યુકેમાં કોરોનાને લઈને ‘ક્રિટિકલ મોમેન્ટ’ આવી ગઈ છે તેવું પ્રધાનમંત્રી શ્રી બોરિસ જોહ્ન્સને કહ્યું છે. હવે જયારે રોજ સાત હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે ત્યારે એ તો નક્કી છે કે કોરોનાનો બીજો પ્રવાહ શરુ થઇ ચુક્યો છે પરંતુ તે ક્યાં સુધી જશે અને તેને કેવી રીતે અટકાવવો તેના અંગે અલગ અલગ અટકળો છે. 
બધા જ રેસ્ટોરન્ટ અને પબ્સમાં, હોટેલ્સ અને બીજી કોઈ પણ પબ્લિક પ્લેસમાં પ્રવેશો ત્યારે ટ્રેક એન્ડ ટ્રેસ એપ ડાઉનલોડ કરેલો હોવો જોઈએ અને ત્યાં રાખેલો બારકોડ સ્કેન કરવો પડે. આ રીતે જે લોકો કોરોનાના દર્દીના સંપર્કમાં આવ્યાની આશંકા મળશે તેમને ક્વોરેન્ટાઇન કરવાની સૂચના આપવામાં આવે છે. પરંતુ આ ટ્રેક એન્ડ ટ્રેસને લઈને કેટલાક લોકોએ કૌભાંડ શરુ કરી દીધા છે. લોકોને ફોન પર કોલ કે મેસેજ આવે છે કે ટ્રેક અને ટ્રેસ એપ દ્વારા તેઓ કોઈ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેવું જાણવામાં આવ્યું છે અને એટલા માટે તેમને ટેસ્ટ કરવી પડશે. આમ તો ટેસ્ટ સરકાર તરફથી મફત કરવામાં આવે છે પરંતુ આવા ધુતારાઓ ટેસ્ટ કરવાના પૈસા માંગે છે. કેટલાક લોકો ભોળવાઈને પૈસા ભરી દે છે પછી ટેસ્ટ કરવા માટે તેમને સરકારી દવાખાનાનો સંપર્ક કરવાનું કહેવામાં આવે છે! જો કે યુકેમાં કેટલાક લોકોએ કબૂલ કર્યું છે કે તેઓએ પ્રવાસ કર્યા પછી પરત આવીને ચૌદ દિવસનું ફરજીયાત ક્વોરેન્ટાઇન કર્યું નથી. બે-ચાર દિવસ ઘરમાં રહ્યા પછી કોઈ સિમ્પટમ ન દેખાતા તેઓ પહેલાની મફત બહાર હરવા ફરવા લાગેલા. 


લગભગ ૪૦ જેટલી યુનિવર્સીટીમાં કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યાના પરિણામે કેટલીય યુનિવર્સીટીએ કલાસરૂમ બંધ કરવા પડ્યા છે. હજુ હમણાં જ શરુ થયેલા ક્લાસ તરત જ બંધ કરવાનો વારો આવ્યો એ બાબતે કેટલાય સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુનિવર્સીટીએ ફી ઘટાડવી જોઈએ અને પરત કરવી જોઈએ. સરકારે સાફ કહી દીધું છે કે ફી કેટલી રાખવી અને પાછી આપવી કે કેમ તેના અંગે યુનિવર્સીટી સ્વાયત છે અને તેઓ જાતે જ નિર્ણય કરી શકે છે. 
હમણાં ચાલી રહેલી અદાલતની કાર્યવાહીમાં સામે આવ્યું છે કે મે ૨૦૧૭માં માન્ચેસ્ટર અરેનામાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ કે જેમાં ૨૨ લોકોના મૃત્યુ થયેલા તેનો આરોપી સલમાન આબેદી પહેલાથી જ MI 5 ના રડારમાં હતો.

લિબિયન ઓરિજીન ધરાવતા સલમાન અને હસન આબેદી નામના બે ભાઈઓએ પ્લાનિંગ કરીને માન્ચેસ્ટરમાં બૉમ્બ વિસ્ફોટ કરેલો. આ બંને ભાઈઓએ બૉમ્બ બનાવેલો અને પછી વર્ષની શરૂઆતમાં તેઓ લિબિયા ગયેલા. હસન આબેદી ત્યાંથી પાછો ફર્યો નહોતો પરંતુ સલમાન આબેદીએ માન્ચેસ્ટર આવીને બાકીનો પ્લાન પૂરો કરેલો અને જાતે બનાવેલો બૉમ્બ ‘માન્ચેસ્ટર એરેના’ નામની જગ્યાએ ફોડેલો. હવે એવું જાણવા મળ્યું છે કે MI5 ના રડારમાં છ લોકો હતા અને તેમાં સલમાન આબેદી કેટલીક વાર શંકાસ્પદ જણાયેલો પરંતુ ત્યારે તેની અટકાયત કરવામાં આવેલો નહોતી. તેના લિંક અલ-કાઇદા અને આઈએસઆઈએસ સાથે હોવાનું જાણવા મળ્યું છે. યુકેમાં હમણાં થોડા દિવસ પહેલા પણ બર્મિંગહામના જવેલરી ક્વાર્ટર્સમાં એક વ્યક્તિએ છરી લઈને લોકો પર અંધાધૂંધ હુમલો કરેલો. ફેબ્રુઆરીમાં સુદેશ અમાન નામના આતંકવાદીએ બે વ્યક્તિઓને છરીથી ઘાયલ કરેલા અને પોતે ખોટું આત્મઘાતી જેકેટ પહેરી રાખેલું અને પોલીસ તથા લોકોને ડરાવેલા. પરંતુ પોલીસે તેને ગોળી મારીને ઠાર કરી દીધો હતો. 


૪૧ વર્ષના એક વ્યક્તિએ ફેમિલી કોર્ટમાં કેસ કર્યો કે કોર્ટ તેના પેરેન્ટ્સને ખર્ચ ઉઠાવવા પૈસા આપવાનો આદેશ આપે. કેસની વિગત એવી છે કે તેના પેરેન્ટ્સ દુબઈમાં રહેતા હતા જયારે આ ૪૧ વર્ષીય માણસ સેન્ટ્રલ લંડનમાં એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તેને લગતો બધો ખર્ચ તેના પિતા ઉઠાવતા હતા પરંતુ થોડા સમયથી તેમની વચ્ચે સંબંધો બગડતા પિતાએ પૈસા  આપવાનું ઓછું કરી નાખ્યું હતું. ઓછા પૈસામાં તેનો ખર્ચ ન નીકળતા વ્યક્તિએ કેસ કરેલો કે તેના પિતા પહેલા જેટલા પૈસા આપવાનું ચાલુ રાખે. પરંતુ કોર્ટે આ આ વાતનો સ્વીકાર ન કર્યો!

Don’t miss new articles