રાહ જોવી એક કળા છે. તમને રાહ જોતા આવડે છે?
જીવનમાં અધીરાપણું માણસને જંપવા દેતું નથી. માણસની અંદરનો વલખાટ જ તેનો સૌથી મોટો શત્રુ છે જે તેને શાંતિથી વંચિત રાખે છે. જે માણસને ધીરજ રાખતા આવડી જાય, રાહ જોતા શીખી જાય તેના જીવનમાંથી ઘણી મુશ્કેલીઓ વિદાઈ થઇ જાય છે. રાહ જોવાની આવડત અને કળા શીખવી આવશ્યક છે જેથી આપણા મનની શાંતિ ન હણાય. તમે કોઈ બિલ્ડિંગમાં લિફ્ટનું બટન દબાવ્યું. ત્યાર પછી તમારે શું કરવાનું હોય? નથીંગ. માત્ર રાહ જોવાની. લિફ્ટ તમારા ફ્લોર પર આવે ત્યારે જ તમે તેમાં દાખલ થઇ શકો. બટન દબાવવાથી લઈને લિફ્ટના તમારા ફ્લોર પરના આગમન વચ્ચે જો તમે શાંતિથી રાહ ન જોઈ શકો તો તેનો અજંપો કોઈ જ રીતે લેખે લાગતો નથી. તમારા વલખવાથી ન તો લિફ્ટ વહેલી આવવાની છે કે ન તો તેમાં તમારી સક્રિયતા સાબિત થવાની છે. તમારે કરવાનું કામ કર્યા પછી વેઇટ એન્ડ વોચ.
પરીક્ષા આપી દીધા પછી પરિણામ આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ પોતાની રાતની ઊંઘ ગુમાવી દેતા હોય છે. શું થશે? પાસ થઇ કે કેમ? કેટલા ટકા આવશે? આ બધા સવાલોનો જવાબ બેચેનીથી ન મળી શકે. જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી કોઈ કઈં જ જાણી શકે નહિ અને પરીક્ષા આપી દીધા પછી તમે તમારા પરિણામમાં કોઈ પરિવર્તન પણ કરી શકો નહિ કેમ કે જે તૈયારી કરવાની હતી તે તો બધી જ પરીક્ષા પહેલાના સમયમાં કરવાની હતી. જેટલી તૈયારી થઇ તેટલી થઇ. જેવા પેપર લખાયા તેવા લખાયા. ત્યારબાદના સમયમાં સમજદાર વ્યક્તિ માત્ર એક જ કામ કરી શકે – પરિણામની રાહ જોઈ શકે. નોકરીના ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તમારા હાથમાં શું છે? નોકરી મળશે કે નહિ તે તમને કેવી રીતે ખબર પડે? ધીરજ રાખીને. રાહ જોઈને.
આવી રાહ જોતા શીખવું, નિષ્ક્રિય રહીને સમયને પસાર થતા દેવા શીખવું આવશ્યક છે. જે વ્યક્તિઓ આવી નિષ્ક્રિયતા ન કેળવી શકે તેમની નાહકની સક્રિયતા તેમને ઘણું નુકસાન કરાવે છે. વિદ્યાર્થી કે જેને પેપર આપી દીધા છે અને હવે પરિણામની રાહ જોતા વલખી રહ્યો છે તે કોઈ ઠગ એવું કહે કે તે પરીક્ષકને ઓળખે છે અને પૈસા આપવાથી પરિણામમાં ફેરફાર કરાવી શકશે તો કદાચ છેતરાઈ પણ જાય. ઇન્ટરવ્યૂ આપીને બેઠેલો ઉમેદવાર પણ કોઈ નોકરી પાકી કરાવી આપવાની લાલચ આપે તો તેના માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર થઇ જાય તેવું બને. જેને રાહ જોતા ન આવડે તેવો આવી યુક્તિઓના શિકાર થઇ શકે છે. તેમને એ વાત સમજાતી નથી કે આવા ચાલબાજ લોકો તેમની નાહકની સક્રિયતા અને બેચેનીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આવા સક્રિય લોકો કરતા તો જે લોકો નિષ્ક્રિય હોય તે વધારે સારા કહેવાય. કેમ કે તેમને ખબર છે કે આ તબક્કે તેમને રાહ જોવા સિવાય બીજું કશુંય કરવાનું નથી.
