શું આજે તમારા કોમ્પ્યુટરમાં ૧૯૯૫માં બનેલ વિન્ડોઝ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? શું તમારો મોબાઈલ આજે એન્ટેના વાળો જૂનો ડબ્બો છે? નથી ને? આપણા ફોન અને કોમ્પ્યુટર, ટીવી અને બીજા ઉપકરણો કેટલા આધુનિક થઇ ગયા છે? દર વર્ષે નવા વર્ઝન આવે છે અને તેને સમયે સમયે અપડેટ પણ કરવામાં આવે છે. મોબાઈલમાં પણ સોફ્ટવેરનું વર્ઝન અપડેટ કરવા માટે મેસેજ આવે છે ત્યારે આપણે તરત જ ઓકે કરી દઈએ છીએ. આ રીતે ગેઝેટ અને સોફ્ટવેર અપડેટેડ રાખવાનો ફાયદો એ છે કે આપણે ફાસ્ટ અને કાર્યક્ષમતાથી કામ કરી શકીએ છીએ અને જમાનાની સાથે રહીએ છીએ.

શું આપણે પોતાના સોફ્ટવેરને પણ નિયમિત અપડેટ કરીએ છીએ? આપણા માઈન્ડસેટને સમયે સમયે બદલીયે છીએ? બદલાતી જતી વાસ્તવિકતાથી આપણે પોતાના વિચારોને સંલગ્ન બનાવીએ છીએ કે પછી જમાનો ખુબ આગળ નીકળો રહ્યો છે ત્યારે આપણા વિચારો ત્રણ દશકા પહેલાના જુના જ છે? સમય સાથે વ્યક્તિએ પોતાની આવડત, વિચારો અને અભિપ્રાયોને પણ અપડેટ કરવા જોઈએ. જો આજના સમયના મુદાઓને ન સમજીએ અને નવી સમાજ વ્યવસ્થા અનુસાર પોતાના અભિપ્રાયો ન ઘડીયે તો ઘણી જગ્યાએ આપણે જુના મોબાઈલના ડબ્બા જેવા થઇ જઈએ. જો સોફ્ટવેર અપડેટ ન થાય તો કેટલાય એપ્સ કામ ન કરે અને કેટલાય ફંક્શન ઉપયોગમાં ન આવે. તેવી જ રીતે જો આપનો માનવીય સોફ્ટવેર પણ અપડેટ ન થાય તો સમાજના કેટલાય સ્થળોએ અને પ્રસંગોએ આપણે ફિટ ન થઈએ.

યુવાનો ઘણીવાર કહેતા સંભળાય છે કે તેમના પેરેન્ટ્સ જુના જમાનાના વિચારો વાળા છે. આ જ વાતને આપણે જૂનો સોફ્ટવેર ગણાવી શકીએ. જો પેરેન્ટ્સ અને વડીલો નવા વિચારોને સમજતા નહિ થાય, સ્વીકારતા નહિ થાય તો તેઓ નિશ્ચિતપણે નવી પેઢીના પ્રસંગોમાંથી બાકાત રહેશે. તેઓને પોતાના જ બાળકોના વિચારો સમજવામાં મુશ્કેલી પડશે અને બંને પેઢી વચ્ચે અંતર વધી જશે. આવું ન થાય એટલા માટે દરેક પેઢીએ સમય સાથે નવી માહિતી પ્રાપ્ત કરતા રહેવું પડે છે, સમયના નવા વહેણને માપતા રહેવું પડે છે. આવું ન કરનાર અલગ તરી આવે છે અને પોતાની જાતને નવી સોસાયટીમાં અસ્થાને અનુભવે છે.

એક વાત નવી પેઢીએ પણ યાદ રાખવી પડે કે જેમ સમય સાથે ગેઝેટ જુના થતા જાય તેમ જ વ્યક્તિઓ પણ પોતાના સમયની મર્યાદાઓ સાથે જીવતા હોય છે. જુના ફોનમાં નવો સોફ્ટવેર અમુક સમય સુધી જ અપડેટ થઇ શકે છે. ત્યાર પછીના વર્ઝન માટે તે હાર્ડવેર કામ આવતો નથી. આવું જ વ્યક્તિઓને માટે પણ કહી શકાય. જૂની પેઢી પોતાના વિચારો અને સમજણ લઈને જીવી હોવાથી તેઓ થોડા ઘણા અપડેટ થઇ શકે, મોડર્ન થઇ શકે પરંતુ તેમની પાસે એ અપેક્ષા રાખવી કે તેઓ સૌથી લેટેસ્ટ ટ્રેન્ડ ને ફોલો કરે અને તેમાં ઢળી જાય તે અશક્ય છ. જેમ જુના લેપટોપમાં વિન્ડોઝનું અમુક સમયથી વધારે નવું વર્ઝન બેસી શકતું નથી તેમ જ આપણી સાથે પણ થાય છે.

બંને પેઢીઓએ એકબીજાની મર્યાદાઓને સમજી, સ્વીકારીને શક્ય હોય તેટલું સાહચર્ય વિકસાવવું જોઈએ જેથી કરીને પરિવાર અને સમાજમાં ઘર્ષણ ઓછા થાય. સમાજના જુના વિચારો અને રીતિરીવાજો આ જ રીતે બદલી શકશે અને આધુનિક સંકલ્પનાઓને સ્વીકારી શકશે. નહીંતર સમાજ હંમેશા બે વર્ગોમાં વહેંચાયેલો રહેશે અને આધુનિકતાવાદી તથા રૂઢિવાદી લોકો વચ્ચે ઘર્ષણ રહ્યા કરશે. શું તમે તમારો સોફ્ટવેર સમયે સમયે અપડેટ કર્યો છે?

Don’t miss new articles