શું તમે સ્લીપિંગ ડિવોર્સ વિષે જાણો છો? પતિ-પત્ની વાસ્તવમાં ડિવોર્સ ન લે પરંતુ અલગ અલગ રૂમમાં ઊંઘે તેને સ્લીપિંગ ડિવોર્સ કહેવાય. લગ્ન જીવનનો અભ્યાસ ખુબ રસપ્રદ વિષય છે. અલગ અલગ સમાજમાં પ્રચલિત રીતરિવાજ અનુસાર તે ચાલતું હોય છે. પતિ-પત્નીના સ્વભાવ, તેમની કારકિર્દી, બાળકો, સંયુક્ત પરિવાર છે કે એકલ પરિવાર વગેરે જેવી બીજી ઘણી બાબતો પણ વ્યક્તિના લગ્ન જીવન પર અસર કરે છે. આ બધા પરિબળો ઉપરાંત યુગલની ઉમર અને જીવનમાં તેમના પડાવ પણ નક્કી કરે છે કે તેમની વચ્ચેના સંબંધો કેવા હશે.

લગ્નજીવનની શરૂઆતમાં તો યુગલ ખુબ પ્રેમથી રહે છે, એકબીજાનો સાથ ઝંખે છે. મહત્તમ સમય એકબીજા સાથે વિતાવવાની કોશિશ કરે છે. પરંતુ ધીમે ધીમે આ આકર્ષણ ઘટતું જાય છે. તેના માટે અનેક કારણો જવાબદાર છે – જેમાં સૌથી મોટું કારણ હોય છે કામની વ્યસ્તતા અને લગ્નજીવનના નાવીન્યનું ઓસરવું. જેમ જેમ વ્યક્તિ પોતાની કારકિર્દીમાં વ્યસ્ત થતી જાય તેમ તેમ તેને પરિવાર સાથે ઓછો સમય મળે છે. તેવી જ રીતે વ્યક્તિને નવા લગ્નમાં જે નાવીન્ય પ્રાપ્ત થયું હોય તે સમય સાથે ઘટતું જાય તે પણ સ્વાભાવિક જ છે. ત્યારબાદ બાળકો થવા, જવાબદારીઓ વધવી વગેરે પણ પતિ-પત્ની વચ્ચેના સંપર્ક અને સમાગમને ઘટાડવા માટે કારણભૂત બને છે.

એવું જોવા મળે છે કે ચાલીસેક વટાવ્યા બાદ સામાન્ય રીતે પતિ-પત્ની બંને પોતપોતાની જવાબદારીઓમાં એટલા મશગુલ થઇ ગયા હોય છે કે તેમની વચ્ચેનો સંવાદ માત્ર વ્યવહારિક રહી જાય છે. શારીરિક અને હોર્મોનલ ચેન્જીસને કારણે મિડલ એજમાં તેની અસર વધારે જોવા મળે છે. ઘણીવાર તો પતિ-પત્ની બંને કામ કરતા હોય, બાળકો મોટા થઇ રહ્યા હોય તેવા સમયે તેમને વચ્ચે વધતા જતા અંતર ઉપરાંત શારીરિક બદલાવને કારણે આ સ્લીપિંગ ડિવોર્સ જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે.

સ્લીપિંગ ડિવોર્સમાં પતિ-પત્ની એકબીજા સાથે તો રહે છે પરંતુ સામાન્ય રીતે અલગ અલગ રૂમમાં ઊંઘે છે. તેનું કારણ તેમની વચ્ચે કોઈ ઝગડો કે અણબનાવ હોવાનું નથી પરંતુ માત્ર આરામથી ઊંઘી શકાય, એકબીજાને ડિસ્ટર્બ ન થાય તેવું હોય છે. પતિને રાત્રે મોડી ઊંઘ આવતી હોય અને તે બુક વાંચે, કે નેટફ્લિક્સ જુએ તો તેને કારણે પત્ની પોતાની ઊંઘ ખરાબ ન કરવા માંગતી હોય એટલે બીજા રૂમમાં ઊંઘી જાય. અથવા તો પત્નીને આવી કોઈ આદત હોય તો પતિ પોતે પહેલા જઈને બીજા રૂમમાં ઊંઘી જાય. સ્વાભાવિક છે કે વધતી ઉંમરે રોમાન્સ પણ ઘટી ગયો હોય છે. જો કે સ્લીપિંગ ડિવોર્સનો અર્થ એવો નથી કે તેઓ એકબીજા સાથે રોમાન્સ કરતા નથી, સમાગમ કરતા નથી. પરંતુ તેની પુનરાવૃત્તિ ઘટી ગઈ હોવાને કારણે રાત્રીના નિત્યક્રમમાં તેનું મહત્ત્વ ઘટી ગયું હોય છે.

ઉમર વધે તેમ ઊંઘ પણ કાચી થાય. બેમાંથી એક વ્યક્તિને નસકોરા બોલાવવાની આદત હોય, બીજાની ઊંઘ કાચી હોય. રાત્રીના અને સવારના પોતપોતાના આયોજન હોય. બંને હવે પોતપોતાના શોખ અને અનુકૂળતાને પ્રાધાન્ય આપતા થયા હોય. આવા કેટલાય કારણોને લીધે અલગ અલગ ઊંઘવાનું પસંદ કરનારા દંપતીઓની સંખ્યા વધી રહી છે. આવું શહેરોમાં વધારે જોવા મળે છે. ખાસ કરીને પતિ-પત્ની બંને કામ કરતા હોય ત્યારે આવી સ્થિતિ વધારે સામાન્ય બને છે.

એકવાત યાદ રાખવી જોઈએ કે સ્લીપિંગ ડિવોર્સ શબ્દ તો નવો છે પરંતુ તેનું ચલણ નવું નથી. પહેલા પણ પતિ ખાટલો નાખીને બહાર ઊંઘતા અને પત્ની ઘરની અંદર ઊંઘતી તેવું થતું. વળી, બાળકો તેમની વચ્ચે ઊંઘતા હોય, બાળકો માટે અલગ રૂમના હોય ત્યારે દીકરો પપ્પા સાથે અને દીકરી મમ્મી સાથે ઊંઘે અને તેઓ અલગ અલગ રૂમમાં નહિ તો અલગ અલગ જગ્યાએ ઊંઘે તેવું પણ ઘણીવાર આપણા સમાજમાં બનતું. આ બધી પ્રચલિત પ્રથાઓનું જ નવું સ્વરૂપ અને નામ છે સ્લીપિંગ ડિવોર્સ જેને વાસ્તવમાં ડિવોર્સ સાથે કોઈ જ સંબંધ નથી. જો કે બાળકવિહોણા અને એકલ કુટુંબ (ન્યક્લિઅર ફેમિલી)માં રહેતા યુગલ માટે આ સ્લીપિંગ ડિવોર્સ દૂરી વધારવાનું કામ કરી શકે. તેને કારણે લાગણીકીય અંતર ઉભું ન થાય, એકબીજાને સમજવામાં કોઈ ભૂલ ન થાય તે જોવું આવશ્યક છે.