ડિમેન્સિયા અને અલ્ઝાઇમર્સ
‘વિભા, મને જમવાનું આપી દે.’ દાદાએ બહાર ખાટલા પરથી બૂમ પડી.
‘દાદા, થોડીવાર પહેલા તો તમે જમ્યા. ફરીથી જમશો?’ વિભાએ અંદરથી ટીવીનું વોલ્યુમ ઓછું કરતા જવાબ આપ્યો.
‘હું જમ્યો?’
‘હા, અનિલે તમને અડધો કલાક પહેલા તો ખીચડી અને શાક જમાડ્યા પણ કઈ વાંધો નહિ તમે આરામ કરો, હું થોડીવારમાં લાવું છું તમારા માટે ફરીથી, હોં.’ વિભાએ પ્રેમથી જવાબ વાળ્યો અને ફરીથી ટીવી જોવા લાગી.
‘સારું. રોટલીમાં ઘી લગાવીને લાવજે હો.’ દાદાએ કહ્યું અને પછી ખાટલા પર લંબાવ્યું. તેમને હવે યાદ નહોતું રહેતું. થોડીવાર પહેલા જમ્યા હોય, કોઈને મળ્યા હોય, કોઈએ તેમને કઈ કહ્યું હોય – એ બધું જ ભૂલી જતા. ઉમર થયેલી ને.
વૃદ્ધત્વ આવે ત્યારે તેની સાથે અનેક બીમારીઓ પણ આવે છે. શારીરિક શક્તિ અને રોગપ્રતીકારકતા ઘટતી જાય છે જેના પરિણામે નવા નવા રોગોને શરીરમાં રહેવાનું ઘર મળી રહે છે. આ બધું ભોગવતા ભોગવતા વૃદ્ધત્વ કાઢવું કપરું કામ છે. પરંતુ આપણે જે બીમારીઓ અને શારીરિક તકલીફો વિષે જાણીએ છીએ તેના સિવાય માનસિક રીતે પણ કેટલીય ચુનૌતીઓનો સામનો વ્યક્તિઓએ અમુક વય પછી કરવો પડતો હોય છે. ખાસ કરીને ડિમેન્સિયા અને અલ્ઝાઇમર્સ જેવી બીમારીઓ અંગે આપણા સમાજમાં વધારે જાગૃકતા નથી પરંતુ તેને કારણે મોટી ઉંમરના લોકોને કેટલીય તકલીફ પડે છે.
સારી વાત એ છે કે આ બીમારીઓ દરેકને થતી નથી પરંતુ જેને આપણે ‘બુઢ્ઢા સઠિયા ગયા હૈ’ જેવા ડાઈલોગની જેમ ફિલ્મોમાં સાંભળીએ છીએ તે પ્રકારના લક્ષણો ધરાવતી આ બીમારીઓ અંગે થોડું જાણવું જરૂરી છે. ડિમેન્સિયા અને અલ્ઝાઈમર્સમાં ફર્ક એ છે કે અલ્ઝાઇમર્સ એક ખાસ પ્રકારની મગજની બીમારી છે જેમાં વ્યક્તિની યાદશક્તિ ઓછી થતી જાય છે અને તે રોજબરોજની વાતો ભૂલવા લાગે છે. ડિમેન્સિયા એક વધારે સામાન્ય શબ્દ છે જે અલ્ઝાઇમર્સ સહીત બીજા કેટલાય લક્ષણો માટે વપરાય છે. અલ્ઝાઇમર્સ એટલે ડિમેન્સિયાનો એક પ્રકાર તેમજ એક કારણ છે. એટલે કે ડિમેન્સિયા થયો હોય તેના માટે લગભગ ૬૦-૭૦% કેસમાં અલ્ઝાઈમર્સની બીમારી જવાબદાર હોય છે.
