જો સૃષ્ટિનો સૌથી શક્તિશાળી જીવ માનવી હોય તો તેના માટે જવાબદાર તેનું મગજ છે. માનસિક ક્ષમતાને કારણે જ આપણે અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોમાં ટકી જઈએ છીએ. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અનુસાર ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ’ એટલે કે સૌથી વધારે યોગ્ય હોય તે જ સૃષ્ટિમાં અસ્તિત્વ જાળવી શકે. ડાયનાસોર જેવા મહાશક્તિશાળી પ્રાણી પણ ટકી ન શક્યા તેનું કારણ એ જ હતું કે તેઓ શક્તિશાળી હતા પરંતુ પરિસ્થિતિને અનુકૂળ થવા માટે યોગ્ય ન હતા. માનવ આ બાબતમાં સૌથી વધારે યોગ્ય જીવ છે અને તેનું કારણ છે મગજ – બ્રેઈન.

કદના પ્રમાણમાં માનવીનું મગજ બીજા જીવોની સરખામણીમાં સૌથી મોટું છે. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ બ્રેઈન વધારે ને વધારે પાવરફુલ બનતું ગયું છે કારણ કે તેનો ઉપયોગ માનવીએ ખુબ સારી રીતે કર્યો છે. આપણા શરીરની માફક મગજ – બ્રેઈન પણ અનેક કોષોનું બનેલું છે. આ કોષને ન્યુરોન કહેવાય છે. એટલે જ મગજના ડોક્ટરને આપણે ન્યુરોલોજીસ્ટ કહીએ છીએ. ગુજરાતીમાં ન્યુરોન માટે ચેતાકોષ શબ્દ વપરાય છે. આ ન્યુરૉન્સ અનેક પ્રકારના ઇલેક્ટ્રિક તરંગો પેદા કરે છે શરીરની પ્રક્રિયા પર નિયંત્રણ જાળવે છે. આ તરંગોને સમજવા ડોક્ટર્સ ઇલેક્ટ્રો-ઇન્સેફેલો-ગ્રાફી (EEG) નામના ઉપકરણનો ઉપયોગ કરે છે એટલા માટે ચેતાતંત્રનો રોગ થયો હોય તેવા દર્દીનું EEG કરવામાં આવે છે.

કરોડો ન્યુરૉન્સ દ્વારા પેદા કરવામાં આવતા અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક તરંગોની અસર અલગ અલગ હોય છે. જરૂર પ્રમાણે તરંગો પેદા ન થાય તો આખી સિસ્ટમ કામ કરતી બંધ થઇ જાય. આ બ્રેઈન વેવ્સ – તરંગો આપણા અસ્તિત્વનું, માનસિકતાનું, શરીરનું સંચાલન કરે છે. મનોવિજ્ઞાનીઓ આ તરંગોને ચાર પ્રકારમાં વહેંચે છે : આલ્ફા, બીટા, થિટા અને ડેલ્ટા. આલ્ફા તરંગોનું ઉત્સર્જન ત્યારે થાય છે જયારે આપણે શાંત હોઈએ, રિલેક્સ હોઈએ. બીટા તરંગો આપણી એલર્ટ, ભય અને ચિંતાની અવસ્થામાં ઉદ્ભવે છે. થિટા તરંગો જયારે આપણે ઊંઘવાની સ્થિતિમાં, નશામાં કે અન્ય કોઈ રીતે અર્ધજાગ્રતાવસ્થામાં હોઈએ ત્યારે અને ડેલ્ટા તરંગો જયારે આપણે ઊંઘી ગયા હોઈએ, બેભાન હોઈએ ત્યારે પેદા થાય છે. આ રીતે જોતા તેનો ક્રમ બીટા – સંપૂર્ણ સચેત; આલ્ફા – રિલેક્સ; થિટા – અર્ધજાગ્રત; ડેલ્ટા – સુસુપ્ત – એવો હોવો જોઈએ.

આ બધા પૈકી આપણે સૌથી વધારે લાભ થઇ શકે તે આલ્ફા તરંગો છે. કારણ કે બીટા તરંગો વધી જાય તો ભય, ચિંતા, હતાશા કે ગુસ્સા જેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે અને તેને નિયંત્રણમાં લાવવા આલ્ફા તરંગો જરૂરી છે. થિટા અને ડેલ્ટા અર્ઘજાગ્રત અને સુશુપ્તાવસ્થા હોવાથી તે આપણા વર્તન પર પ્રત્યક્ષ રીતે એટલી અસર કદાચ ન કરે પરંતુ આલ્ફા તરંગોનો યોગ્ય પ્રવાહ આપણને આનંદ, સંતોષ અને શાંતિની અનુભૂતિ કરાવી શકે છે. ધ્યાન, પ્રાણાયામ, યોગા કે પ્રાર્થના કર્યા બાદ જે અનુભૂતિ થાય છે તે આલ્ફા તરંગોને કારણે હોય છે. એટલા માટે જયારે કોઈ આપણને કહે કે ગુસ્સો આવે ત્યારે થોડીવાર ઊંડા શ્વાસ લેવા ત્યારે તેનો સીધો અર્થ એ થયો કે થોડા આલ્ફા તરંગો ઉત્પન્ન કરવા. જયારે ચિંતામાં હોઈએ ત્યારે આપણને લોકો ધ્યાન કે પ્રાર્થના કરવાની સલાહ આપે તે ન્યુરોલોજિસ્ટની દ્રષ્ટિએ તો આલ્ફા તરંગોને ઉત્સર્જવાની પ્રક્રિયા છે.

આલ્ફા તરંગોની અનેક સકારાત્મક અને ફાયદાકારક અસરો છે. તે માનસિક તણાવ ઘટાડે છે. શારીરિક ક્ષમતા અને કાર્યશીલતા વધારે છે તથા હર્ષની લાગણી જન્માવે છે. આલ્ફા તરંગોથી માનસિક તેમજ શારીરિક આરોગ્ય સુધરે છે. એટલા માટે જયારે પણ ગુસ્સો આવે ત્યારે સમજવું કે અત્યારે આલ્ફા તરંગોની આવશ્યકતા છે. હતાશા હોય, ચિંતા હોય, માનસિક ઉદ્વેગ હોય તો કોઈ રીતે અલ્ફાનો ડોઝ મળે તેવી કોશિશ કરવી. ધ્યાન હોય કે પ્રાણાયામ, કોઈ એકાંત સ્થળે જઈને મનને શાંત પાડવાની તરકીબ હોય કે પછી બીજો કોઈ ઉપાય, આખરે પરિણામ તો એક જ છે – આલ્ફા તરાગોની ઉત્પત્તિ અને તેની આપણા માણસ પર આહલાદકતા પેદા કરતી અસર. આવા આલ્ફા તરંગો વધારે ઉત્પન્ન થાય અને આપણા મનને શાંતિ, સંતોષ અને આનંદની લાગણી આપે તેવો પ્રયત્ન કરવો જોઈએ.

Don’t miss new articles