આમ તો કરાર – કોન્ટ્રાક્ટ – એ કાયદાનો શબ્દ છે અને બે પક્ષ વચ્ચે જયારે કોઈ અવેજના બદલામાં વચનની આપ લે થાય, તેમાં કાયદાકીય રીતે બાધ્ય એવું કોઈ કાર્ય કરવાની કે ન કરવાની સમજૂતી થાય ત્યારે તેમની વચ્ચે કરાર થયો કહેવાય. પરંતુ કરાર હંમેશા માત્ર કાયદા માટે જ થાય તેવું જરૂરી નથી. ઘણીવખત આપણે સંબંધોમાં પણ એકબીજાને કોલ આપતા હોઈએ છીએ અને વચનબદ્ધ બનવાની તૈયારી દર્શાવતા હોઈએ છીએ. આવા કરારમાં કોઈપણ સ્થિતિમાં, કોઈપણ ભોગે, પોતે આપેલું વચન નિભાવવાની આપણી તૈયારી હોય છે. જો કોઈને પ્રોમિસ કરીએ પરંતુ તેના પર ખરા ઉતરવાનો ઈરાદો જ ન હોય તો તે સદંતર છેતરપિંડી કહેવાય. કોઈ આપણી પાસેથી કામ કરાવે અને તેના બદલામાં આપણું કોઈ કાર્ય કરી આપવાનો વાયદો કર્યો હોય તો તેને કહી શકાય કરાર. પરંતુ તે વાયદો એવું જાણીને કર્યો હોય કે તેને ક્યારેય પૂરો કરવો જ નથી તો તેને કહેવાય ચારસો વીસી – છેતરામણી. જૂઠાણાં દ્વારા કોઈની પાસેથી કઈ લઇ લેવું કે કામ કઢાવી લેવું કરાર નથી – કરારભંગ છે.

સમાજમાં થતા આવા સાંબંધિક કરારોમાં વિશ્વાસ બહુ મોટો ભાગ ભજવે છે અને જે સંબંધમાં વિશ્વાસઘાત થઇ જાય ત્યાં કરારનો પાયો જ હલી જાય છે. લગ્ન એક કરાર છે – જેમાં પતિ-પત્ની એકબીજાની સાથે કેટલાય વાયદાઓ કરે છે – કેટલાક વાયદાઓ સ્પષ્ટ રીતે કહીને કરવામાં આવે છે તો કેટલાક વિના બોલ્યે પણ અસ્તિત્વ ધરાવે છે તેવું માની લેવામાં આવતું હોય છે. તેવી જ રીતે અન્ય દરેક સંબંધોમાં પણ કઈંકને કઈંક તો કરાર જેવું હોય જ છે. પિતા-પુત્રના સંબંધમાં નાની ઉંમરના પુત્રની કેટલીક અપેક્ષા હોય છે અને પિતાની કેટલીક ફરજ હોય છે. જયારે પુત્ર યુવાન થાય ત્યાર પછી સિક્કાની બીજી બાજુ દેખાય છે. ભાઈને રાખડી બાંધતી બહેન પણ એક રીતે તો કરારને જ જન્મ આપતી હોય છે. પ્રેમી-પ્રેમિકાના સંબંધ, માં-પુત્રના સંબંધ કે મિત્રતામાં પણ આવી સમજૂતી કે કરાર હોય જ છે. શિક્ષક-વિદ્યાર્થીનો સંબંધ કે ડોક્ટર-દર્દીનો સંબંધ પણ કરારના જ ઉદાહરણ છેને?

વાતનું તાત્પર્ય એ છે કે ભલે કાયદાકીય રીતે આપણે કોઈ કોન્ટ્રાક્ટમાં ન ઉતર્યા હોઈએ પરંતુ રોજબરોજના જીવનમાં તો અનેક કરારો આપણે કરીએ જ છીએ. આવા દરેક કરારમાં આપણા પક્ષે કેટલાક અધિકાર અને કેટલીક ફરજો આવતી હોય છે તે શું આપણે સંપૂર્ણપણે જાણીએ છીએ કે નિભાવીએ છીએ? આપણે અધિકારના પક્ષ અંગે તો કદાચ અપેક્ષિત રીતે જ સાવધ હોઈએ પરંતુ શક્ય છે કે ફરજના પક્ષે ક્યાંક ઉદાસીનતા સેવતા હોઈએ. આવી ઉદાસીનતાને કારણે જ આપણા ઘણા સામાજિક સંબંધો કાચા રહી જતા હોય છે, કે નબળા બની જતા હોય છે. સંબંધમાં આપણે ઘણીવાર લોકોને કહેતા સાંભળીએ છીએ કે ‘તે પોતાની ફરજ ચુકી ગયા’. આ ફરજ ચૂકવાથી કોઈ ગુનો થયો કે નહિ તે તો કહી શકાય નહિ પરંતુ સામાજિક કરારભંગ તો થયો જ ગણાય.