ખેડૂતે ચોમાસામાં વરસાદની રાહ જોવી જ રહી. જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી તે જમીનમાં નાખીને બીજ વેડફી નાખે તો વરસાદ પછી શું વાવે? વાવણી કર્યા પછી પાક તૈયાર થાય ત્યાં સુધી તો તેને ફરીથી રાહ જોવી પડે છે. પાક તૈયાર થયા પછી જ તે લણણી કરી શકે અને તેને વેંચીને નફો મેળવી શકે. જો તેનામાં રાહ જોવાની આવડત ન હોય તો તેની રાતોની ઊંઘ હરામ થઇ જાય છે. પાક તો તેના સમયે જ તૈયાર થાય છે. તેમાં કોઈ દખલગીરી કરી શકે નહિ તે આપણે સૌ જાણીએ છીએ.
જીવનમાં આવી તો કેટલીય સિચ્યુએશન આવે છે જયારે માણસના હાથમાં રાહ જોવા સિવાય બીજું કશું જ હોતું નથી. શું થશે તે હવે સમય જ બતાવશે. ઇચ્છવા છતાંય આપણે પરિણામમાં દખલગીરી કરવા સક્ષમ હોતા નથી. આવી સ્થિતિમાં ધીરજ ન રાખી શકીએ તો ક્યારેક ખોટું કદમ ઉઠાવી લઈએ તેવું પણ બને. કેટલાય વિદ્યાર્થીઓ પરિણામ આવ્યા પહેલા જ નાપાસ થવાના ડરથી આત્મહત્યા કરી લેતા હોય તેવા દુઃખદ કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. નિષ્ફળતાના ડરથી કેટલાય લોકો પરિણામ પહેલા જ, નિષ્ફળતા પામ્યા પહેલા જ હાર માની લેતા હોય છે. તેનું કારણ એ છે કે તેઓમાં નિષ્ફળતાનો સામનો કરવાની તાકાત હોતી નથી. પરિણામ આવે ત્યાં સુધી શાંતિથી પ્રતીક્ષા કરવાની ક્ષમતા હોતી નથી.
માછલી પકડવા સમુદ્રના કિનારે ગયેલો ખારવો જ્યાં સુધી તેની દોરીમાં માછલી ન ફસાય ત્યાં સુધી કેટલો સ્થિર રહીને પતિક્ષા કરી શકે છે તે જ નક્કી કરે છે કે તેની દોરીમાં માછલી ફસાશે કે કેમ. જો તે અધીરો થઈને વારેવારે દોરી પાણીની બહાર કાઢીને જુએ કે પછી ક્યારે માછલી આવશે તેવા રોદણાં રોયાં કરે તો માછલી અવાજ અને હલનચલનથી ચેતી જાય અને ક્યારેય તેની દોરીના છેડે રાખેલ કાંટામાંથી અળસિયું ખાવા ન આવે. આ ખરવાની સફળતાનો પુરેપુરો આધાર તેની પ્રતીક્ષા કરવાની તાકાતમાં જ રહેલો છે. માણસે એ વાત સમજતા શીખવું જ જોઈએ કે જીવનમાં ક્યારે પ્રતીક્ષા આવશ્યક છે અને ક્યારે ક્રિયાશીલતા. જ્યાં કોઈ ક્રિયાશીલતાની આવશ્યકતા ન હોય ત્યાં નાહકના અવળચંડા થઈને કામ બગાડવા કરતા સ્થિર અને શાંત બેસી રહેવું વધારે હિતાવહ હોય છે.