‘તમે તમારી મરજીના માલિક છો.’ તેવું બોલનાર અને માનનાર ઘણી મોટી ભૂલ કરે છે. શું વાસ્તવમાં આપણે પોતાની મરજીના માલિક છીએ? આપણે ઇચ્છીએ તે કરી શકીએ છીએ? મન ફાવે તેવું વર્તન કરવા આપણે આઝાદ છીએ? સ્વતંત્રતા આપણને કેટલા પ્રમાણમાં પ્રાપ્ત છે? સ્વાભાવિક છે કે આપણું વર્તન કાયદાઓ દ્વારા નિયંત્રિત રાખવામાં આવે છે. સમાજના કેટલાય નિયમો આપણને બાંધી રાખે છે. પારિવારિક અને સામાજિક જવાબદારીઓ પણ આપણને અમુક હદે નિયંત્રણમાં રાખે છે. પરંતુ આ બધાય બાહ્ય પરિબળો કે જે દેખીતી રીતે જ આપણા વર્તન અને ઈચ્છાઓ પર મર્યાદા બનીને બેઠા હોય છે તેમના સિવાય પણ કેટલીય એવી બાબતો છે જે જાણતા અજાણતા આપણા નિર્ણયોને પ્રભાવિત કરે છે અને આખરે આપણા વર્તનની દિશા નક્કી કરે છે.
એક પોલીસ ઓફિસરનું ઉદાહરણ લો. તે એવી વ્યક્તિનો પીછો કરી રહ્યો છે કે જેણે કોઈને ભરબજારમાં ચપ્પુ મારી દીધું હોય. આ આરોપી કે જેણે સૌની સામે કોઈનું ખૂન કરવાનો પ્રયત્ન કર્યો હોય તેને પકડવા દોડી રહેલ પોલીસ ઓફિસર પોતાની રિવોલ્વર કાઢે છે અને નિશાન તાકે છે. હવે પછીની ત્રીસ સેકન્ડ એ વાતનો નીર્ધાર કરશે કે તે ઓફિસર આરોપી પર ગોલી ચલાવશે કે કેમ. જો ચલાવશે તો તેને ઠાર મારવાની કોશિશ કરશે કે પછી પગમાં ગોલી મારીને માત્ર તેને ઘાયલ કરવાનો પ્રયત્ન કરશે? આ નિર્ણય લેવા માટે તે અધિકારી પાસે મુશ્કેલીથી ત્રીસ સેકન્ડ હોય છે અને એ ત્રીસ સેકન્ડ જેટલી નાની સમયાવધિમાં તેના મગજમાં કેટકેટલા સમીકરણો કામે લાગી જતા હશે તે વિચારવા જેવું છે. જેમ કે તેને તાલીમ દરમિયાન શીખવવામાં આવેલા કાયદાના નિયમો – કોઈ આરોપી કે ગુનેહગાર પર ગોલી ક્યારે ચલાવી શકાય અને ક્યારે નહિ – જરૂર ધ્યાનમાં આવશે. ઉપરાંત તે ગુનેહગાર કોણ છે – મજબૂત બાંધાનો યુવાન વ્યક્તિ, ગરીબ ભૂખ્યો જણાતો ફાટેલા તૂટેલા કપડાં પહેરેલો પરિસ્થિતિનો માર્યો કોઈ મધ્યમ આયુનો વ્યક્તિ કે પછી કોઈ વૃદ્ધ કે મહિલા તે હકીકત પણ પોતાનો ભાગ જરૂર ભજવશે. માત્ર એટલું જ નહિ, આ ઘટના બની તેની પહેલાની સાંજે પોલીસ અધિકારીએ શું કોઈ મારધાડ વાળી ગેન્ગસ્ટરની ફિલ્મ જોયેલી કે જેમાં ગેંગનો સફાયો કરવા માટે અઢળક લોકોને પોલીસે એન્કાઉન્ટર કર્યા હોય, સરકારે મેડલ આપ્યું હોય, બધા સમાચારપત્રોમાં મુખપૃષ્ઠ પર ફોટો છપાયો હોય તો આવી ફિલ્મની અસરથી પણ ગોલી ચલાવવા અંગેનો તેનો નિર્ણય પ્રભાવિત થાય જ છે. પરંતુ જો તેણે એવી ફિલ્મ જોઈ હોય કે જેમાં કોઈ પોલીસ અધિકારીને ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરીમાં એ સાબિત કરવું મુશ્કેલ પડી રહ્યું હોય કે તેણે ગોલી ન ચલાવી હોત તો ગુનેહગાર ભાગી ગયો હોત અને તે સમાજ માટે ખતરારૂપ બન્યો હોત. આવી ફિલ્મ જોયા પછી તો ભાગ્યે જ આપણે જેની વાત કરી રહ્યા છીએ તે પોલીસ ઓફિસર ટ્રીગર દબાવી શકે, ખરું ને?
