આપણે કેટલાય પ્રકારના દબાણમાં જીવન જીવીએ છીએ. ભાગ્યે જ કોઈ જવાબદારી ધરાવતી વ્યક્તિ એવી હશે કે જે સામાજિક અને વ્યાવસાયિક દબાણથી બચી શકે. જેટલાં વધારે અગત્યના પદ પર હોય તેટલું જ વધારે દબાણ અને ખેંચાણ આપણા પર આવે છે. તેને ફરજ સમજીને નિભાવીએ તો છીએ પરંતુ ક્યારેક અનેક દિશાઓમાંથી થતી ખેંચતાણને કારણે તથા અપેક્ષાઓના દબાણને કારણે આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ, એક પ્રકારનો તણાવ અનુભવીએ છીએ. અમુક સમય અને મર્યાદા સુધી તો લોકો સ્ટ્રેસ મેનેજ કરી લે પરંતુ એક હદથી આગળ ગયા બાદ કોઈને પણ મુશ્કેલી પડે છે. આવા સ્ટ્રેસને કારણે કોઈની ઊંઘ ઉડી જાય, કોઈને ચિડચિડાપણું આવે, કોઈ જવાબદારી છોડવાનો વિચાર કરે અને કોઈ અંતર્મુખી થઇ જાય એવા દાખલા સામે આવે છે. જો સમયસર આ સ્ટ્રેસને મેનેજ ન કરી શકીએ તો એવું પણ બને કે કોઈ હતાશા તરફ નીકળી જાય.

સામાન્ય રીતે જે લોકો પોતાની ફરજને ગંભીરતાથી લેતા હોય, કોઈને મદદરૂપ બનવા પ્રયત્નશીલ હોય તેમને જ આવા અનેકવિધ દબાણો સહેવા પડે છે. જે માણસ હાથ ખંખેરી દે તેની પાસે તો કોઈ અપેક્ષા રાખવાનું જ નથી તે વાત સ્વાભાવિક છે. સારા વ્યક્તિઓને અતિશય સ્ટ્રેસ આપીને તેમને નિષ્ક્રિય કરી દેવા આપણા સૌના માટે નુકશાનકારક છે. મીઠા ફળ દેનારા વૃક્ષના મૂળિયાં જ ખાઈ જઈએ તો ભવિષ્યમાં ફળની આશા ક્યાંથી રાખીએ? સોનાનું ઈંડુ દેનારી મુરઘીને એક ઝાટકે હલાલ કરી નાખનાર હંમેશને માટે જ રોજ રોજ મળતાં લાભથી હાથ ધોઈ બેસે છે. આવું ન બને એટલા માટે આપણી પોતાની એક ફરજ છે કે જેની પાસે આપણે કોઈ કામ કરાવવાની આશા રાખતા હોઈએ તેવા વ્યક્તિ પર નાહકનો બોજ ન મુકવો. કેમ કે તેના પર બીજા પણ કેટલાય લોકો આધાર રાખીને બેઠા હોય છે. જો સૌ કોઈ પોતપોતાના નાનામોટા કામને લઈને આવું પ્રેસર બનાવે તો આજે નહિ તો કાલે તે વ્યક્તિની ક્ષમતા અને ધીરજ જવાબ દઈ દે એ વાત સમજી શકાય તેવી છે. પરિણામે તે હંમેશને માટે આપણી કે બીજાની કોઈ જરૂરિયાતમાં મદદરૂપ ન થાય તેવું બની શકે. આવું બનવાનું કારણ તેની અનિચ્છા નહિ પરંતુ તેની મર્યાદા હોય છે.

જયારે કોઈને કામ સોંપીએ છીએ ત્યારે આપણે પોતે પણ જાણીએ છીએ કે તે કામ કરાવવા માટે તેને આગળ બીજા કોઈને વિનંતી કરવી પડશે, ફોન કરવો પડશે. આ રીતે અનેક લોકોની આવશ્યકતાઓને ધ્યાનમાં લઈને તેને પણ કેટલાય ફોન કરવા પડતા હોય છે. એક દિવસ એવો આવે કે તે જે લોકોને ફોન કરીને કામ કરવા માટે વિનંતી કરતા હોય તેઓ પણ જવાબ દેવાનું બંધ કરી દે, અથવા તેમના પર પણ અનેકગણું પ્રેસર હોવાથી મળેલી બધી જ રિકવેસ્ટ પર કામ ન કરી શકે. કહેવાનો અર્થ એ છે કે એક સ્વનિર્ધારીત મર્યાદાને વશમાં રહીને જ આપણે કોઈની પાસેથી મદદ મેળવવાની અપેક્ષા રાખવી જોઈએ. દરેક નાનીમોટી જરૂરિયાતોને માટે આપણે જે કોઈ પદાધિકારીને ઓળખાતા હોઈએ તેને મેસેજ કે કોલ કરી કરીને પરેશાન કરવાથી તેના વધારે મહત્ત્વપૂર્ણ કામોમાં વિક્ષેપ કરીશું તેવી સમજ કેળવવી જરૂરી છે. તેઓ આપણને ઓળખે છે એટલે આપણા દરેક કામ કરવા બંધાયેલા છે તેવી ખોટી માન્યતા ન કેળવવી જોઈએ.

વળી એક વાત એ પણ છે કે આપણે પચાસ કામ માટે રિકવેસ્ટ આપી હોય અને તેમાંથી પાંત્રીસ થઇ ગયા હોય પરંતુ પંદર ન થયા હોય તો તેને લઈને મનમાં કૃતઘ્નતા ન લાવવી જોઈએ. દરેક વ્યક્તિની પોતાની મર્યાદા હોય છે અને પરિણામે ઇચ્છવા છતાંય દરેક વખતે આપણને મદદરૂપ ન બની શકે. આ બાબત ખાસ કરીને સરકારી અધિકારીઓ માટે વધારે લાગુ પડે છે કેમ કે આપણે ગમે તે સમજીએ પરંતુ વાસ્તવમાં તેઓ અનેક નિયમોથી બંધાયેલા છે અને તેમની પાસે પણ કોઈ અમર્યાદ રાજવી સત્તાઓ હોતી નથી. ઉપરાંત સમાજના હોદેદારો અને પરિવારના વડાઓ માટે પણ કેટલીયવાર આપણે દુવિધાપૂર્ણ અને ધર્મસંકટમાં મૂકી દઈએ તેવી અપેક્ષાઓ સેવીએ છીએ જેને તેઓ પૂરી ન પણ કરી શકે.

સમજવાની વાત એટલી છે કે જો આપણી તાતી જરૂરિયાત ન હોય તો કોઈના પર સામાન્ય પ્રક્રિયા અને નિયમોથી અલગ કોઈ કામ માટે પ્રેસર કરવું નહિ. હા આવશ્યકતા હોય ત્યારે જરૂર વિનંતી કરી શકાય. તેમ છતાંય જો કાર્ય આપણી ઈચ્છા પ્રમાણે પાર ન પડે તો રાગદ્વેષ કરવા યોગ્ય નથી.