યુકેમાં કોવિડ કેસોની સંખ્યા અચાનકથી ઘટવા લાગી છે અને હવે ત્રીસ હજારથી પણ ઓછા કેસ રોજ આવી રહ્યા છે. સરકારે જાહેર કરેલી નવી ગાઇડલાઇન્સ અનુસાર લોકોને બધી છૂટછાટ મળી ગઈ છે અને એટલે લોકો પર માસ્ક પહેરવા જેવા પ્રતિબંધો પણ રહ્યા નથી. જો કે સ્કોટલેન્ડ અને વેલ્સના પોતપોતાના સ્થાનિક નિયમો થોડા અલગ છે. ત્યાં થોડા પ્રતિબંધો હજુ પણ લાગુ છે. કોવિડની રસીને લઈને પણ સારો પ્રતિભાવ હોવાથી અને સરકારે આપેલી પ્રાથમિકતાને કારણે મોટાભાગના લોકો સુરક્ષિત થઇ ગયા છે.

હવે લોકોએ બહાર ફરવા જવાનું શરૂ કર્યું છે. લંડનની આસપાસના સ્થળોમાં એક મહત્ત્વપૂર્ણ સ્થળ છે સ્ટોનહેંજ. લગભગ 5,000 જૂના આ સ્ટોનહેંજનું પ્રાચીન સમયનું પથ્થરથી બનેલ વર્તુળ હજુ પણ બાળકો અથવા પરિવાર સાથે સુંદર અને યાદગાર દિવસ વિતાવવા માટેનું સ્થળ છે. જો કે આમ તો ત્યાં એવું કશું જ નથી, માત્ર પત્થરોને એક કુંડાળામાં ગોઠવી દીધેલા છે. પરંતું તે ૫૦૦૦ વર્ષ જૂનું છે તથા ખુલ્લા મેદાનને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે વધારે રમણીય લાગે છે. આ સ્મારક 3,000 બીસી અને 1,600 બીસી વચ્ચે વિકસ્યું હતું અને અયનકાળમાં સૂર્યના ઉદય અને અસ્ત સાથે જોડાયેલું છે, પરંતુ તેનો ચોક્કસ હેતુ રહસ્ય રહે છે.

આ દરમિયાન અહીં ક્રિકેટ અને બીજા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, થીયેટર્સ વગેરે પણ શરુ થઇ ગયા. ૧૨ થી ૧૬ ઓગસ્ટ સુધી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાનો છે અને આ વર્ષે આપણે ઇંગ્લેન્ડના સામ્રાજ્યમાંથી સ્વતંત્રતા મેળવી તેના ૭૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ એટલે આ મેચ ભારતના આઝાદી દિવસે ચાલુ હશે તે પણ મહત્ત્વની ઘટના છે. નિશ્ચિત છે કે ભારતના બધા લોકો એવી પ્રાર્થના કરી રહ્યા હશે કે આ મેચમાં તો ભારત જરૂર જીતે.

ઓલમ્પિકમાં કુલ ૮૩૩ મેડલ્સ અને તે પૈકી ૨૭૪ ગોલ્ડ, ૨૯૯ સિલ્વર અને ૩૧૦ બ્રોંઝ મેડલ જીતીને બ્રિટન અત્યાર સુધીના કુલ ઓલમ્પિકમાં ચોથા ક્રમે રહ્યું છે. અત્યારે ચાલી રહેલા જાપાનના ટોક્યો ઓલમ્પિકમાં બ્રિટન ૬ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૯ બ્રોન્ઝ જીતીને છઠ્ઠા ક્રમે છે. બ્રૅથની શ્રીવર વિમાન સાઇકલિંગમાં ગોલ્ડ, મેન ૪૦૦ મીટરની ફ્રી સ્ટાઇલ રીલે સ્વિમિંગમાં ટોમ ડીન, જેમ્સ ગાય, મેટ રિચાર્ડસ અને ડંકન સ્કોટની ટીમે ગોલ્ડ, ટિમ ડીને ૨૦૦ મીટર સ્વિમિંગમાં ગોલ્ડ, ટોમ પીડકોકે સાઈકલિંગ માઉન્ટન બાઈકની ક્રોસ કંટ્રીમાં ગોલ્ડ, ટોમ ડેલી અને મેટ લીએ ડાઇવિંગમાં ગોલ્ડ, એડમ પ્રિટીએ બ્રેસ્ટસ્ટ્રોક સ્વિમિંગમાં ૧૦૦ મીટરમાં ગોલ્ડ અપાવ્યા છે. અત્યાર સુધીમાં મળેલા સિલ્વર મેડલમાં મેન સાઈકલિંગ, મેન સ્વિમિંગ ૨૦૦ મીટર, કેંયોં સ્લેલોમ (એક રીતની બોટિંગ), રોવિંગ, સ્વિમિંગ ૨૦૦ મીટર, વિમન ટ્રાઈ-થેલોન વગેરેનો સમાવેશ થાય છે. હજી વધારે ગોલ્ડ મળે તેવી શક્યતા બ્રિટન માટે છે.

Don’t miss new articles