતુ પ્રતિ વ્યક્તિ ભારતમાં કાર્બન ઉત્સર્જન ઘણું ઓછું છે. વર્ષ ૨૦૧૯માં ભારતે પ્રતિ વ્યક્તિ ૧.૯ ટન કાર્બન ઉત્સર્જન કરેલું જયારે અમેરિકામાં ૧૫.૫ અને રશિયામાં ૧૨.૫ ટન કાર્બન ઉત્સર્જન હતું. આ રીતે જોતા ભારતે પોતાના દરેક વ્યક્તિને જરૂરી સુવિધા પુરી પાડવા જેટલી ઔદ્યોગિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે તેના કરતા ઘણી ઓછી થઇ રહી છે. ઉપરાંત, એક દલીલ એવી પણ છે કે ઐતિહાસિક રીતે ભારતની ઔદ્યોગિક ક્રાંતિ બહુ મોડી શરુ થઇ એટલા માટે અત્યાર સુધીમાં પર્યાવરણમાં કાર્બનનું સ્તર વધારવા એ દેશો જવાબદાર છે જેઓએ દોઢસો બસ્સો વર્ષથી ઔદ્યોગિક પ્રદુષણ કર્યું છે.

યુકેના પ્રધાનમંત્રીએ અમુક સમય પહેલા ૧૦ પોઈન્ટનો ગ્રીન પ્લાન રજુ કરેલો અને તેમાં વાહનો દ્વારા થતું પ્રદુષણ ઘટાડવા લોકોને સાઇકલ ચલાવવા અપીલ કરેલી. સેન્ટ્રલ લંડનમાં ટ્રાફિક ઘટાડવા અહીંની સ્થાનિક સરકારે ઘણા સમયથી વાહનો પર ચાર્જ લગાવવાનું શરુ કર્યું છે જેથી કોઈને કાર લઈને આવવું હોય તો કન્જેશન ચાર્જ આપવો પડે છે. ઉપરાંત અહીં પ્રદુષણ ઘટાડવા પાંચ વર્ષથી જુના વાહન હોય તો અલ્ટ્રા લો એમિશન ઝોનમાં દાખલ થવાનો ચાર્જ અલગથી આપવો પડે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ સેન્ટ્રલ લંડનમાં પોતાની પાંચ વર્ષથી જૂની કાર લઈને દાખલ થાય તો બંને મળીને તેને ૨૪ કલાકના લગભગ સાડાત્રણ હજાર રૂપિયાનો ચાર્જ ભરવો પડે. એકદિવસથી વધારે રહે તો એટલો જ ચાર્જ ફરીથી ભરવો પડે. આવું કરવાનો ઉદેશ્ય સેન્ટ્રલ લંડનમાં લોકોને કાર લાવવાથી અટકાવવાનો અને તેને બદલે બસ કે મેટ્રો કે ટેક્ષીનો ઉપયોગ કરવાનો આગ્રહ કરવાનો છે. ઉપરાંત લોકોને સુવિધા પુરી પાડવા સાઇકલ ભાડે મળે છે. તે સ્ટેન્ડ પર રાખેલી હોય છે. વાપરનારે મોબાઈલ પર એપ ડાઉનલોડ કરીને તે સાઇકલ લઇ શકાય અને પછી કોઈ પણ સ્થળે તેના નિશ્ચિત સ્ટેન્ડ પર પછી મૂકી શકાય. તેનું ભાડું ઘણું ઓછું હોય છે. બાળકો જેના પર રમતા હોય છે તેવા નાના નાના પૈડાં વાળા ઇલેક્ટ્રિક સ્કૂટર પણ ભાડે મળે છે અને લોકો તેનો પણ ઉપયોગ કરતા દેખાય છે. આ રીતે યુકેના સૌથી મોટા શહેર લંડનમાં ટ્રાફિક અને પ્રદુષણ ઓછું કરવાના પગલાં લેવાઈ રહ્યા છે. તેનું અનુસરણ કરીને બીજા શહેરો પણ જરૂરિયાત મુજબ અમલ શરુ કરે છે.

Don’t miss new articles