સામાન્યરીતે ૬૫ વર્ષથી વધારે વયના લોકોને યાદ રાખવામાં તકલીફ પાડવા માંડે અને તેઓ પોતાની વાતોને વારે વારે પુનરાવર્તિત કરવા માંડે તેવા શરૂઆતના લક્ષણો ઘણીવાર આપણી આસપાસના લોકોમાં જોવા મળે છે. પરંતુ તેને હજુ ડિમેન્સિયા કહેવો યોગ્ય નથી. પરંતુ જો આવું વધારેને વધારે થવા માંડે, વ્યક્તિ પોતાના ભોજન અંગે, પોશાક અંગે અને પોતાના પરિવારના લોકોને પણ ભૂલવા માંડે તો તે ડિમેન્સિયાના લક્ષણો છે. આપણે પણ ઘણીવાર બહુ મોટી ઉંમરના લોકો પોતાના સગા-વહાલાને ન ઓળખી શકે, પોતે વસ્તુઓ ક્યાં મૂકી છે તે ન યાદ રાખી શકે તેવા દાખલા જોયા છે. આ વ્યક્તિઓનું ધ્યાન ન રાખવામાં આવે તો તેઓ ચાલતા ચાલતા ક્યાંક જતા રહે અને રસ્તો ભૂલી જાય તેવું બનતું હોય છે. આપણા સમાજમાં ડિમેન્સિયા શબ્દ પ્રચલિત નથી પરંતુ આવા કિસ્સાઓ આપણે કેટલાય વડીલોની બાબતમાં જોયા હોય છે.
અત્યારે વિશ્વમાં લગભગ ૧ કરોડ લોકો ડિમેન્સિયાના રોગથી પીડાય છે તેવું વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે અને તેમાં દર વર્ષે ૧ કરોડ ઉમેરાય છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ૮.૨ કરોડ અને ૨૦૫૦ સુધીમાં ૧૫ કરોડ લોકોને ડિમેન્સિયા હશે અભ્યાસ પણ આ સંસ્થાએ કર્યો છે. આ પૈકી ૬૦%થી વધારે ડિમેન્સિયા ધરાવતા લોકો ઓછી અથવા માધ્યમ આવક ધરાવતા દેશોમાં છે. કમનસીબીની વાત એ છે કે આ દેશોમાં ડિમેન્સિયા અંગે જાગૃકતા અને તેના માટે તાલીમબદ્ધ તબીબી નિષ્ણાતોના અભાવે તેમનો ઈલાજ પણ સારી રીતે થતો નથી. આખરે વ્યક્તિએ આ બીમારીને પોતાના જીવનના બાકીના વર્ષોમાં જીવનના એક હિસ્સા તરીકે જીવવો પડે છે.
આ પ્રકારની બીમારી શરીરના ઘસવાની પ્રક્રિયાનો ભાગ માનવામાં આવે છે અને એટલે પરિવારના લોકો વૃદ્ધોને તો આ બધું થાય તેવું માનીને તેમના આવા વર્તનને અણદેખુ કરી દેતા હોય છે. અને ખરેખર કહીએ તો અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય પણ ડિમેન્સિયા માટે સચોટ કહી શકાય તેવો ઈલાજ શોધાયો નથી અને તેને વધતા અટકાવવા માટે પણ કોઈ દવા અસરકારક જણાઈ નથી. એટલે દર્દીની દેખરેખ સિવાય બીજો કોઈ ઈલાજ તો અત્યારે આપણા હાથમાં નથી. જો કે કેટલાય સંશોધનો ચાલી રહ્યા છે અને તેમાંથી કોઈ સારું પરિણામ ભવિષ્યમાં મળે તેવી રાહ જોવાઈ રહી છે.
આ સ્થિતિમાં સૌથી અગત્યનું એ છે કે લોકો આ બાબતથી જાણકાર રહે કે આવી ભૂલી જવાની, સમયનું ભાન ન રહેવાની, લોકોની ઓળખ અદલબદલ કરી દેવાની લાક્ષણિકતાઓ ડિમેન્સિયા જેવી બીમારીને કારણે આવતી હોય છે અને તેના દર્દીને વહાલ, સારસંભાળ અને આદર તથા હૂંફથી રાખવાની તેમનું સ્વમાન જળવાઈ રહે છે