દુઃખતા ગુમડાને દબાવીને વધારે દુખાડવું કોને ગમે? લાગેલી આગમાં ઘી હોમવા જેવી પ્રક્રિયા કોણ સહન કરી શકે? કયો માણસ વાગેલા ઘાવ પર મીઠું ભભરાવવા દે? તેવી જ રીતે આજે જે પરિસ્થિતિ ચાલી રહી છે, જેટલી દર્દનાક સ્થિતિમાંથી આપણે સૌ પસાર થઇ રહ્યા છીએ તેમાં કોઈ વધારો કરે તો તેનું શું કરવું? કોઈ આપણને સાંત્વન આપવાને બદલે આપણી હૈયાગ્નિને વધારે ભડકાવે તેવું તો ન જ પોસાય ને?
હા, આવી સ્થિતિમાં પણ આપણી પીડામાં કેટલાય લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વધારો કરી રહ્યા હોય છે. આવા લોકો અને પ્રવૃતિઓથી દૂર રહેવું, તેમને અટકાવવા જરૂરી છે. જેમ કે આજે જયારે સૌ કોરોનારે સર્જેલી ચિંતાજનક સ્થિતિમાં જીવી રહ્યા છે ત્યારે જે લોકો ખોટી અફવાઓ કે ફેક ન્યુઝ ફેલાવીને લોકોના ઉદ્વેગમાં વધારો કરી રહ્યા છે તે બહુ ખરાબ કહેવાય. કોઈ ખોટા ન્યુઝ અને અફવાઓ ફેલાવે, વગર પ્રમાણના સમાચારો રજુ કરે તે લોકોની પીડામાં વધારો કરનારું છે.
કેટલાય લોકો સોશ્યિલ મીડિયામાં, જેમ કે ટ્વિટર, વોટ્સએપ, ફેસબુક, બ્લોગ વગેરે પર, બિનવૈજ્ઞાનિક પદ્ધતિઓથી લોકોને કોરોનાના ઈલાજ બતાવી રહ્યા છે. કેટલીક વાર લોકોને ખોટી રીતે ભરમાવે પણ છે. કેટલીક કંપનીઓ આ સમયે કોરોનાથી બચાવવાના દાવા કરીને એવા પ્રોડક્ટ્સ વેચી રહી છે જેને કોરોના વાઇરસ સાથે કંઈજ લેવા દેવા નથી. હમણાં હમણાં કોઈ કંપનીએ કોરોના ટેસ્ટિંગની કીટ વેચીને કરોડો રૂપિયા બનાવી લીધા. કોઈ કંપનીએ એવી જાહેરાત કરી કે તેમનું એર પ્યુરિફાયર હવામાં રહેલા કોરોના વાઇરસને ખતમ કરી દે છે અને એટલા માટે તેને ઘરમાં રાખનારને ક્યારેય કોરોના નહિ થાય. કોઈ કોઈ એ તો કોરોનાથી બચવા માટે હવન કે તાવીજ પણ કરી દીધા. શ્રદ્ધા સારી, પરંતુ અંધશ્રદ્ધા નહિ. આ બધું જ ઘાવ પર મીઠું ભભરાવવા જેવું છે.
આવી સ્થિતિમાં આપણી પોતાની જવાબદારી એ બને છે કે આપણે પોતાની જાતને સકારાત્મક અને આશાવાદી બનાવી રાખીએ તથા આવી ખોટી અફવાઓનો ભોગ ન બનીએ. જે કઈ કરીએ તે વૈજ્ઞાનિક પ્રમાણ સાથે જ કરીએ અને માત્ર અને માત્ર સરકારી આંકડાઓ અને સૂત્રોનો જ વિશ્વાસ કરીએ. ભારત અંગેની અધિકૃત માહિતીથી જાણકાર રહેવા માટે @HCI_London ટ્વીટર, કે ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનું ટ્વીટર, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની વેબસાઈટ જોતા રહો. સાપ્તાહિક ન્યુઝ તો ગુજરાત સમાચાર અને Asian Voice માં મળી જ જશે. કેટલીક સારી ચેનલ અને સમાચાર પત્રો પર પણ ભરોસો કરી શકાય.