જે વ્યક્તિ છોકરી જન્મી હોય પરંતુ તેને એવું લાગી રહ્યું હોય કે તે છોકરો છે પરંતુ તેને શરીર છોકરીનું મળ્યું છે તે તારૂણ્ય આવતા પહેલા જ સ્ત્રી સહજ શારીરિક લાક્ષણિકતાઓ ઉભરાતી રોકવા માટેની દવાઓ લે છે. સમય જતા જાતીયતા બદલવા શસ્ત્રક્રિયા પણ કરાવે છે. તેવું જ છોકરાનું શરીર લઈને જન્મેલી વ્યક્તિ પોતાને સ્ત્રી માનતી હોય તો કિશોરાવસ્થા પુરી કરતા પહેલા દાઢી મૂછ આવતા રોકવા અને અન્ય શારીરિક લક્ષણોને અટકાવવા માટેની દવાઓ લે છે.
આવી વ્યક્તિઓનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે અને વિકસિત દેશોમાં આવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી તેમજ સમાજનું સ્તર એવું હોવાથી વ્યક્તિને આવી આઝાદી મળી રહે છે અને તે પોતાની જાતીયતા અંગે આવો પ્રયોગ કરી શકે છે. જો કે ચિંતાનું કારણ એ છે કે વ્યક્તિ કિશોરાવસ્થામાં કે જયારે તે પૂર્ણરીતે પરિપક્વ નિર્ણય લેવા માટે પુખ્ત વય ન ધરાવતી હોય ત્યારે જ આવા ડ્રગ લઈને પોતાના જાતીય લક્ષણોને પૂર્ણતઃ વિકસતા રોકે અને પછીથી તેનું માનસ પરિવર્તન થાય તો શું કરવું? એ કેવી રીતે નિશ્ચિત થાય કે જયારે કિશોર કે કિશોરી પોતાની જાતીયતા અંગે નિર્ણય કરે છે ત્યારે તેનું માનસિક સ્તર પરિપક્વ છે અને તે બધા પરિબળોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરી રહી છે?
આ બાબત સમાજશાસ્ત્ર માટે એ રીતે પડકાર છે કે જાતીય પરિવર્તન કરનારો વર્ગ વધી જાય તો સમાજમાં એક નવો વર્ગ ઉભો થાય જે વધારે ને વધારે લોકોને પ્રભાવિત કરે. તેનાથી સમાજવ્યવસ્થા બદલવાની શક્યતા વધી જાય. આજે લેસ્બિયન અને ગે રિલેશનશિપ વધી રહી છે ત્યારે કેટલાક સમાજશાસ્ત્રીઓ નવી પરિસ્થિતિને સમજવા મથી રહ્યા છે.
મનોવૈજ્ઞાનિક પ્રશ્ન એ છે કે શું વ્યક્તિ પોતાના શરીરથી પુરુષ હોય તો માત્ર માનસિક રીતે સ્ત્રીત્વ અનુભવે અથવા તેનાથી ઉલટું થાય તેવી ઘટનાને મનોવૈજ્ઞાનિક રીતે ઉકેલી શકાય? શું આ માત્ર એક મનોવૈજ્ઞાનિક તાલીમ કે માર્ગદર્શનનો પ્રશ્ન છે કે તેમાં કોઈ બીજા પરિબળો સમાવિષ્ટ છે?
તબીબી સમસ્યા તો તેનાથી પણ મોટી છે. હજુ આ વિજ્ઞાન અને શસ્ત્રક્રિયા એટલા વિકસ્યા નથી કે સંપૂર્ણપણે વ્યક્તિની જાતીયતા બદલી શકે અને તેની આડઅસર ન થાય. એટલા માટે ઘણા લોકો તેને તબીબી મર્યાદા ઉપરાંત પડકાર તરીકે જુએ છે. તારૂણ્ય – પ્યુબર્ટી – રોકનાર ડ્રગ પણ કેટલા અસરકારક છે અને તેની કેટલી આડઅસર છે તે હજુ સમય જ બતાવશે.
આવી સ્થિતિમાં સરકાર સામે નીતિ વિષયક અને કાયદા વિષયક સમસ્યાઓ આવી ઉભી છે કે શું પ્યુબર્ટી બ્લોકીંગ ડ્રગ્સને બાન કરવા? તેમના પર પ્રતિબંધ લગાવવો? શું જાતીયતા નિશ્ચિત કરવાના પગલાંને ગેરકારયદેસર બનાવવું? આવી સ્થિતિમાં એવા લોકોનું શું કે જેઓ ખરેખર જ પોતાને મળેલી જાતીયતાથી અસંતુષ્ટ હોય અને હતાશા અનુભવે કે ક્યારેક આત્મહત્યા પણ કરે? તેવા લોકોને પોતાના શરીર પર કોઈ અધિકાર નહિ? વ્યક્તિને શરીર અને જાતીયતા નક્કી કરવાથી સરકાર કેમ રોકી શકે?
આવા પ્રશ્નો વ્યક્તિ સ્વાતંત્ર્યના જ નહિ પરંતુ સમાજ વ્યવસ્થા, મનોવિજ્ઞાન અને તબીબી શાસ્ત્રના નવા કોયડા તો છે જ ઉપરાંત સરકાર સામે નવા નીતિવિષયક પડકારો પણ બની રહ્યા છે. ભારતમાં પણ સર્વોચ્ચ ન્યાયાલયે જયારે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ને બિનદંડનીય બનાવી, ડીક્રીમીનલાઈઝ કરી – ત્યારે અનેક પ્રકારના પ્રતિભાવો મળેલા. ત્યારબાદ અનેક કિસ્સાઓમાં સજાતીય લગ્ન પણ થયા છે અને સજાતીય સંબંધો અંગે લોકો ખુલીને વાત કરતા થયા છે. પરંતુ જાતીયતા નક્કી કરવાનો પ્રશ્ન તેનાથી આગળનું સ્ટેજ છે જેના માટે પણ સમાજે તૈયાર રહેવું જોઈએ.