કેટલીયવાર આપણી સામે મૂડી નિવેશ માટે ઓફર આવતી હોય છે. ક્યારેક તે આપણા પરિચિત લોકો તરફથી તો ક્યારેક કોઈ કંપની તરફથી હોઈ શકે. આવા પ્રસ્તાવો અંગે વિચારતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે. જો કે તેની સાથે કોન્ટ્રાકટ હોય છે જેમાં બધી જ વિગત લખી હોય છે. આ વિગતો અનુસાર તેઓ નિવેશકને કાયદાનુસાર વળતર આપવા બંધાયેલા હોય છે. પરંતુ બને છે એવું કે આ કોન્ટ્રાકટ જ એટલો ગૂંચવણભર્યો હોય છે કે તે સામાન્ય વ્યક્તિને સમજતો જ નથી. આવી સ્થિતિમાં ઘણીવાર આપણે નુકશાન કરી બેસીએ છીએ અને છેતરાયા હોવાનો અહેસાસ થાય છે.

આવું સંબંધોમાં પણ થતું હોય છે. જયારે આપણે કોઈની સાથે વિશ્વાસનો સંબંધ બનાવીએ તે એક રીતે તો એલિખિત કરાર જ થયો કહેવાય. તેમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી થઇ હોય છે કે તેઓ એકબીજાનો વિશ્વાસભંગ નહિ કરે. પરંતુ તેમ છતાં એક વ્યક્તિ બીજી વ્યક્તિનો ભરોસો તોડે અને કહે કે ‘એવી તો વાત જ નહોતી થઇ આપણી વચ્ચે.’ અને બીજી વ્યક્તિ પાસે તેવું પુરવાર કરવાનો કોઈ માર્ગ ન હોય ત્યારે એવી સ્થિતિ સર્જાય છે જાણે કે આવા ગુંચવંભર્યા કોન્ટ્રાકટ પર આપણી પાસે સહી કરાવી લીધી હોય તેમાં આપણે ભરોસો કરીને નિવેશ કરી દીધો હોય. વાત મૂડીની હોય ત્યાં સુધી તો હજીયે ઠીક છે પરંતુ જયારે આ બાબત લાગણી સાથે સંકળાયેલી હોય, માનવ સંબંધના વિશ્વાસ સાથે સંકળાયેલી હોય ત્યારે ઝાટકો વધારે લાગે છે.

સંબંધોમાં બધી વાતો પહેલાથી નિશ્ચિત કરવી શક્ય નથી હોતી અને એટલે થોડીઘણી બાંધછોડ કરવી પડે છે. જે લોકો ન કરી શકે તેમને મુશ્કેલી પડે છે. ક્યારેક સંબંધમાં જતું પણ કરવું પડે અને તે કોન્ટ્રાકટ અનુસાર નક્કી થયેલું હોતું નથી. કોઈ પક્ષ વધારે નફામાં રહે અને કોઈ નુકશાનમાં રહે તેવું પણ બને. પરંતુ આવા સમયે કોઈ એક વ્યક્તિ સંબંધનો ફાયદો ઉઠાવીને બીજાનું શોષણ ન કરે તે આવશ્યક છે. કેટલાય સંબંધો એટલે જ ખરાબ થતા હોય છે કેમકે લોકોને એ વાતનો અહેસાસ થતો નથી કે ક્યાં સુધી સંબંધમાં કોઈ આપણા માટે ઘસાયા કરે? ક્યારેક તો કોઈને એવું લાગે કે તેનો ફાયદો ઉઠાવાયો છે. આવા સમયે સંબંધમાં તિરાડ પડે છે અને તે પછી જોડાતી નથી.

સંબંધોના કરાર સાચવવા એ એક કલા છે અને તેને હસ્તગત કરવાની બસ એક જ ચાવી છે કે પોતે બીજાના માટે ભોગ આપવો પડે. તેના માટે સક્ષમ થવું પડે. જે લોકો પોતાની જાતને સક્ષમ ન બનાવે તે સંબંધમાં માત્ર પરોપજીવીની જેમ રહે છે અને જો તે પોતાનો ભાગ ન ભજવે તો માત્ર એક વ્યક્તિના ભાગે બધી જવાબદારી આવી જાય છે. આ સ્થિતિ સંબંધની ગરિમા માટે અને તેને દીર્ઘજીવી બનાવવા માટે યોગ્ય નથી. સંબંધનો અર્થ જ સમ – બંધ થાય છે એટલે કે બંનેની વચ્ચે સમાન બંધન, જોડાણ હોવું જોઈએ. સંબંધના તાંતણાને મજબૂત બનાવવા, બંને પક્ષને સમાન બનાવવા તેઓએ પોતપોતાની ફરજો સમજીને નિભાવવી પડે છે. આ ફરજ તેઓએ જાતે નક્કી કરવાની હોય છે. જ્યાં સમાન રીતે પોતપોતાની ફરજ સમજીને લોકો ન જીવે ત્યાં કદાચ સમાનતા ખોરવાય અને એકવ્યક્તિના ભોગે સંબંધ ટકી રહે પરંતુ તેમાં ગરિમા હોતી નથી.

સંબંધના કરારને સમજીને પોતપોતાના ભાગે આવતી ફરજો સારી રીતે નિભાવીએ અને અલિખિત શરતો લાદીને બીજાને ન છેતરીએ.

Don’t miss new articles