પ્રશ્ન એ પણ છે કે આપણે જયારે કોઈ સંબંધના કરારમાં શામેલ થઈએ ત્યારે સચેત થઈને પોતાના અધિકાર અને ફરજ અંગે વાકેફ બનીએ છીએ? જો આપણે અધિકાર જ ન ભોગવીએ તો કદાચ ફરજ પણ આપણા ભાગે ન આવે તેવી દલીલ કઈંક અંશે સાચી પડે. વળી જો સામેવાળી વ્યક્તિ પ્રત્યેની આપણી અપેક્ષિત ફરજો નિભાવી દીધી હોય તો આપણને એ અધિકાર મળે છે કે તે પણ પોતાની ફરજ નિભાવે તેવું ભારપૂર્વક કહી શકીએ. એવું પણ બને કે સામેવાળી વ્યક્તિ પોતાની ફરજથી ચુકી જાય. સંબંધોમાં દગા પણ મળતાં હોય છે. તો શું તેને અદાલતમાં લઇ જવા કે પછી જતું કરવું? કોર્ટ પણ ઘણા સામાજિક કિસ્સાઓનું સંજ્ઞાન લેતી નથી અને બંને પક્ષોને જાતે જ સુલેહ કરી લેવાનો મત આપે છે. વચન તૂટે એટલે દિલ તૂટે અને પરિણામે કરાર પણ તૂટે જ છે. તેમ છતાંય કાયદો તેનું સંજ્ઞાન લેતો ન હોવાથી આપણે જાતે જ તેનો ઉકેલ લાવવો પડતો હોય છે, અથવા તો ગમ ખાઈને જતું કરવું પડતું હોય છે. સૌને ખબર છે કે સામાજિક સંબંધોમાં કોઈ કાયદો વચ્ચે પાડવા માંગતો નથી એટલે જ તો તે સ્વેચ્છાએ અને સજ્જનતાના જોરે ટકી રહેતા હોય છે. એ સંદર્ભમાં કોઈ ગુજરાતી કવિએ સાચું જ લખ્યું છે:

પ્રેમ આપવો હોય તો આપો,
બાકી ઉપકાર નથી જોઈતો,
દિલથી આપો એટલે બહુ થયું,
લિખિત કરાર નથી જોઈતો.
(કવિનું નામ લેખકને જ્ઞાત નથી.)

તમારા કરારોના કાગળની ફાઈલને કોઈ સાંજે ખોલીને બેસજો. તેમાં કેટલા તમે નિભાવ્યા અને કેટલા નથી નિભાવ્યા તેનું સરવૈયું કાઢજો. જેને નિભાવવામાં કચાસ રહી ગઈ હોય તેના માટે મનથી માફી માંગજો. જે કરારોમાં સામેવાળા પક્ષે પોતાની ફરજ નિભાવવામાં કસર રાખી હોય તેને મનોમન માફ કરી દેજો અને સંબંધોનું નવું ખાતું ખોલજો. પરંતુ આવું કરતા એક વાત જરૂર યાદ રાખજો કે સંબંધના કરારભંગ માટે અદાલત વચ્ચે પડવાની નથી. તેને તો તમારે જાતે જ સુલઝાવવાના રહેશે. એટલા માટે જ શીખવા જેવી વાત એ છે કે સામાજિક કરાર ખુબ સમજી વિચારીને કરવા જોઈએ. કોઈની પણ પાસે અપેક્ષા રાખવાથી આખરે તો દુઃખી થવાનો જ વારો આવે છે. એના કરતાં તો ઓછા અને ચુનિંદા લોકોને જ જીવનના કરારમાં શામેલ કરવા. અન્યને મદદ કરી દેવી, તેમને જરૂરી કામ કરી દેવું પરંતુ તેને દ્વિપક્ષીય ન બનાવવું. આપણા પોતાના તરફથી બનતું કર્યું તેને ‘નેકી કર, દરિયામેં ડાલ’ ની માફક ભૂલી જવું. યાદ રાખજો કે આ દુનિયામાં સૌ કોઈ અપેક્ષાને લાયક નથી જ હોતા પરંતુ મદદને લાયક તો હોય જ છે.