સંદીપ જયારે બાળક હતો ત્યારે તેને લાગતું કે તેના પપ્પા દુનિયાના સૌથી સમજદાર અને બુદ્ધિશાળી પુરુષ છે અને તેમને બધું જ આવડે છે. તેના મિત્રો અને લગતા વળગતાને સૌને કહે કે તેના પપ્પાથી બધું જ કામ થઇ જાય. તેને એવું લાગતું કે બધી જ સમસ્યાનો ઉકેલ તેમની પાસે છે. મમ્મી તેને દુનિયાની સૌથી પ્રેમાળ સ્ત્રી લાગતી. ધીમે ધીમે મોટો થતો ગયો તેમ તેમ તેના માતાપિતામાં માનવસહજ મર્યાદાઓ છે તેવું સમજાતું ગયું. પછી તે જુવાન થઇ ગયો તો લાગ્યું કે તેના પપ્પાને તો કઈ ખબર જ નથી પડતી, એકદમ અણસમજ વ્યક્તિ છે. આ સમયે તેને પેરેન્ટ્સ સાથે ન ફાવ્યું. તેમની વાતો અજ્ઞાની જેવી લાગવા લાગી. જુના જમાનાના વિચારો તેને પસંદ ન આવતા. તેમના વર્તનથી સંદીપને અણગમો થઇ આવતો.
બધાના જીવનમાં એક તબક્કો એવો હોય છે જયારે તેમને પોતાના પેરેન્ટ્સ સૌથી શ્રેષ્ઠ લાગતા હોય છે અને પછી સમય એવો પણ આવે છે કે પેરેન્ટ્સની બધી જ વાતો ખોટી કચકચ જેવી લાગવા માંડે છે. પરંતુ તેનાથી પણ આગળના તબક્કે પહોંચેલા લોકોને પૂછીએ તો જણાશે કે ફરીથી જીવનમાં એવો તબક્કો પણ આવતો હોય છે કે પેરેન્ટ્સ કહેતા હતા તે સાવ ખોટું તો નહોતું તે વાત સમજાઈ જાય.
સમજદારીના આ સ્તર ખરેખર તો આપણો દુનિયાને જોવાનો અભિગમ સૂચવે છે. માહિતીનો એક જ સ્ત્રોત માતા-પિતા હોય ત્યારે તેમનું કહેલું બધું સાચું લાગે. પછી શાળાએ જઈએ ત્યારે ટીચર કહે તે વધારે મહત્ત્વનું બની જાય. પછી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડની વાતો વધારે સમજદારીપૂર્ણ લાગે અને પછી પત્નીની. જયારે પુત્ર-પુત્રી જુવાન થઈને સારી રીતે સેટલ થાય ત્યારે તેમની સફળતા પર નાઝ થાય અને તેમની નજરથી દુનિયા જોવાની શરૂઆત થાય. જયારે પુત્ર-પુત્રી એ સ્તરે પહોંચ્યા હોય કે તેમને માતા-પિતાથી અણગમો અને ચિડચિડાપણું થઇ રહ્યું હોય ત્યારે માતાપિતા પોતાના સંતાનોની સિદ્ધિના ગુણગાન ગાતા ફરતા હોય છે. પોતાના મિત્રો પાસે પુત્ર કે પુત્રીને કોલેજમાં સારા માર્ક આવ્યાના, સારી નોકરી મળ્યાના કે સારી કાર લીધાના સમાચાર ખુશી ખુશી પહોંચાડતા હોય છે. પરંતુ આખરે ફરીથી જયારે જીવનના અસ્ત તરફ ઢળતા જઈએ ત્યારે એવું લાગે કે જૂનું હતું તેમાં કઈ ખામી તો નહોતી.
આપણે કેટલી માહિતી મેળવીએ છીએ, ક્યાંથી મેળવીએ છીએ, અલગ અલગ સ્ત્રોતોમાંથી મળતી માહિતીને એકબીજા સાથે સરખાવીએ છીએ કે કેમ? તેમનું તટસ્થ રીતે પૃથક્કરણ કરીએ છીએ કે નહિ? આ બધી બાબતોના આધારે જ આપણી સમજદારી અને દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ નક્કી થાય છે. દેશપ્રેમમાં સૈનિક પણ પોતાના જીવનનું બલિદાન આપે છે અને આતંકવાદી પણ પોતાના ધારી લીધેલા મિશન માટે મારી મિટે છે. આ બંનેનો જીવનને અને તેના મક્સદને જોવાનો નજરીયો અલગ છે. તેમને બંનેને પોતપોતાના ઉદેશ્ય પ્રત્યે માન છે અને એટલા માટે જ તેઓ જીવનની પણ આહુતિ આપી દે છે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ જેવી વાતો તો આપણે બાળપણથી વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. પરંતુ કોઈને સારા કે ખરાબ ગણવા ઉપરાંત પોતાની દરેક પ્રવૃત્તિની દિશા અને લક્ષ પણ આવા અભિગમથી જ નિશ્ચિત થતા હોય છે તે આપણને ધ્યાનમાં આવતું નથી.
એટલે જ કહે છે કે મુજ વીતી તુજ વીતશે, ધીમી ખમ બાપુડિયાં. સમયનું ચક્ર ચાલ્યા કરતુ હોય છે. પરંતુ તેમાં કોઈનો વાંક નથી. બધાએ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને તેમાંથી ભાગ્યે જ કોઈ બાકાત રહી શકે છે. એવું ન હોત તો બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ વચ્ચે અંતર જ શું હોત? માત્ર શરીરના વિકાસનો જ તફાવત નથી જીવનના આ ત્રણેય તબક્કા વચ્ચે. માનસિકતામાં જે પરિવર્તન આવે છે, દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે તે જ આપણું બાળપણ, યુવાની કે વૃદ્ધત્વ નિશ્ચિત કરે છે. માટે કોઈ સંકોચ રાખ્યા વિના જીવનના જે તબક્કે હોઈએ તેને જીવ્યા જવું પણ યાદ રાખવું કે સમય સમયે આપણી વિચારસરણી બાલદાતી રહેવાની છે અને તેને સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ.
લાસ્ટ જમ્પ:
‘દરેક વ્યક્તિ સાથે વહેલું મોડું બધું જ ઘટિત થાય છે, જો તેની પાસે પૂરતો સમય હોય તો.’ જ્યોર્જ બર્નાર્ડ શૉ
‘વૃદ્ધો બધું જ માની લે છે. મધ્યસ્થ બધી વાત પર પ્રશ્ન કરે છે. યુવાનો બધું જ જાણે છે.’ માર્ક ટવેઇન.