માણસ જ્યારે કોઈ નિર્ણય કરે ત્યારે તે સમજી વિચારીને, કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વિના, શાણપણથી, હોંશમાં રહીને કરવો જોઈએ. તમે કોઈ સોગંદનામુ કરો ત્યારે તેમાં પણ એવી કબુલાત આપવી પડતી હોય છે કે – હું મારા પૂરા હોંશમાં રહીને કોઈ કેફ કે નશો કર્યા વિના, કોઈ પ્રકારના દાબદબાણમાં આવ્યા વિના, મારી સમજદારીથી આ નિર્ણય કરી રહ્યો છું. વ્યક્તિનો નિર્ણય તેને કોઈ દિશામાં ભટકાવી પણ શકે અને આગળ પણ વધારી શકે. એટલા માટે જ માણસ કોઈ નિર્ણય કરે તે પૂરી કાળજી રાખીને કરવો જોઈએ કેમ કે શક્ય છે કે તે નિર્ણય પર તેના ભવિષ્યનો દરોમદાર હોય.

વ્યક્તિના કેટલાક ડીસીઝન – નિર્ણયો વટ કે અહંકારને કારણે થતા હોય છે. ‘મને કોઈ એવું કેમ કહી જાય’ એવા વટને કારણે માણસ ઘણી વખત ખોટો અને ઉતાવડો નિર્ણય કરી લેતો હોય છે. જેનો નતીજો વિનાશકારી હોઈ શકે. ક્યારેક સમાજમાં પોતાનો વટ પાડવા માટે આપણે પોતાની ક્ષમતા કરતાં વધારે ખર્ચો કરી નાખીએ કે મોટા દેખાડા કરીએ તેવું પણ બને. આવા વટ પાડવાના વલણને લઈને તો ભલભલાના રાજરજવાડા ડૂબી ગયા તો સામાન્ય માણસની શું વાત કરવી? એટલા માટે ક્યારેય પણ પોતાના નિર્ણય વટને ખાતર ન કરવા જોઈએ પરંતુ બીજા બધા પરિબળો અને ભવિષ્યનો વિચાર કરીને જ કોઈ નિર્ણય પર આવવું જોઈએ. 

એવું કહે છે કે જ્યારે તમે દુઃખી કે નિરાશ હોય ત્યારે મોટા નિર્ણય ન કરવા જોઈએ કેમકે તે વખતે આપણું મગજ બહેર મારી ગયું હોય છે! તેવી જ રીતે કોઈથી નારાજ હોઈએ અથવા તો અદાવત થઈ ગઈ હોય તો તેનો બદલો લેવા માટે કે તેની સામે વેર વાળવા માટે પણ વ્યક્તિ એવો માર્ગ અપનાવી લે છે કે જેમાં પોતાનું ખુદનું જ અહિત હોય. જો બીજાનો ધંધો ભાંગવા માટે પોતે નુકસાન વેઠવા તૈયાર થઈ જઈએ તો એ નિર્ણય કોઈની સાથે વેર વાળવા માટે જ થયો કહેવાય. તેને પરિણામે સામેવાળાને ભલે સોનું નુકસાન થાય પણ પોતે પણ પોતાને પચાસનું નુકસાન વેઠવું પડે તેવું શા માટે કરવું જોઈએ? પરંતુ જ્યારે નિર્ણય કરવાની પ્રક્રિયામાં સૌથી મોટું પરિમાણ વેર જ હોય તો પછી વૈચારિક વેગ પણ એ દિશામાં જ આગળ વધીને? મેકબેથ નાટકમાં શેક્સપિયર બદલાને મુખ્ય વિષય બનાવે છે. 

શંકાકુશંકા પણ આપણા મગજની તટસ્થ રીતે વિચારવાની ક્ષમતાને હણી લે છે. ઓથેલો નામના પોતાના બીજા એક નાટકમાં શેક્સપિયર એવી વાર્તા ઘડે છે કે તેના નાયક ઓથેલોના મનમાં તેની પત્ની દેસ્ડમોના પર વહેમ આવે છે અને તે વહેમને કારણે જ પરિવાર બરબાદ થઈ જાય છે. એવી ઘણી ફિલ્મો પણ બની છે અને આપણા વાસ્તવિક જીવનમાં પણ ઘણીવાર જોઈએ છીએ કે વહેમનું કોઈ ઓસડ તો હોતું નથી. મનમાં વહેમ રાખીને તેની છાયામાં કરેલા વિચાર નિષ્પક્ષ હોઈ ન શકે. વહેમની દિશામાં ઝુકેલા વિચારો આપણી તટસ્થતાને ડગાવે છે અને પરિણામે ઘણી વખત આપણા પોતાના માટે અહિતકારી સાબિત થાય છે.

જે રીતે કેનવાસ પર ચિત્ર બનાવતી વખતે એક રંગ સાથે બીજો રંગ ભળે ત્યારે નવો જ રંગ ઊભરી આવે છે તેવી રીતે આપણી વૈચારિક પ્રક્રિયામાં જ્યારે બીજા પરિબળો અસર કરે ત્યારે પરિણામ તેમની અસરથી મિશ્રિત આવે છે. વિચારોની તટસ્થતા અને પૂર્વગ્રહરહિતતા આવશ્યક છે આપણા અસરકારક નિર્ણય માટે. પરંતુ જો તે વટ, વેર કે વહેમ માટે કરવામાં આવ્યા હોય તો નુકસાન કરનારા અને અહિતકારી સાબિત થઈ શકે છે. 

ReplyReply to allForwardAdd reaction

Don’t miss new articles