આપણે કહીયે છીએને કે સ્ત્રીઓને તારીખ યાદ રાખવાની સારી આવડત હોય છે. તેઓ જન્મદિવસ, વેડિંગ એનિવર્સરી વગેરે બધું જ બહુ સરળતાથી યાદ રાખી શકે છે. કેટલીક સ્ત્રીઓને તો ગ્રેજ્યુએટ થયાની તારીખ, પ્રથમ વખત બોયફ્રેન્ડ કે પતિને મળ્યાની તારીખ, પહેલીવાર મળ્યા ત્યારે ક્યાં રંગનો ડ્રેસ પહેરેલો અને કેવા રંગનો શર્ટ પહેરેલો તેવી વિગતો પણ યાદ રહે છે. તેની સામે કેટલાક લોકો એવાયે હોય છે કે જેમને કોઈનો જન્મદિવસ પણ યાદ ન રહે અને તે જતો રહે પછી બે દિવસે યાદ આવે ત્યારે અફસોસ થાય. પછી જો કે તેઓ બહાના બનાવી લેતા હોય છે, અને જેમ તેમ કરીને મિત્રો કે પરિવારના લોકોનો ગુસ્સો સહીને પણ શુભેચ્છાઓ પાઠવી દેતા હોય છે. પરંતુ આવી તારીખો યાદ રાખવાની આવડત ધરાવતા ભાગ્યશાળી અને ભૂલી જવાની નાદાની કરી બેસતાં પામર મનુષ્યોના બે અલગ અલગ વર્ગ હોય છે.

તમે કેટલીય પાર્ટીઓમાં જોયું હશે કે જેમને તારીખો યાદ રહે છે તેઓ બહુ ખુશ થઈને જીવનની નાની નાની ઘટનાઓને વર્ણવતા રહે છે અને તેની સામે જેને ગઈકાલે સાંજે શું જમ્યા હતા તે પણ યાદ ન હોય તેવા લોકો મુન્ડી હલાવતા ઉભા હોય છે. થોડીવાર આ સિલસિલો ચાલે છે. મહાજ્ઞાનીની જેમ વર્તતા અને બીજાઓને પોતાની યાદશક્તિથી પ્રભાવિત થયેલા જોઈને વધારે જોશમાં આવી જતા લોકો નકામી વિગતોમાં પણ સરી પડે છે અને પરિણામે જેમને શરૂઆતમાં લાગ્યું હોય કે વ્યક્તિમાં બહુ નોલેજ છે તે પછીથી કંટાળીને માથું ખજવાળવા લાગે છે. આવી સ્થિતિ થોડી રમુજી થઇ પડે છે પરંતુ પ્રોફેસરો અને ફોજીઓ જયારે બોલવાનું શરુ કરે ત્યારે આવું થતું હોય છે એવો આપણો અનુભવ છે.

તારીખ અને વિગત યાદ રાખવાની આવડત સાથે સાથે બીજી એક મહત્ત્વની આવડત છે નામ યાદ રાખવાની. કેટલાક લોકોને એકવાર મળો તો પણ તમારું નામ યાદ રાખી લે છે જયારે તેની સામે એવા લોકો પણ હોય છે કે બે-ત્રણ વાર મળ્યા પછી પણ નામ ભૂલી જાય. જયારે આ લોકો પણ કોઈની સાથે વાત કરતા એક નામ પછી બીજું નામ બોલવાનું શરુ કરે, એક પછી એક નવી નવી વ્યક્તિના સંદર્ભ અને ઓળખાણ આપવાનું શરુ કરે ત્યારે શરૂઆતમાં તો આપણને એવું લાગે કે ભાઈ કેટલા બધા લોકોને ઓળખે છે પરંતુ ત્યારબાદ આખરે તેમાંથી પણ આપણે કંટાળીને કહીએ છીએ કે ‘કામની વાત કરો ‘ને’.

આ રીતે યાદશક્તિ સારી ધરાવતા, તારીખો અને નામોને સરળતાથી યાદ રાખી શકતા લોકો ક્યારેક ક્યારેક એવી આદતનો શિકાર બને છે કે તેમની કંપની લોકોને થોડીવાર પછી કંટાળાજનક લાગે છે. આ ખામીને એ રીતે સમજો કે તમારી પાસે રિવોલ્વર હોય અને તેમાં ગોળીઓ પુરી ભરેલી હોય તો પણ અતિશય જરૂરિયાત વિના એકેય ગોળી છોડતા નથી તેમ જ તારીખ, નામ કે એવી બીજી કેટલીય માહિતી આપણે ધરાવતા હોઈએ તેને આવશ્યકતા ન હોય ત્યાં સુધી બીજાની માથે થોપવાનો કોઈ અર્થ નથી. જ્યાં વ્યાજબી ન હોય ત્યાં આવી વિગતો ઉમેરવાથી સંદર્ભ ખોરવાઈ જાય છે, વાતની પ્રાસંગિકતા ગુમાવાય છે.

જો કે આ ખામીનો શિકાર ન બન્યા હોય તેવા લોકોની ધારદાર યાદશક્તિ વાસ્તવમાં તો એક વરદાનરૂપ આવડત છે.

Don’t miss new articles