હિડન ચાર્જીસ એટલે શું જાણો છો? બજારમાં વસ્તુ ખરીદવા જઈએ ત્યારે તેનો ભાવ કઈ કહેવામાં આવે પરંતુ બિલ આવે ત્યારે તેમાં બીજા કેટલાય ચાર્જ ઉમેરાયેલા હોય જેને પરિણામે વસ્તુની કુલ કિંમત તમે ધારી હોય તેના કરતા ઘણી વધી જાય તેવું જોયું છે? કેટલીય વસ્તુઓ કે સેવાઓ ખરીદતી વખતે આપણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમાં લગાવવામાં આવતો ભાવ યોગ્ય છે કે તેમાં ત્રણ ચાર પ્રકારના અલગ અલગ ખર્ચ બીજા ઉમેરી દેવામાં આવ્યા છે?
આવું જ વસ્તુ વેંચતી વખતે પણ જોવું જોઈએ. સાવ સાચો કિસ્સો કહું છું. એકવાર કોઈ સોનીની દુકાને ગયેલો. ત્યાં એક બહેન આવ્યા થોડા ચાંદીના ઘરેણાં લઈને વેચવા માટે. દુકાનદારે ઘરેણાં જોયા અને કહ્યું કે ૩૦% ઘસારો લાગશે. બહેને થોડી રકજક કરી પણ દુકાનદાર ન માન્યો એટલે બહેને ચાંદીના ભાવ કરતા ૩૦% ઓછા ભાવે – ઘસારાને કારણે – વેંચવા સંમતિ આપી. દુકાનદારે ઘરેણાનું વજન કર્યું અને તેમાંથી ૩૦% વજન ઘટાડ્યું. પછી ચાંદીના ભાવમાંથી પણ ૩૦% ઓછા કર્યા અને વજન સાથે ગુણાકાર કર્યો. તમે ગણતરી કરશો તો સમજાશે કે દુકાનદારે બે વખત ૩૦-૩૦% કાપ્યા. એકવાર તો વજનમાંથી અને બીજીવાર કુલ કિંમતમાંથી. જો બહેન પોતે હિસાબ બે વાર નહિ ચકાસે તો તેમને નુકશાન થશે.
આ રીતે કેટલીયવાર તમારે આપવા જોઈતા હોય તેના કરતા વધારે પૈસા તમારી પાસેથી લઇ લેવામાં આવતા હોય છે અથવા તો તમને મળવા જોઈતા હોય તેના કરતા ઓછા પૈસા તમને આપવામાં આવતા હોય છે. તેવું કરવા માટે અલગ અલગ પ્રકારના હિડન ચાર્જીસ એટલે કે છુપા શુલ્ક લગાડવામાં આવતા હોય તેવું બને. ક્યારેક તો ચોખ્ખી છેતરપિંડી પણ હોઈ શકે. એટલા માટે બજારમાં જાઓ ત્યારે બિલ ચકાસીને લેવું, હિસાબ બરાબર કરવો આવશ્યક છે. તમે કિંમત આપીને વસ્તુ કે સેવા ખરીદતા હોય તો તમારે પૈસા આપતા પહેલા બેવાર ચકાસણી કરવામાં શરમ રાખવી ન જોઈએ. આખરે તે તમારા પૈસા છે. તેવી જ રીતે કઈ વેંચતા હોય તો પણ બે વાર ચકાસી લેવું જોઈએ કે તમને આપવામાં આવતી કિંમત વ્યાજબી તો છે ને. જો તેવું નહિ કરો તો સોનીની જેમ ચાંદીમાંથી ૩૦% વજન કાપ્યા બાદ કુલ કિંમતમાંથી પણ ૩૦% કપાઈ જશે અને તમને તેની ખબર પણ નહિ પડે. આવું ખાસ કરીને સોનીની દુકાનોમાં, દવાખાનાઓમાં કે વ્યાજે લીધેલા પૈસામાં થતું હોય છે.