આવી ગડમથલ માત્ર ગૂંચવણભરી ક્ષણમાં ફસાયેલા પોલીસ ઓફિસરને જ સહેવી પડે છે તેવું નથી. આપણે દરેકને રોજબરોજના જીવનમાં નિર્ણય કરતી વખતે આવા કેટલાય આંતરિક અને બાહ્ય પરિબળોની અસરમાંથી પસાર થવું પડે છે. આ બધા પરિબળો એટલા મજબૂત હોય છે, એટલા પ્રભાવી હોય છે કે તેમને જાણતા અજાણતા આપણે સરેન્ડર કરી દેતા હોઈએ છીએ, તેમની સામે આપણી સ્વતંત્રતા ગોઠણે પડતી હોય છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે આપણે પોતે આ વાતથી વાકેફ હોતા જ નથી. વ્યક્તિના બાળપણથી લઈને, તેના ઉછેર, તેની શાળા, તેના મિત્રો, તેનો પરિવાર અને સમાજ, વગેરે વગેરે બધું જ તેના મુક્ત નિર્ણયોને વાસ્તવમાં મુક્ત રહેવા દેતું નથી. આખરે આપણે જે વિચારીએ છીએ, જે કરીએ છીએ તે આવા અસંખ્ય પરિબળોનું મિશ્રણ હોય છે, તેમાંથી ગળાઈને આવતું વર્તન હોય છે. આવી અસંખ્ય અને અજ્ઞાત મર્યાદાઓથી બંધાયેલા આપણે કેવી રીતે મુક્ત હોઈ શકીએ? કેવી રીતે સ્વત્રંત્ર કે સ્વચ્છંદ હોઈ શકીએ? આપણા જીવન પર જેટલો પ્રભાવ બાહ્ય પરિબળોનો છે તેનાથી કેટલીય વધારે માત્રામાં આંતરિક પૂર્વગ્રહોનો હોય છે. આ વાત મનોવૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયોગો દ્વારા સમજી છે અને સાબિત કરી છે.
આપણે જયારે પણ એવું માનીએ કે કોઈ વ્યક્તિ સ્વચ્છંદી છે, ગુનાહિત પ્રવૃતિઓ કરી રહ્યો છે, કે બહુ સારો છે અને સમાજોપયોગી કાર્યોમાં રસ લે છે ત્યારે આ હકીકત યાદ કરવી જરૂરી છે કે તેની પાછળ કેટલાય પરિબળો જવાબદાર હોવાના. કોઈ વ્યક્તિ હંમેશા સારું જ કરે છે તો તેને ઘડવામાં પણ અનેક સંજોગો કારણભૂત હોય છે અને ખરાબ કરે તો પણ. કમનસીબે આપણે સમાજને આદર્શ બનાવી શકતા નથી કેમ કે દરેક વ્યક્તિની પરિસ્થિતિ જુદી હોય છે. તેમના ડીએનએ જુદા હોય છે, તેમની પરવરીશ અલગ રીતે થયેલી હોય છે. આ વિવિધતાઓને કારણે જ આપણો સમાજ વિવિધરંગી બને છે અને રોજ કઈંક નવું, આશ્ચર્યજનક અને ચોંકાવી દેનારું આપણી સામે આવીને ઉભું રહે છે. આ બધી ઘટનાઓને આકાર દેતા પરિબળો એટલા તો કોમ્પ્લેક્સ હોય છે કે ‘આ માણસ ખરાબ છે’ અને ‘આ માણસ સારો છે’ જેવા વિધાનો આપણો પુનઃવિચાર માંગી લે છે. માટે, હવે પછી ક્યારેય પણ તમે એવું વિચારો કે તમે જે કઈ કરો છો તે સ્વતંત્ર રીતે, નિષ્પ્રભાવ કરી રહ્યા છો ત્યારે એ અસંખ્ય પરિબળોને યાદ કરવાની કોશિશ કરજો કે જે જાણ્યે અજાણ્યે તમારા નિર્ણયને અને વર્તનને ઘડવા માટે જવાબદાર બની રહ્યા છે.