જયારે બધું સારું સારું ચાલતું હોય, આપણે મોટા મોટા આયોજન કરીને બેઠા હોઈએ ત્યારે અચાનક જ કૈંક એવું બની જાય કે બધા પ્લાન પર પાણી ફરી વળે. એવું આપણા સૌની સાથે ક્યારેક ને ક્યારેક થતું હોય છે. યુએસએ અને ચાઈના જયારે એકબીજા સાથે ટ્રેડ વોર દ્વારા વધારે વ્યાપારી લાભો મેળવવાના પ્રયત્નો કરી રહ્યા હતા ત્યારે તેમને શું અંદાજ હશે કે ૨૦૧૯ના અંતમાં કોરોના વાઇરસ આવો ત્રાહિમામ સર્જશે?

માનવીની જિંદગી અને તેની સામે આવી ચડતી ચેલેન્જ – જેમ કે કોરોના વાઈરસ – ચેતવ્યા વિના જ આવે છે. સમયે સમયે આવી તો અનેક ચેલેન્જ જીવનમા આવી જાય છે અને આપણે શક્તિ અનુસાર તેમનો સામનો કરતા રહીએ છીએ. શા માટે અને કોની સામે લડવાનું છે તે પણ નક્કી ન હોય ત્યારે સતત ચાલતી આવી લડાઈઓમા ક્યારેક થાકી પણ જવાય. તલવાર અને ઢાલ છોડી દવાનું મન થઈ જાય તેવુ પણ બને. સ્વ. કવિ શ્રી ચીનુ મોદીએ લખ્યુ’તુ ને, “ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે, થાકી જવાનુ કાયમ તલવાર તાણી તાણી” તેવુ આપણી સાથે પણ થાય.

પરંતુ આવા સમયે બસ એક વાત યાદ આવી જાય છે કે સૃષ્ટિનો ક્રમ છે, નિયમ છે, સરપ્રાઇઝ આપવાનો. સરપ્રાઈઝ ટેસ્ટ લેવાનો. ઠીક છે, ક્યારેક સારા માર્ક આવે અને ક્યારેક નબળું પરિણામ પણ આવે. પણ અચાનક ક્લાસ ટીચર ટેસ્ટ પેપર આપી દે ત્યારે તેને લખ્યા વિના છૂટકો ખરો? એક જ ઉપાય હોય છે આ સમયે – આવડે તેટલુ લખો. જો કે રિયલ લાઈફની ટેસ્ટમા એક ફાયદો પણ છે – બીજાના જવાબ જોઇ શકાય. કોપી કરી શકાય. કોઇકનાં જીવનમાંથી શીખવાની, ઇતિહાસમાંથી શીખવાની છૂટ મળે છે. અને આ વાતનો આપણે ભરપુર ફાયદો ઉઠાવવો જોઇએ. મહાન વ્યક્તિના જીવનચરિત્રો વાંચવા જોઈએ. તેમાંથી શીખવું જોઈએ. ઇતિહાસ વાંચવો જોઈએ. તેમાંથી બોધપાઠ લેવો જોઈએ.

પરંતુ અત્યારે જે પરિસ્થિત આપણી સામે આવી ઊભી છે તે સંપુર્ણ માનવજાતની સરપ્રાઇઝ ટેસ્ટ છે અને તેને પાસ કરવા કોઇ એક વ્યક્તિ કે સમુહે નહિ પરંતુ સમગ્ર વિશ્વએ સાથે મળીને જવાબ શોધવાનાં છે. સૌએ પોતાનાથી બને તેટલાં પ્રયત્નો કરવાનાં છે. પ્રિવેન્ટિવ – અટકાયતી પગલાં ભરવાથી માંડીને ક્યુરેટિવ – રોગનિવારક પ્રયત્નો આચરવા પડશે. એકબીજાને સહકાર આપવો પડશે. સીમા અને સમુદાયના તફાવતો ભૂલીને એકબીજાને મદદરૂપ કેવી રીતે બની શકાય તે વિચારવું પડશે. વિદેશ પ્રવાસ આવશ્યક ન હોય તો અટકાવવો. વિદેશથી આવેલી વ્યક્તિએ જાતે જ અન્ય લોકોનો સંપર્ક ઘટાડવો અને જ્યાં સુધી સલામતીની ખાતરી ન થાય ત્યાં સુધી જાહેર અને ભીડભાડ વાળા સ્થળોએ જવાનું રિસ્ક ન લેવું જોઈએ. વાઇરસની રસી તો એટલી જલ્દી શોધવી મુશ્કેલ છે. ખબર નહિ કેટલી જલ્દી આ ખતરો ટાળી શકાશે અને તે પહેલા કેટલા લોકોના જીવ જશે કે જોખમમાં મુકાશે તે કહેવું મુશ્કેલ છે. આ સમયે માત્ર પ્રાર્થના જ કરી શકાય.

પરંતુ આવા ખાતર માનવજાત સામે અનેકવાર આવ્યા છે અને તેમાંથી આપણે ઉગરી ગયા છીએ. એટલે જ આજે આપણી વસ્તી ૭ અબજથી વધારે છે. જો કે આટલી ઝડપથી વસ્તી વધી છે તે પણ એક ખતરો જ છે અને કોઈ વાઇરસ નહિ તો આપણે પોતે જ પૃથ્વીને અને પર્યાવરણને જે રીતે નુકશાન કરી રહ્યા છીએ તે એક પ્રકારનું સુસાઇડ  છે, આત્મહત્યાની તૈયારી જ છે. હોલીવુડની મુવી ‘અવેન્જર’માં જેમ થાનોસ નામનો વિલન ચપટી વગાડીને અડધી દુનિયાનો ખાત્મો બોલાવી દે છે અને તેની પાછળનું કારણ એ આપે છે કે પૃથ્વી આટલા મનુષ્યનો બોજ સહન કરી શકે તેમ નથી. આવા જ કારણથી કદાચ કોરોના એવી આફતો આપણી સામે આવી ઊભી હોય તો કહેવાય નહિ. બધી જ ક્રિયા માટે કોઈને કોઈ કારણ હોય છે તેમ કોરોનાના ઉદ્ભવ માટે પણ આપણી જ કોઈ પ્રવૃત્તિ જવાબદાર હોવી જોઈએ. શક્ય છે તેનાથી આપણે વાકેફ ન હોઈએ.

જે હોય તે. અત્યારે સમય છે સાથે મળીને, સમજદારીથી કામ કરીને, સહકારપૂર્ણ રીતે સામે આવી ઉભેલી સમસ્યા સામે ઝઝૂમવાનો. અને તેના માટે ‘બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ અસ’.

Don’t miss new articles