થોડા સમય પહેલા એક મિત્રને કોઈ ફંડ મેનેજર મળ્યા. તેઓએ કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય બોન્ડમાં રોકાણ કરીએ છીએ અને નિવેશકોને ૩૦-૪૦% જેટલો નફો દર વર્ષે મેળવી આપીએ છીએ. મિત્ર પૈસે ટકે સુખી. તેમને લાગ્યું કે પ્રોપર્ટીમાં ૩-૪%થી વધારે ભાડું આવતું નથી અને આજકાલ તો પ્રોપર્ટીના ભાવ પણ વધતા નથી. તેઓએ પોતાની બે-ત્રણ પ્રોપર્ટી વેંચી નાખી અને સારી એવી રકમ તે ફંડ મેનેજરને રોકાણ કરવા માટે આપી. એકાદ વર્ષ થયું એટલે ફંડ મેનેજરે મોટી રકમ સર્વિસ ફી પેટે માંગી. મિત્રએ તેના રોકાણી સ્થિતિ પૂછી તો જાણવા મળ્યું કે તેમાં તો ઘણું નુકસાન થયેલું હતું. તેણે કમને સર્વિસ ફી માટે મોટી રકમ આપી. એક વર્ષ થયું એટલે ફરીથી મોટું બિલ આવ્યું સર્વિસ ફી માટેનું. આ વખતે પૂછ્યું તો પણ બોન્ડમાં નુકસાની. મિત્રએ કહ્યું કે જે નુકશાન થયું તે ભોગવી લઈશું. પૈસા પાછા આપી દો. પૈસા પાછા માંગ્યા એટલે ફંડ મેનેજરે બીજા બે-ત્રણ બિલ પકડાવ્યા જેના વિષે ક્યારેક વાત જ નહોતી થયેલી. આખરે ખુબ નુકસાન કરીને મિત્ર બોન્ડથી બહાર આવ્યો. વાત નફા કે નુકસાનની નથી. વાત છે ફંડ મેનેજરની સતત ચાલતી ઉઘરાણીની. તમને નફો થાય કે નુકસાન, તમારે તેને તો ભારે રકમ ચુકવવાની જ. વળી એવા એવા ચાર્જ સામે આવે કે જે તમને દરેક રીતે બેતુકા લાગે. આખરે આપણને સવાલ થાય કે જે ૩૫-૪૦% નફાની વાત થયેલી તેનું શું? આ માટે તો કોઈ જવાબદારી લે જ નહિ! રોકાણ માટે કોઈની સલાહ કે સેવા લો ત્યારે પણ ખાસ ધ્યાન રાખવું કે તેમના ચાર્જીસ શું છે. દલાલીમાં પણ ઘણીવાર એવું થતું હોય છે. સાવચેત રહેવું જરૂરી છે.
ટૂંકમાં વાત એ છે કે સામાન્ય માણસે કોઈ વસ્તુ કે સેવા ખરીદતી કે વેચતી વખતે હિસાબ બરવાર કરવો અને લેવડદેવડના નિયમો પહેલા જ સમજી લેવા. ખાસ કરીને જયારે કોઈ નવા ક્ષેત્રમાં પગ મુકો ત્યારે તો છુપા શુલ્ક – હિડન ચાર્જીસ અંગે બરવાર સમજવું આવશ્યક છે. અહીં કોઈ ખાસ વ્યવસાયને બદનામ કરવાની વાત નથી માટે જે લોકો એવું ન કરતા હોય તેઓ ટોપી ન પહેરે, પરંતુ જે લોકો આ રીતે લોકોને જણાવ્યા વિના આવા હિડન ચાર્જીસ લગાડતા હોય તેઓએ યાદ રાખવું કે આ રીતે લેવાતા છુપા શુલ્ક વાસ્તવમાં તો છેતરપિંડી જ છે.