કેટલીવાર તમે પોતાની જરૂરિયાત કે ઈચ્છા પુરી કરવા માટે કોઈની સામે અવાજ ઉઠાવી શકો છો, અરજી કરી શકો છો? કોઈકવાર આપણને પોતાના અધિકારની માંગણી કરવામાં પણ શરમ આવતી હોય છે, સંકોચ થતો હોય છે અને તેને કારણે જે મેળવવાને આપણે હકદાર હોઈએ તે પણ પામી શકતા નથી. ‘આટલી નાની માંગણી કરીને સોનાની જળ પાણીમાં શા માટે નાખવી’, તેવું વિચારીને આપણે નાની-મોટી વસ્તુઓ કે જેના માટે પોતાના સંગઠનમાં, કંપનીમાં કે પરિવારમાંથી હકદાર હોઈએ તે પણ જતી કરતા હોઈએ છીએ. પરિણામ એવું આવે છે કે જે આપણને આપવા બંધાયેલા હોય તેમને તો લાગતું હોય છે કે અધિકાર પ્રમાણે સૌ પોતપોતાની સેવા કે વસ્તુઓ પ્રાપ્ત કરી રહ્યા છે પરંતુ વાસ્તવમાં એવું થતું નથી.

આવી સ્થિતિ સરકારી ઓફિસમાં ઘણીવાર થાય છે. જે લોકો સરકારની કોઈ યોજનામાંથી કઈ લાભ મેળવવાને હકદાર હોય અને જો તેઓ એ ન મેળવે તો વચ્ચેથી કોઈ ગફલત કરી જાય, અથવા વસ્તુ પાછી કોઠારમાં જતી રહે તેવું બને છે. જુના સમયમાં જેઓ ભારતમાં રહ્યાં હોય તેમને યાદ હશે કે સસ્તા અનાજની દુકાનોમાં કેરોસીન, ખાંડ, રાશન વગેરે સરકાર તરફથી બજાર કરતા ઓછા ભાવે મળતું. આવી વસ્તુઓ મેળવવા માટે કેટલાય પરિવારના લોકો લાંબી હરોળમાં ઉભા રહેતા. એવું પણ બનતું કે જયારે પોતાનો વારો આવે ત્યારે જ દુકાનદાર દરવાજો બંધ કરે અને કહે કે જથ્થો સમાપ્ત થઇ ગયો છે. નિરાશા અને સંકોચથી એ માણસ ફરીવાર ત્યાં જતા અચકાય પરંતુ તેના નામે જે પુરવઠો સરકાર મોકલતી હોય તે તો આવતો જ રહે છે. પછી તેનો ઉપયોગ કાળા બજારી માટે થતો હોય એવું પણ બનતું.

ક્યારેક સંબંધોમાં પણ તમને જે લેવા-દેવાનું થતું હોય તેની માંગણી ન કરો, શરમમાં રહી જાઓ તો સામેની વ્યક્તિને લાગે છે કે આપણે અભિમાની છીએ અથવા તો આપણને જરૂરિયાત નથી. ક્યારેક કોઈ એવું પણ માને છે કે આપણે માંગતા ભૂલી ગયા છીએ. ઉધાર આપેલા પૈસા મંગાવામાં શરમ અનુભવતા હોઈએ અને સામેની વ્યક્તિ પોતે પણ ક્યારેય વાત જ ન ખોલે, અને પરિણામે તમારે તે પૈસા ગયા ખાતે લખી દેવા પડ્યા હોય તેવું બન્યું છે ક્યારેય? આવા કિસ્સા તો લગભગ બધાના જીવનમાં બનતા જ હોય છે. ઉધાર માંગીને પાછા ન દેનારા લોકોની સંખ્યા તો બહુ મોટી છે અને વળી સાગા સંબંધીઓમાં લેવડ દેવડ કરી હોય તો તો તેમના વિષે ક્યારેય વાત પણ ન કરાય. જો કાઇ બોલાય જાય તો સંબંધ બગડે એવા ડરથી પણ કેટલાય લોકો બે-પાંચ હજાર જતા કરીને બેઠા હોય છે.

વાત ટૂંકમાં એ છે કે જ્યાં જે લેવાનું નીકળતું હોય તે સમયસર પ્રામાણિકતાથી માંગી લેવામાં જ આપણી અને સામે વાળાની ભલાઈ છે. જો આપણે તે ન માંગીએ તો સસ્તા અનાજની દુકાનની જેમ પુરવઠો વેડફાઈ જાય અથવા તો કાળા બજારમાં વેંચાઈ જાય. સંબંધમાં ન માંગીએ તો સામેની વ્યક્તિ ક્યારેક અભિમાની પણ માની લે અને ઉધાર ન ઉઘરાવીએ તો કોઈને એવું ન થાય કે તેઓ સામેથી આવીને આપણા નાણાં ચૂકવે. કંપનીમાંથી મળતા લાભ ન લેવાથી તે પણ વ્યર્થ જાય અથવા મેનેજમેન્ટને લાગે કે હવે લોકોને આ લાભ કે સુવિધાની આવશ્યકતા નથી અને તે કદાચ આપવાનું જ બંધ કરી દે. માટે ફાયદો એમાં જ છે કે તમારું બનતું હોય તે માંગી લેવું અને લઇ લેવું. નાહકની શરમમાં કે સંકોચમાં રહીને વ્યવસ્થામાં ખલેલ કરવો નહિ.

Don’t miss new articles