આજકાલ શેરમાર્કેટ અને કોમોડિટી માર્કેટમાં રોકાણ કરનાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. માર્કેટમાં ચાલી રહેલ અસ્થિરતા ઘણા લોકોના નાણાં ડુબાડી રહી છે. પરંતુ અહીં એક મહત્ત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક બાબત યાદ રાખવા જેવી છે. માનસિક ગણતરી અને તેનાથી મળતી ખુશી કે દુઃખની લાગણી વાસ્તવિકતાથી અલગ હોય છે. જેમ કે તમારો પોર્ટફોલિયો આજે ૧૫% નું નુકસાન બતાવી રહ્યો હોય તો તમને તે જોઈને દુઃખ થાય. પરંતુ તે નુકસાન વાસ્તવિક નથી. તમારા પૈસા ગયા નથી. તમારી પાસે એટલા જ શેર છે જેટલા તમે ખરીદેલા. જ્યાં સુધી તમે લોસ બુક નહિ કરો ત્યાં સુધી આ નુકસાન નોશનલ છે – આભાસી છે. માર્કેટમાં તેજી આવતા તે ફરીથી ઉપર આવી શકે છે.

આપણી આ રીતે માનસિક ગણતરી કરીને દુઃખી થવાની કે ખુશ થવાની ભાવના કેટલીયવાર આપણને વાસ્તવિકતાથી દૂર લઇ જાય છે. જેમ કે કોઈ વખતે ભૂલ થઇ ગઈ હોય તો ઓફિસમાં ફટકો પડશે કે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તેવું વિચારીને જ આપણે એટલા ડરી જઈએ છીએ કે પરસેવો છૂટી જાય છે. પરંતુ શક્ય છે કે વાસ્તવમાં એવું કઈ બને જ નહિ. આપણને કોઈ કઈ કહે જ નહિ. તેને માત્ર એક સામાન્ય ઘટના ગણીને જતી કરવામાં આવે. તેવી જ રીતે ક્યારેક ભવિષ્યમાં મળવાના કોઈ પુરસ્કાર કે ફાયદાને લઈને આપણે આજે ખુશ થતા હોઈએ, અને તેના આધારે ઘણું આયોજન પણ કરી લઈએ. પરંતુ સંજોગો બદલાઈ જાય અને તેવું કઈ થાય જ નહિ તેવું પણ બને. આ રીતે આપણે વાસ્તવિકતામાં કઈ થાય તે પહેલા જ માનસિક કલ્પનાઓ અને ગણતરીઓના આધારે ઘણુંબધું અનુભવી લઈએ છીએ.

આપણી આવી લાક્ષણિક્તાને કારણે ઘણીવાર નુકસાન વાસ્તવમાં હોય તેના કરતા ઘણું મોટું ભાષે છે. આપણે પ્રમાણમાં વધારે દુઃખી થઈએ છીએ. તેવી જ રીતે ખુશી માટે પણ હોઈ શકે. કારણ કે આપણે ભાવનાત્મક જગતમાં એટલા ઊંડા ઊતરી જઈએ છીએ કે તેને વાસ્તવિકતાથી સાંકળી શકતા નથી. વારંવાર આવું કરતા રહેવાથી આપણે પોતાના વાસ્તવિક જગત અને માનસિક જગત વચ્ચે અંતર વધારતા જઈએ તેવું બને. મુંગેરી લાલ કે હસીન સપને નામની જૂની એક ધારાવાહીમાં મુંગેરી લાલના સપના હંમેશા વાસ્તવિક જગતથી ઘણા દૂર રહેતા. તેઓ અલગ જ દુનિયામાં રાચતા. અને સપનું તૂટતાં ફરીથી જમીન પર આવી જતા. આવું જ આપણી સાથે થઇ શકે.

આવા ઈમોશનલ રોલર કોસ્ટરમાં એટલે કે લાગણીમય ચકડોળમાં ફરવાથી આપણે ભાવનાત્મક હિલ્લોળા લીધા કરીએ છીએ. સારા ખ્યાલ આવતા હોય ત્યારે તો ઠીક પરંતુ જયારે ખરાબ વિચારોનો મારો ચાલે ત્યારે વ્યક્તિ અતિશય નાસીપાસ થઇ જાય છે. હતાશ બને છે. ક્યારેક ન કરવાનું કરી બેસે છે. માટે આવશ્યક છે કે આપણે પોતાના વિચારોને વાસ્તવિકતાની નજીક જાળવી રાખીએ. જેથી આપણી માનસિક શાંતિ જળવાઈ રહે. ખોટા ખ્યાલમોમાં બહુ ઊંચા કે નીચા ન જઈએ.

આજે પણ જે લોકો શેરમાર્કેટને કારણે કે બીજી કોઈ ઘટનાને કારણે દુખીન થઈને બેઠા હોય તેઓએ પોતાના માનસિક ખ્યાલોને વાસ્તવિકતા સાથે સરખાવીને અનુમાન લગાવવું જોઈએ કે ખરેખર કોઈ નુકસાન થઇ રહ્યું છે? અત્યારે આપણા ખિસ્સામાંથી કોઈ પૈસા જતા રહ્યા છે? કોઈ રીતે પરિવારને તંગી પડે તેવું છે? જો બધું જ સારું ચાલી રહ્યું હોય તો આભાસી નુકશાનને લઈને અત્યારે નાહકનું પરેશાન થવાનો કોઈ ફાયદો નથી. આવા સમયે માનસિક અને ભાવનાત્મક રીતે સ્ટ્રોંગ બની રહેવું આવશ્યક છે. વૈચારિક નબળાઈ આવશે તો ખોટા નિર્ણય લેવાશે. લાંબાગાળાનું વિચારીને જ પગલાં લેવા હિતાવહ છે.

પરિસ્થિતિને અલગ પરિપ્રેક્ષ્યથી જોઈને તેને મુલવવી જરૂરી છે. ભલે કોઈ એક જગ્યાએ નુકશાન થવાની શક્યતા હોય પરંતુ જીવનના બીજા પાસા તો સ્થિર છે ને? આરોગ્ય, પરિવાર, સામાજિક સ્થાન, આર્થિક સ્થિતિ વગેરે પૈકી કોઈ એકાદ પાસું અત્યારે નબળું ચાલી રહ્યું હોય તો પણ જીવનનો ઓવરઓલ સ્કોર સારો હોય તો સમજવું કે આપણે રાજા. એકાદ વિકેટ જાય, અમુક ઓવરમાં રન ઓછા આવે પરંતુ આખરે મેચ જીતી જઈએ તે જરૂરી છે.